અમદાવાદમાં રોગચાળો બેકાબુ બની રહ્યો છે, ચોમાસા બાદ પણ શિયાળામાં કોરોના કેસો નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં કોરોનાની દહેશત વચ્ચે વાયરલ તાવ સહીતના કેસો પણ નોંધાઈ રહ્યા છે. 7 દિવસ વાયરલના સોલા સિવિલમાં 1100 કેસો નોંધાયા છે. ઓપીડીમાં રોજના 1500 કેસો નોંધાઈ રહ્યા છે. શિયાળાની કડકડતી ઠંડી અને કોરોનાની ચિંતા વચ્ચે અમદાવાદમાં અન્ય રોગચાળો પણ વધ્યો છે.
અમદાવાદમાં તાવ-શરદી-ખાંસીના કેસમાં વધારો થયો છે. આ સાથે જ વાયરલ ઈન્ફેક્શનના કેસ પણ વધી રહ્યા છે. નાના બાળકો અને વૃદ્ધોમાં શરદી અને ઉધરસના કેસ વધુ જોવા મળે છે. પહેલા બેવડી ઋતુ અને હવે ઠંડીના કારણે વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે. સાથે જ આરોગ્ય અધિકારીએ લોકોને ખાસ તકેદારી રાખવા અપીલ કરી છે. કેસ વધવા પાછળનું કારણ બાળકોમાં કોરોના, સ્વાઈન ફ્લૂ અને ઓરી હોઈ શકે છે. તેમ આરોગ્ય વિભાગ તરફથી જાણવા મળ્યું હતું.
ખાસ કરીને અગાઉ ચોમાસામાં કેસો વધુ જોવા મળતા હતા ત્યારે શિયાળામાં પણ રોગચાળો જોવા મળી રહ્યો છે. તેમાં પણ ડેન્ગ્યુ, મલેરીયા સહીતના કેસો પણ નોંધાઈ રહ્યા છે. અગાઉ સ્વાઈન ફ્લૂના કેસો પણ અમદાવાદમાં સામે આવ્યા હતા. ત્યારે અત્યારની સ્થિતિ પ્રમાણે વાયરલ કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.