કલોલ વિધાનસભા બેઠક જીતવા માટે ભાજપ કોંગ્રેસના કાર્યકરોને ડરાવી રહી હોવાના સનસનીખેજ આક્ષેપ…
સંજય જાની: અપના મિજાજ ન્યુઝ
ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પૈકી મહત્વની ગણાતી 38 કલોલ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પક્ષથી ઉમેદવારી કરી ચૂંટણી લડતા બળદેવજી ચંદુજી ઠાકોરને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પોલીસનો દુરુપયોગ કરી કોંગ્રેસના કાર્યકરોને ડરાવી ધમકાવીને કોંગ્રેસનું કામ નહીં કરવા માટે કહેવામાં આવતું હોવાના સનસનાટી ભર્યા આક્ષેપ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કર્યા છે. કોંગ્રેસના ઉમેદવાર અને ધારાસભ્ય બળદેવજી ઠાકોરે એક વિડીયો જાહેર કરીને કહ્યું છે કે તેઓએ ચૂંટણી પંચ અને લાગતા વળગતા લોકોને પત્ર લખી જાણ કરી છે કે, 38 કલોલ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારને જીતાડવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓને ટાર્ગેટ બનાવી ભાજપમાં ઉચ્ચ સ્થાને બેઠેલા લોકો દ્વારા પોલીસનો દુરુપયોગ કરી તેમને કનડગત કરવામાં આવે છે. પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓને કોંગ્રેસનો પ્રચાર કે કોંગ્રેસના ઉમેદવાર માટે કામ નહીં કરવા માટે ડરાવવા તેમજ ધમકાવવામાં આવી રહ્યા છે. બળદેવજી ઠાકોરે એમ પણ કહ્યું કે જો આ ગેરપ્રવૃત્તિ બંધ નહીં થાય તો તેઓ આગામી સમયમાં પોતાનો ચૂંટણી પ્રચાર બંધ રાખી પ્રાંત કચેરી સામે ઉપવાસ ઉપર બેસી જઈ ઉપવાસ આંદોલન કરશે. તેમજ તેઓએ આ માટે કોઈ તારીખ જાહેર નથી કરી પરંતુ જ્યારે તેઓ તારીખ જાહેર કરશે ત્યારે તેઓએ કોંગ્રેસના તાલુકા ભરના કાર્યકર્તાઓને સાથ સહકાર આપવા કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે 38 કલોલ વિધાનસભાની બેઠક પર છેલ્લા બે ટર્મથી કોંગ્રેસ પક્ષમાંથી બળદેવજી ચંદુજી ઠાકોર ધારાસભ્ય તરીકે ચુંટાતા આવ્યા છે. હવે આ બેઠક અહીંના સાંસદ અને કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ માટે જીતવી મહત્વની હોઈ ભાજપ દ્વારા સામ-દામ દંડ ભેદ તમામ પ્રકારના પેતરા અજવવામાં આવી રહ્યા હોવાની ચર્ચા તાલુકા ભરમાં ચાલી રહી છે. કહેવાય છે કે ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને હરાવવા માટે જે પ્રકારે કામગીરી થઈ રહી છે તેને લઈને કોંગ્રેસ પક્ષના જ નહીં પરંતુ હવે તો આમ જનતામાં પણ ભારતીય જનતા પાર્ટી પ્રતી ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે ચૂંટણી લોકશાહી ઢબે જીતવા માટે પ્રજાના કામ કરવા પડે. અને પ્રજા સ્વયંભૂ રીતે મત આપે તે પ્રકારની કામગીરી હોય તે જરૂરી બની રહે છે. જોકે હવે જોવાનું એ રહે છે કે કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોરે ચૂંટણી પંચ અને જે તે વિભાગને પત્ર લખી લોકશાહી ઢબે ચૂંટણી યોજવા જે રજૂઆત કરી છે. તેને ચૂંટણી પંચ સહિતના વિભાગો કેટલી ગંભીરતાથી લે છે!