ચીનના મુદ્દે મોદી સરકાર વિરુદ્ધ રાહુલ ગાંધીના સતત વક્તવ્ય બાદ આજે ભારતીય જનતા પાર્ટીએ પણ આક્રમક વલણ અપનાવ્યું છે. બીજેપી પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ રાહુલ ગાંધીને હંમેશા ભ્રમિત રહેતા નેતા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતા તેમની યાત્રા દરમિયાન ભ્રમનો શિકાર બન્યા છે. માત્ર દેશભરમાં પ્રવાસ કરીને ભારતને સમજી શકાતું નથી. તમારે ભારતીયતાને સમજવાની જરૂર છે.
જવાહરલાલ નેહરુની ‘ડિસ્કવરી ઑફ ઈન્ડિયા’નો સ્પષ્ટ સંદર્ભ આપતાં સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે ગાંધી પરિવારની ચાર પેઢીઓથી ભારતની શોધ ચાલી રહી છે. સરહદી તણાવ અંગે રાહુલ ગાંધીની ટિપ્પણીનો ઉલ્લેખ કરતા ત્રિવેદીએ કહ્યું કે રાહુલ ગાંધીએ તેમનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે કે ભારતે ચીનની સામે એ જ રીતે આત્મસમર્પણ કરવું જોઈએ, જે રીતે તેમની પાર્ટીની સરકાર દરમિયાન કરવામાં થતું હતું.
બીજેપી નેતાએ કહ્યું કે આ ઈન્ટરવ્યુ સતત ભ્રમિત અને તણાવમાં રહેતા નેતા અને ભ્રમિત ફિલ્મ સ્ટાર વચ્ચેની વાતચીત હતી. ત્રિવેદીએ કહ્યું કે, પરંતુ તેમણે ભારતનો ભ્રમ દૂર કરી દીધો છે… ચીન અંગેનું તેમનું નિવેદન સંકેત આપી રહ્યું છે કે ભારતે ચીન સામે ઝૂકી જવું જોઈએ.
કમલ હાસન સાથે વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું
રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દરમિયાન અભિનેતામાંથી રાજકારણી બનેલા કમલ હાસનને મળ્યા હતા. આ દરમિયાન રાહુલે ચીન સહિત અનેક મુદ્દાઓ પર તેમની સાથે વાત કરી. આ દરમિયાન તેમણે પીએમ નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધ્યું હતું. 23 મિનિટની આ વાતચીતમાં રાહુલ ગાંધીએ કમલ હાસનને કહ્યું કે સેનાએ સ્પષ્ટ કહ્યું છે કે ચીન આપણી જમીન પર બેઠું છે, પરંતુ પીએમએ કહ્યું કે આપણી જમીન પર કોઈ આવ્યું નથી. રાહુલે વધુમાં કહ્યું કે ચીન સાથે માત્ર ભારત જ લડી શકે છે.