નવા વર્ષ માટે લોકોને નવી આશાઓ છે, પરંતુ વૈશ્વિક અર્થવ્યવસ્થાના મોરચે આ વર્ષ ચિંતાજનક બની શકે છે. IMFએ કહ્યું છે કે વર્ષ 2023 વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે સૌથી ખરાબ મંદીનો સંકેત આપી રહ્યું છે. આ મંદી માટે ચીન, અમેરિકા અને યુરોપિયન દેશો સૌથી વધુ જવાબદાર હોઈ શકે છે અને તેના કારણે બેરોજગારીથી લઈને મોંઘવારી સુધીની સમસ્યાઓમાં વધારો થશે. જો કે તેમણે આ મામલે રશિયા-યૂક્રેન યુદ્ધને પણ મંદીનું મહત્ત્વનું કારણ ગણાવ્યું છે.
વાસ્તવમાં, IMFના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ એક વાતચીત દરમિયાન કહ્યું હતું કે નવું વર્ષ ગયા વર્ષની સરખામણીમાં વધુ મુશ્કેલ હશે, જેને આપણે પાછળ છોડીને આવ્યા છીએ. કારણ કે ત્રણ મોટી અર્થવ્યવસ્થાઓ – યુએસ, યુરોપિયન યુનિયન અને ચીન – બધામાં એક સાથે સુસ્તી જોવા મળી રહી છે અને આ દેશો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
જ્યોર્જિવાએ વૈશ્વિક અર્થવ્યવસ્થા વિશે કહ્યું, “40 વર્ષમાં પ્રથમ વખત, 2022 માં ચીનનો વિકાસ વૈશ્વિક વૃદ્ધિની બરાબર અથવા તેનાથી ઓછો રહેવાની સંભાવના છે.” આ ઉપરાંત, આગામી મહિનાઓમાં અપેક્ષિત કોવિડ સંક્રમણની એક લહેર ચીનની અર્થવ્યવસ્થાને અસર કરી શકે છે, જેની સીધી અસર વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પણ પડતી જોવા મળશે.
જ્યોર્જિવાએ કહ્યું છે કે યુએસ અર્થતંત્ર અલગ ઉભું છે અને મુશ્કેલીઓથી બચી શકે છે જેનાથી વિશ્વની એક તૃતીયાંશ અર્થવ્યવસ્થાના પ્રભાવિત થવાની સંભાવના છે. તેમણે કહ્યું છે કે અમેરિકા મંદીમાંથી બચી શકે છે, કારણ કે આપણે જોઈએ છીએ કે અહીં શ્રમ બજાર ખૂબ જ મજબૂત છે અને એમાં અમેરિકાને વધુ નુકસાન થતું નહીં દેખાય.
જણાવી દઈએ કે ઓક્ટોબરમાં IMFએ 2023માં વૈશ્વિક આર્થિક વિકાસ માટે એક નવો અંદાજ જાહેર કર્યો હતો અને વિકાસ દરમાં કાપ મૂકવાની વાતનું પુનરાવર્તન કર્યું હતું. IMFએ રશિયા-યૂક્રેન યુદ્ધને કારણે વધતી મોંઘવારી અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાને જવાબદાર ઠેરવ્યું હતું. તેની અસર સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે.
બીજી તરફ, ચીનમાં ઝીરો કોવિડ પોલિસી હટાવીને અર્થવ્યવસ્થાને ફરીથી ખોલવામાં આવી હોવા છતાં, ત્યાં કોરોનાવાયરસના કેસ હજુ પણ વધી રહ્યા છે. તેમના નીતિ પરિવર્તન પછીના તેમના પ્રથમ જાહેર ભાષણમાં, રાષ્ટ્રપતિ શી જિનપિંગે શનિવારે તેમના નવા વર્ષના સંબોધનમાં વધુ પ્રયત્નો અને એકતા માટે આહ્વાન કર્યું.