કલોલ શહેરની ભાગોળે આવેલા સઈજ ગામ નજીક આજે વહેલી સવારે ગાંધીનગર એલસીબીની ટીમે બાતની આધારે અમદાવાદ મહેસાણા હાઇવે પરથી પસાર થતી એક ટ્રક થોભાવી તેમાં તલાસી લેતા પ્લાસ્ટિકના ખાલી કેરેટ નીચે છુપાવેલી મોટી માત્રામાં અંગ્રેજી દારૂ ભરેલી પેટીઓ મળી આવી હતી. પોલીસે ટ્રક, દારૂનો જથ્થો કબજે લઈ ટ્રક ચાલકની અટકાયત કરી જરૂરી કાનૂની કાર્યવાહી કરી હતી. પોલીસે ટ્રકમાંથી પકડાયેલા દારૂની ગણતરી કરતા 447 પેટી જેની કિંમત 24.50 લાખ આંકવામાં આવી છે. પોલીસે આ કાર્યવાહી સંદર્ભે દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં લઈ જવાતો હતો તે દિશામાં જરૂરી તપાસ હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. નોંધનીય છે કે બે દિવસ પૂર્વે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ હતો. જેમાં દારૂ સહિતના નશીલા પદાર્થોની હેરફેર રોકવા સાથે પોલીસ ચુસ્ત બંદોબસ્ત પણ કરી રહી હતી. જેને લઈને દારૂના ધંધાર્થીઓ પણ જપીને બેઠા હતા. પરંતુ હવે ચૂંટણી પૂર્ણ થતા પોલીસ આરામ તેમજ મત ગણતરીની કામગીરીમાં વ્યસ્ત હોવાનું માનીને સંભવત બુટલેગરો ફરી પાછા સક્રિય થયા હોય તેમ જણાઈ આવે છે.
કલોલના વિભાગીય પોલીસ અધિક્ષક પીડી મણવરના જણાવ્યા પ્રમાણે કલોલ તાલુકા પોલીસ મથકની હદમાં આવતાં સઈજ ગામ નજીકથી આજે વહેલી સવારે ગાંધીનગરની સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે અમદાવાદ મહેસાણા હાઇવે પરથી પસાર થતી એક ટ્રકને બાતમી આધારે થોભાવી તપાસ કરતા ટ્રકમાં ઉપરના ભાગે પ્લાસ્ટિકના ખાલી કેરેટ ભરેલા હતાં. જેની નીચે વિદેશી પ્રકારના ભારતીય બનાવટના દારૂની પેટીઓ સંતાડીને ભરવામાં આવી હતી. પોલીસ ટીમે ટ્રક ચાલકની અટકાયત કરી દારૂના જથ્થા સાથે ટ્રક કબજે લઈ કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. મહેસાણા તરફથી અમદાવાદ બાજુ લઈ જવાતી ટ્રકમાં કુલ 447 પેટી જેની કિંમત 24.50 લાખ ગણતરી કરીને પોલીસે દારૂનો જથ્થો ક્યાંથી, કોણે ભરીને મોકલ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો. ઉપરાંત આ જથ્થો કોણે મંગાવ્યો તે દિશામાં પગેરું દબાવવામાં આવ્યું છે. એલસીબીએ પકડેલો આ દારૂનો જથ્થો કલોલ તાલુકા પોલીસ મથકે મૂકીને ટ્રકચાલક વિરુદ્ધ તેમજ આ કેસમાં સંડોવાયેલા અન્ય લોકો સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.