Apna Mijaj News
"એકતાનો રંગ"

મોદીની ચાનો ‘મિજાજ’ પત્રકારો માટે ખિલખિલાટ!

સંજય જાની: અપના મિજાજ ન્યુઝ

          રાજ્યના પાટનગર ગાંધીનગરની હરિયાલી જગ પ્રસિદ્ધ છે. સેક્ટર નંબરો,ગુજરાતી મૂળાક્ષર અને આંકથી ઓળખાતા રાજમાર્ગો અને સર્કલો રાજ્યના કે પર પ્રાંતમાંથી આવતા પ્રવાસી મુસાફરોને જ નહીં પરંતુ લગભગ સ્થાનિકે રહેનાર લોકોને પણ ભૂલભૂલૈયામાં મૂકી દે છે. અને આવું એટલા માટે છે કે નગરની રચના એવી રીતે કરવામાં આવી છે કે જે એની રીતે સુશોભિત છે. પરંતુ માર્ગો પર નીકળનારા લોકો રોડ-રસ્તા, બાંધણી, બાગ- બગીચા બધું જ એકસરખું જોઈ ક્યાંથી આવ્યાં ક્યાં જવાનું હતું?! એટલું જ ભૂલી જાય એવું નથી પરંતુ ફરી ફરીને જ્યાં હતા ત્યાં ને ત્યાં પરત પણ આવી જતા હોય છે. એ પછી અંતે કોઈને પૂછે કે અમારે અહીં જવું છે ક્યાંથી જવાનું? જોકે હવે જેણે પણ શોધ કરી છે તે વ્યક્તિને 100 100 સલામ…. google એપનું નિર્માણ થયું…. ને લોકોને બને ત્યાં સુધી વગર પૂછે પોતાની મંઝિલ મળી રહે છે.
    હવે હરિયાળી આચ્છાદિત પાટનગરના રાજકારણની વાત કરીએ તો એમાં પણ કંઈક એવું છે. મહાનગરપાલિકામાં બિરાજતા જનતાના કહેવાતા નગરસેવકો, રાજ્યની વિધાનસભામાં બિરાજમાન રાજનેતાઓ, તમામે તમામ સરકારી કચેરીઓના એર કન્ડિશન મોટા મોટા ઓરડામાં બેસીને ઢગલો ફાઈલો સાથે ગાંધીનગર શહેર, તાલુકા જિલ્લા અને રાજ્યભરનો વહીવટ સંભાળતા બાબુઓ પણ અરજદાર જનતાના કામો નિયમ અનુસાર, સમયસર કરવાનું ભૂલી જતા હોવાના પણ અસંખ્ય દાખલા મોજુદ છે. જનતાના કામોની ફાઈલો આવવી, તે ફાઈલોને એક ટેબલથી બીજા ટેબલે મંજૂરી- નામંજૂરી માટે આગળ ધકેલવી કે પાછી ધકેલવી વગેરે કામ કરતા નાના નાના કર્મચારીઓ અરજદાર જનતા પાસેથી ‘ચા પાણી’ ના નામે થોડા ઘણા ખર્ચા પાણી કાઢવાનું ભૂલતા નથી. કડવું છે પણ સત્ય આ જ છે. જોકે નાના કર્મચારીની વાત ચા પાણીથી એટલા માટે કરવી પડી કે મહત્વના કામોની ફાઈલો ઉચ્ચ અધિકારીઓ, રાજનેતાઓ પાસેથી મંજૂર કરાવવી હોય ત્યારે ચા પાણી નહીં પરંતુ મોટા  ‘વહીવટ’ કરવા પડતા હોવાની વાત પણ કોઈ પણ અરજદાર ભૂલી શકતો નથી એ પણ સનાતન સત્ય છે.
      હવે બીજી મહત્વની વાત એ છે કે ગાંધીનગરમાં રહીને તમામે તમામ વહીવટી કચેરીઓ અને રાજ્યભરમાંથી ચૂંટાયેલા ધારાસભ્યો, મંત્રીઓ અને ખાસ કરીને આ બધા જ વચ્ચે નિસરણી બની લાયઝનિગના કામ કરવાના બહાના હેઠળ “વચેટીયાઓ”ની ભૂમિકા અદા કરતા લોકો ઉપર નજર રહે છે અહીંના “કલમવીરો”ની! આ કલમવીરો એટલે સમાચારની દુનિયા સાથે સંકળાયેલા મીડિયા કર્મચારીઓ, અને આ એ જ એક માત્ર કર્મચારીઓ છે કે જેઓ પાટનગરમાં બેઠા છે અને પાટનગરમાં શું શું ચાલી રહ્યું છે. તે ગતિવિધિ ઉપર બાજ નજર રાખીને બેઠા છે. એવું પણ નથી કે તેમની માત્રને માત્ર બાજ નજર છે. તેઓ વર્ષોથી ગાંધીનગરમાં ચાલતી ગતિવિધિઓની જાણકારી પણ રાખે છે. વર્ષો અગાઉ શું બન્યું હતું, વર્તમાનમાં શું ઘટી રહ્યું છે અને ભવિષ્યમાં શું બનશે તેની પણ ચર્ચા એકબીજા સાથે સ્નેહ ભાવ, લાગણી ભાવ અને વિશ્વાસ ભાવ સાથે ખિલખિલાટ મુખડે કરતાં જોવા મળતા હોય છે. દેશની ચોથી જાગીરના સંત્રીઓની અખબાર ભવનની કચેરીઓમાં અને ખાસ કરીને ભવન બહાર ઘટાદાર વૃક્ષોના છાયડે ગગનવિહારીઓના કલરવના સંગાથે અને ખાસ કરીને સો ટકા કુદરતી વાતાવરણ વચ્ચે મોદી ચાની ચૂસકી સાથે પાટનગરમાં ઘટેલી ઘટનાની ચર્ચામાં એક આગવો “મિજાજ” દૈનિક જોવા મળે છે.

     ‘અખબાર ભવન’ની બહાર જગદીશ ઉર્ફે જગ્ગાભાઈ મોદીની આદુ મસાલાથી ભરપૂર ‘ચા’ની ચુસકી લગાવતા લગાવતા ગાંધીનગર શહેરી તેમજ જિલ્લા ભરની ચર્ચા સાથેની અલગ મલકની વાતો કરવાનો અને સાંભળવાનો લાહવો જ કંઈક અનેરો છે. કોણે કેટલી મેટરો લખી, કોણે કેવા પ્રકારના સમાચારો મેળવ્યા, કોણે કેવા પ્રકારની ઘટનાઓ જાણી, કોણે કેવા ફોટોગ્રાફ્સ અને વિડીયોના વિઝ્યુઅલ્સ મેળવ્યા, કોની મેટર, કોના ન્યુઝ ક્યારે અને કેવા ચાલ્યા એટલું જ નહીં પરંતુ કયા સરકારી વિભાગમાં શું થયું? કયા માર્ગ ઉપર, કયા વિસ્તારમાં કેવી ઘટના ઘટી, મહાનગરપાલિકા, જિલ્લા, તાલુકા પંચાયત, જુના -નવા સચિવાલય, બસ મથક, રેલવે સ્ટેશન સહિતના અનેકવિધ સરકારી, બિનસરકારી, સંસ્થા, શાળા, કોલેજમાં શું હતું. વિગેરે બાબતો જગ્ગા ભાઈ મોદીની ચાની પ્યાલી હાથમાં લઇ ‘ચાય પે ચર્ચા’ માં ગળાડુબ પત્રકાર મિત્રોની હસી- ખુશી, મોજ, મસ્તી અને પ્રેમ ભાવથી ભરેલી મશ્કરીનો આનંદ આખો દિવસ સમાચારો મેળવવા કરેલી દોડાદોડનો શારીરિક, માનસિક થાક ‘પરમાનંદ’માં પરિવર્તિત થયેલો જોવા મળે છે.જે મોકો ‘મોદી ટી’ ની લારી ઉપર ચૂકવા જેવો નથી.

Related posts

U20 : WOW AHMEDABAD IS VERY BEAUTIFUL

ApnaMijaj

મહેસાણા નગરસેવક “બંકા”નો વાગ્યો ‘ડંકો’

ApnaMijaj

મારવાડી સમાજની આ મહિલાએ ‘સંસ્કારો’ દીપાવ્યા

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!