• આપઘાત કરી લેનાર વ્યક્તિના પરિવારજનો ઉશ્કેરાઈને પીએસઆઇની હાજરીમાં કોન્સ્ટેબલને ફટકાર્યો
• કડક કામગીરી માટે જાણીતા એસપી અચલ ત્યાગી પોલીસ કોન્સ્ટેબલ સાથે થયેલા દુર્વ્યવહાર અંગે પગલા ભરશે કે પછી?
• મૃતકના કેસનો આરોપી જે જ્ઞાતિનો છે તે જ જ્ઞાતિનો પોલીસ કોન્સ્ટેબલ હોવાથી જ્ઞાતિવાદી ઝેર તો નથી ઓકાયું ને?!
સંજય જાની: અપના મિજાજ ન્યુઝ
મહેસાણા જિલ્લાના ખેરવા ગામે એક યુવકે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હોવાની ઘટના બની હતી. જે અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો જેમાં એક ચોક્કસ જ્ઞાતિના વ્યક્તિને આરોપી તરીકે દર્શાવાયા છે. કહેવાય છે કે મૃતકનું પોસ્ટમોર્ટમ કરવા માટે તેના દેહને મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં જરૂરી કાનૂની કાર્યવાહી અર્થે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિમલ દેસાઈ ગયા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી શંકાસ્પદ હોવાના આક્ષેપ સાથે મૃતક યુવાનના પરિવારજનો ઉશ્કેરાયા હતા અને કાનૂની કાર્યવાહી કરનાર પોલીસ કોન્સ્ટેબલને ધક્કે ચડાવી તેમને માર પણ મારવામાં આવ્યો હતો. જે ઘટનાને લઈને મહેસાણા પોલીસની આબરૂના ધજ્જિયા ઉડતા જોવા મળ્યા છે. માન્યુંકે કોઈ પરિવાર સાથે બનેલી ઘટના કરુણા ઉપજાવે તેવી છે. પરંતુ બનાવો સંબંધે પોલીસ કોન્સ્ટેબલ તેમના જવાબદાર ફોજદાર સાથે કાનૂની કાર્યવાહી કરવા માટે ગયા હતા. જ્યાં સિવિલ હોસ્પિટલમાં જ એક ટોળું તેમને હાકોટા પડકારા કરતું ઘેરી વળે અને ટપલી દાવ કરી નાખે તેમ છતાં ઉચ્ચ અધિકારીઓ પોતાની એસી ચેમ્બરમાં મોઢું સિવીને બેસી રહે તો પછી નાના કર્મચારીની સલામતીનું શું થશે? તે પ્રશ્ન પણ વિચાર માગી લે છે. અહીં મહત્વની બાબત એ છે કે મહેસાણા જિલ્લામાં ખુદ પોલીસના કર્મચારીઓ જ સલામત નથી તો પછી આમ જનતાની હાલત શું હશે? એ અંગે રાજ્યના ગૃહ મંત્રી પણ વિચાર કરે એ જરૂરી છે.