Apna Mijaj News
આમને- સામને

મહેસાણા ભાજપ ‘ભક્ત’ને શિસ્ત શીખવાડે:શું છે ‘રાજ’?

મહેસાણા કમલમ ખાતે મહિલા કાર્યકરોને ‘તું, તારી’ કરનારા કથિત ભક્તની શહેરભરમાં ચર્ચા

જિલ્લા સંગઠનના એક ઉચ્ચ મહિલા હોદ્દેદાર સાથે જીભા જોડી થઈ પણ રાજ ‘રાજ’ જ રહ્યું!

મહિલા હોદ્દેદારે મોટું મન રાખી આ તો અંદરની વાત હતી બધું પતી ગયું છે, કંઈ નહોતું કહી વાત ટાળી

સંજય જાની: અપના મિજાજ ન્યુઝ

      ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા કેટલાક સમયથી પક્ષ સાથે સંકળાયેલી અથવા તો ન સંકળાયેલી હોય તેવી મહિલાઓને લઈને કંઈક ને કંઈક વિવાદો સામે આવતા રહ્યા છે. થોડા સમય પૂર્વે જ પક્ષના એક મહિલાએ એક વિડીયો વાઈરલ કરીને આબરૂના ભોગે પક્ષમાં હું રહેવા માગતી નથી તેમ કહી પોતાના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી દીધું હતું. બીજી તરફ ભાજપના ભક્ત અને દેશના યોગગુરૂ તરીકે ઓળખાતા બાબાએ હજુ ગણતરીના કલાકો પહેલા જ મહારાષ્ટ્રમાં એક યોગ પ્રશિક્ષણ સમારંભમાં મહિલાઓ કપડા વગર પણ સારી દેખાય છે તેવું વિવાદિત નિવેદન કરતા સમગ્ર દેશમાં તેમના પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. એ જ રીતે બે દિવસ પૂર્વે મહેસાણામાં આવેલા ભાજપના કમલમ કાર્યાલય ખાતે પાર્ટીના એક કાર્યકરે અમુક મહિલાઓને કોઈ બાબતે ‘તું, તારી’ કરતાં મામલો ગરમાયો હતો. એટલું જ નહીં મહિલાઓએ પણ એ કહેવાતા ચૌદસિયા કાર્યકરને રોકડું પરખાવી દીધું હતું કે,’અમે ઘરના કામકાજ છોડી પાર્ટીનું કામ કરવા માટે દિવસ રાત દોડીએ છીએ, મહિલાઓની ઈજ્જત કરતા શીખો’. કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટી શિસ્તને વરેલી છે. પરંતુ પોતાને ‘ભક્ત’ ગણાવતાં અમુક કાર્યકરોના કારણે પક્ષની તમામ ગરીમા હણાઇ જતી હોય છે એ પણ સનાતન સત્ય છે.

મહેસાણા શહેરના પિલાજી ગંજ ખાતે આવેલા ભાજપના કાર્યાલય ખાતે વિધાનસભાની ચૂંટણીને લઈને રોજબરોજ મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સૌ કોઈ કાર્યકરો પોત પોતાની રીતે પાર્ટી દ્વારા સોંપાયેલા કામો થકી ચૂંટણીમાં ઉમેદવારી કરનાર ઉમેદવારને જીતાડવાના કામમાં લાગી ગયા છે. પ્રચાર પ્રસારથી માંડી પક્ષ તરફથી સોંપવામાં આવેલા કામમાંથી નવરા પડીને હવે શું કરવાનું છે તેવી અપેક્ષા સાથે પાર્ટીની ઓફિસમાં વધુ સૂચનો મેળવવા માટે કાર્યકરો એકઠાં થતા હોય છે. એ રીતે જ બે દિવસ પૂર્વે ભાજપના કાર્યાલયમાં ઉપસ્થિત જિલ્લા સંગઠનના એક ઉચ્ચ મહિલા હોદ્દેદાર અને પક્ષના જ એક કાર્યકર સાથે જીભાજોડી થઈ ગઈ હતી. હલકી ફુલ જેવી ધ્રુજારી છોડાવતી શિયાળાની ઠંડીની સીસીયારી વચ્ચે ભાજપ કાર્યાલયની દિવાલોને વીંધીને વિવાદની હવા મહેસાણા શહેરમાં જ નહીં પરંતુ સમગ્ર જિલ્લામાં ફેલાઈ ગઈ છે. જાણકારો તો ત્યાં સુધી કહે છે કે મહિલાઓ સાથે તું તારી કરનાર એ ચૌદસિયા ભક્તના કરતુંત ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય સુધી પણ પહોંચી ગયા છે. સંભવત ચૂંટણી પછી એ ચૌદસિયા કાર્યકરની હકાલ પટ્ટી પણ થઈ શકે તેવી ચર્ચા પણ સામે આવી છે.
મહેસાણાના ભાજપ કાર્યાલયયે “હું કરું.. હું કરું… એ જ અજ્ઞાનતા,સટકનો ભાર જેમ શ્વાન તાણે” એ રીતે કામ કરતા એ ચૌદસિયા ભક્તે મહિલાઓ સાથે માત્ર તું તારી કરી છે કે વધુ કંઈ અપમાનજનક ચેષ્ટા કરી છે. તે જોકે ‘રાજ’ રહેવા પામ્યું છે. પરંતુ મહિલાઓનું સન્માન ન કરનાર એ ‘ભક્ત’ને ‌ જોકે મહિલા આગેવાનોએ રોકડું પરખાવીને કહી દીધું હતું કે ‘અમે ઘરના તમામ કામકાજ મૂકીને પાર્ટીના કામ કરીએ છીએ મહિલાની ઇજ્જત કરતા શીખો’. જોકે આ બાબતે એક મહિલા આગેવાનને પૂછવામાં આવતા તેઓએ મોટું મન રાખીને કહ્યું હતું કે એ અમારા અંદરની વાત હતી કઈ બન્યું નથી. તેમ કહીને ભાજપ કાર્યાલયમાં જે ઘટના બની છે તેમાં સાચી હકીકત શું હતી તે રાજને માત્ર ‘રાજ’ જ રાખવામાં આવ્યું છે. જે હોય તે, પરંતુ મહિલા આગેવાને મોટું મન રાખીને સંભવત એ ચૌદસિયા કાર્યકરને માફી બક્ષી દીધી હોય તેવું જણાઈ આવે છે. જોકે અમુક મહિલા વર્ગ એવો માને છે કે મહિલા કાર્યકરો સાથે તોછડાઈ ભરી ભાષામાં વાતચીત કરી તેમની ઈજ્જત નહીં કરનારા આવા ચૌદસિયા કાર્યકરને ઘર ભેગો કરી દેવો જોઈએ.

Related posts

મહેસાણા કોંગ્રેસમાં ધબાધબી…

ApnaMijaj

ક્રાઈમ બ્રાન્ચના ૬૦ કર્મીને ‘ભાઈબંધી’ભારે પડશે?

ApnaMijaj

બિહારી બબલીએ ‘કા બા’ ગાઈને ભાજપી ભડવીરોના ‘ગાભા’ કાઢી નાખ્યાં

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!