• વર્ષ 2020માં તત્કાલીન ધારાસભ્ય આશાબેન પટેલે સરકારમાં રજૂઆત કરી હતી
•તત્કાલીન પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ માર્ગનું કામ જોઈ લેવા પત્ર વ્યવહાર પણ કર્યો હતો
• અંદાજે 10,000ની જનવસ્તીને કન્નડતો પ્રશ્ન ‘ભરોસાની ભાજપ સરકાર’ હલ કરી શકશે?
સંજય જાની: અપના મિજાજ ન્યુઝ
ઊંઝા તાલુકાના સુણકથી ટુંડાવ ગામને જોડતાં નેરિયાના માર્ગને ડામર રોડથી મઢવા માટે વર્ષોથી અહીંના ગ્રામજનો અને ખેડૂતો પોતાના જન પ્રતિનિધિઓને રજૂઆત કરતા આવ્યા છે. પરંતુ આજ દિન સુધી ગ્રામજનો અને ખેડૂતોને સંતોષ થાય તેવું કામ ચુંટાયેલા જન પ્રતિનિધિ કે તેમના અધિકારીઓએ ધ્યાન ઉપર ન લીધું હોવાથી બંને ગામની અંદાજે 10 થી 11 હજારની જન વસ્તીમાં સરકાર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં વર્ષ 2020માં તત્કાલીન ધારાસભ્ય આશાબેન પટેલે સામૂહિક રજૂઆતના પગલે જે તે વખતના નાયબ મુખ્યમંત્રી તેમજ માર્ગ અને મકાન વિભાગનો હવાલો સંભાળતા નીતિનભાઈ પટેલને પત્ર વ્યવહાર કરીને ગ્રામજનો વતીથી પોતાની વાત મૂકી હતી. જેના પ્રત્યુતરમાં નાયબ મુખ્યમંત્રીએ જે તે વિભાગના અધિકારીઓને પત્ર વ્યવહાર કર્યો હતો. પરંતુ આ જ દિન સુધી ગ્રામજનોનીએ રજૂઆત ફળીભૂત ના થયાનો રંજ ગ્રામજનોને સતાવી રહ્યો છે. હવે ગ્રામજનો ઈચ્છે છે કે ‘ભાજપની ભરોસાની સરકાર’ ગ્રામજનોના ભરોસાને કાયમ રાખી નેરિયાનો માર્ગ ડામરથી મઢવા માટેની કામગીરી કરી સમસ્યામાંથી મુક્તિ અપાવે.
ઊંઝા તાલુકાના સુણક ગામથી ટુંડાવ ગામજવા માટે નેરિયાનો વર્ષો જૂનો માર્ગ આવેલો છે. જે માર્ગના સીમાડે બંને ગામના ખેડૂતોની અંદાજે હજારથી 1200 વીઘા જેટલી જગ્યામાં ખેતીલાયક જમીનો છે. જ્યાં જવા માટે બંને ગામના ખેડૂતો આ નેરીયાનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં ટુંડાવ ગામની અંદાજે પાંચ હજાર અને સુણક ગામની અંદર જે સાત હજાર જેટલી જન વસ્તીને એક ગામથી બીજા ગામ જવા માટે આ માર્ગ અતિ ઢૂકડો પડે છે. જે માર્ગને ડામર રોડ બનાવવા માટે ગામના આગેવાનો અને અમુક જાગૃત નાગરિકોએ ધારાસભ્ય, જિલ્લા, તાલુકા પંચાયતના સભ્યો સહિતના જવાબદારોને વખતોવખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરેલી છે. પરંતુ તે રજૂઆતો ફાઇલોમાં દબાઈ ગઈ હોય તે રીતે કોઈપણ જન પ્રતિનિધિએ નેરિયાનો આ માર્ગ ડામરથી મઢાય તેના માટે દાનત સાફ રાખીને કામગીરી કરી હોય તેવું લાગતું નથી. ઊંઝાના તત્કાલીન ધારાસભ્ય આશાબેન પટેલે રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. પરંતુ ત્રણ વર્ષ બાદ પણ સરકાર તરફથી કોઈ સંતોષકારક કામગીરી કરવામાં આવી નથી. વર્ષ 2020માં થયેલી રજૂઆત પછી હવે વર્ષ 2022 માં નવી સરકાર બની છે અને તેઓએ જે ભરોસાની વાત કરી છે તે મુજબ હવે ગ્રામજનોની રજૂઆત પ્રત્યે ધ્યાન આપવામાં આવે તેવી માગણી પ્રબળ બની છે.
• ચોમાસામાં પાણીથી ભરાઈ જતો માર્ગ ખેડૂતો માટે મુશ્કેલી સર્જી રહ્યો છે
સુણક અને ટૂંડાવ ગામના ખેડૂતોની અંદાજે 1200 વીઘા જેટલી ખેતીલાયક જમીન આ માર્ગ ઉપર આવેલી છે. જ્યાં અવર-જવર કરતા ખેડૂતોને ‘ગાડાવાટ’ પર પોતાના દ્વિચક્રી વાહન લઈને જવું મુશ્કેલી ભર્યું બની રહે છે. એટલું જ નહીં સૌથી મોટી હેરાનગતિ ચોમાસામાં ખેડૂતોને થઈ રહી છે. વરસાદને લઈને આ માર્ગ પર ભરાતાં ગોઠણ ડૂબ પાણીને વિંધીને ખેડૂતોને પોતાના ખેતરોમાં જવા માટે મજબૂર થવું પડે છે.
• જનતાએ ભરોસો મૂક્યો છે, હવે ‘ભરોસાની ભાજપ સરકાર’ છે કે કેમ તે જોવું રહ્યું!
ગત દિવસોમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ રાજ્યના પ્રજાજનોને “ભરોસાની ભાજપ સરકાર” નું સૂત્ર આપ્યું હતું. જેને લઈને રાજ્યની જનતાએ ભાજપા ઉપર ભરોસો મૂકીને 156 ધારાસભ્યો તેમના ખોળામાં બેસાડી દીધા છે. ત્યારે રાજ્યભરના તમામ શહેરી અને ગ્રામ્ય પ્રજાને કનડતા પ્રશ્નો હલ કરવા માટે હવે સરકારે પોતે ભરોસા લાયક છે તે પુરવાર કરવું પડે તેમ છે. જોકે અહીં વાત સુણક અને ટુંડાવ ગામની છે એટલે અહીંના ગ્રામજનોને સરકાર પોતે ભરોસાની છે તેવો ભરોસો અપાવે તે જરૂરી જણાઈ રહ્યું છે.