શંકર ચૌધરીને જીતાડી મોકલો, અમે મોટા બનાવીશું એવું કહીને ભાજપે કોણીએ ગોળ લગાડ્યો
ઉત્તર ગુજરાતમાં ૧૧ લાખથી વધારે આંજણા ચૌધરી સમાજની વસતિ છતાં જીતેલા બે ધારાસભ્યોમાંથી કોઈને નવા મંત્રીમંડળમાં સ્થાન નહી
વિપુલ ચૌધરીની ધરપકડના પગલે રોષે ભરાયેલા સમાજને ઠંડો પાડવા ભાજપે પાછલા બારણે સમાધાન કર્યું પણ સરકારમાં સમાજને કોઈ પ્રતિનિધિત્વ જ આપ્યું નહી
અમદાવાદ: અપના મિજાજ ન્યુઝ
ઉત્તર ગુજરાતમાં ૧૧ લાખથી વધારે વસતિ ધરાવતા આંજણા ચૌધરી સમાજને ‘રાત ગઈ બાત ગઈ’ જેવો અહેસાસ અત્યારે થઈ રહ્યો છે. વિધાનસભા ચૂંટણી પહેલાં થરાદમાં એક સભામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, શંકરભાઈને તમે ધારાસભ્ય બનાવી વિધાનસભામાં મોકલો, મોટા માણસ અમેે બનાવીશું. ચૂંટણીના પરિણામ આવી ગયાં અને શંકરભાઈ ચૌધરી જંગી લીડથી જીતી ગયા અને હવે નવા મંત્રીમંડળમાં તેમણે કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવશે તેવી ચર્ચાઓ ચાલી હતી. આંજણા ચૌધરી સમાજ ઐતિહાસિક ઘડીની રાહ જાેઈ રહ્યો હતો પણ ભાજપે કોથળામાંથી બિલાડું કાઢ્યું હતું અને શંકર ચૌધરીને કટ ટુ સાઈઝ કરી નાખ્યા હતા. હવે શંકરભાઈ ચૌધરીને વિધાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવશે તેવું ફાઈનલ માનવામાં આવી રહ્યું છે.
શંકરભાઈ ચૌધરી ઉત્તર ગુજરાત આંજણા ચૌધરી સમાજનો મોટો ચહેરો છે અને બનાસ ડેરીના ચેરમેન હોવાના નાતે સર્વ સમાજમાં પણ લોકપ્રિય છે. થરાદ બેઠક ઉપરથી તેઓ જંગી મતની લીડથી જીત્યા છે અને વિધાનસભા પહોંચ્યા છે. ભાજપ દ્વારા તેમણે મોટા માણસ બનાવીશું તેવું કહેવામાં આવ્યા બાદ નવા મંત્રીમંડળમાં તેમનું ક્યાંય નામો-નિશાન જાેવા ન મળતાં આંજણા ચૌધરી સમાજને ભાજપ કોણીએ ગોળ લગાડી ગયો હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. શંકર ચૌધરી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ગુડબુકમાં હોવા છતાં પણ મંત્રી પદ મળ્યું નથી એ અચરજ પમાડે છે. વિપુલ ચૌધરીની ધરપકડ બાદ આંજણા ચૌધરી સમાજ અને અર્બુદા સેના આકરા પાણીએ જાેવા મળી હતી અને જેના કારણે ભાજપને વિધાનસભા ચૂંટણીમાં નુકસાનનો ડર લાગતાં ચૂંટણી પહેલાં અર્બુદા સેના સાથે સમાધાન કરવામાં આવ્યું હતું. ‘ગરજ હોય એટલે ગધેડાને પણ બાપ કહેવું પડે’ તે કહેવતને સાચી ઠેરવતાં ભાજપે ચાલાકી કરી આંજણા ચૌધરી સમાજનો રોષ ઠારવા પ્રયાસ કર્યો અને તેમાં મહદઅંશે સફળતા પણ મળી હતી. જાે કે, હવે ચૂંટણી પૂરી થયા બાદ સમાજને પણ હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યો છે તેની પ્રતીતિ સમાજને થઈ રહી છે.
શંકર ચૌધરીને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવશે અને સરકારમાં નંબર ટુનું સ્થાન આપવામાં આવશે તેવો પ્રચાર પણ ખૂબ કરવામાં આવ્યો હતો પણ અંતે શંકર ચૌધરીનો મંત્રીમંડળમાં સમાવેશ જ કરવામાં આવ્યો નથી. હવે અધ્યક્ષ પદ માટે શંકર ચૌધરીનું નામ ફાઈનલ ગણવામાં આવી રહ્યું છે. શંકર ચૌધરી અગાઉ મંત્રીમંડળમાં ફરજ બજાવી ચૂક્યા છે અને બહોળો અનુભવ ધરાવતાં હોવા છતાં પણ સાઈડલાઈન કરવામાં આવતાં આંજણા ચૌધરી સમાજ ખફા થયો છે. ભાજપની આ ખંધી ચાલ હતી કે પછી શું હતું તેની ઉપર પણ સવાલો ઊઠી રહ્યા છે.
ભાજપમાં થરાદમાંથી શંકર ચૌધરી અને ખેરાલુથી સરદાર ચૌધરી બે ધારાસભ્યો ચૂંટાયા છે પણ બેમાંથી કોઈને પણ મંત્રીપદ આપવામાં આવ્યું નથી. ૧૧ લાખની વસતિનું પ્રતિનિધિત્વ કરતા આંજણા ચૌધરી સમાજના બે ધારાસભ્યોમાંથી એકને પણ મંત્રીપદ ન મળે તેની પાછળનો તર્ક શું સમજવો એ મોટો પ્રશ્ન છે. શંકર ચૌધરી માટે ભાજપ જ મોટો મોટો પ્રચાર કરે છે અને ભવિષ્યના મુખ્યમંત્રી તરીકે રજૂ કરે છે પણ આખરે છેલ્લી ઘડીએ કેમ એકડો કાઢી નાખવામાં આવે છે તે સમજવું અઘરું છે. નવા મંત્રીમંડળમાં આંજણા ચૌધરી સમાજની ધરાર ઉપેક્ષા ચર્ચાનું કેન્દ્ર બની છે અને તેમાં ય શંકર ચૌધરી જેવા કદાવર નેતાને મંત્રીમંડળમાં સામેલ કરવામાં ન આવતાં ભાજપે માત્રને માત્ર કોણીએ ગોળ લગાડ્યો હોવાની પ્રતીતિ પણ સમાજને થઈ રહી છે.