•બે વર્ષથી કોંગ્રેસ પાસે રહેલી વિધાનસભા બેઠક યથાવત રહેશે
•ભાજપના બકાજી કોણ છે? તેવું કલોલ તાલુકાની જનતા પૂછે છે
સંજય જાની: અપના મિજાજ ન્યુઝ
ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક ઉપરના ઉમેદવારો જાહેર થઈ ગયા છે. જેમાં કલોલની મુખ્ય ગણાતી બેઠક પર ત્રણ ઠાકોર ઉમેદવારો ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી સીધે સીધી ટક્કરથી ચૂંટણી જંગ લડી રહ્યા છે. જેમાં છેલ્લા દસ વર્ષથી અડીખમ કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ચંદુજી ઠાકોર માટે આ વખતે પણ પ્રચંડ જન સમર્થન જોવા મળી રહ્યું છે. બીજી તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવાર કાંતિજી ઠાકોર ઉપર રાષ્ટ્રીય સંપતિ એવા ઓઇલની ચોરી સંદર્ભે ભૂતકાળમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેઓ જેલવાસ પણ ભોગવી આવ્યા છે. એટલે લોકો તેમને ‘ઓઇલ ચોર’ નું નામ આપીને તેમની છબી કલંકિત હોવાની વાત સામે ધરી અત્યારથી જ તેમને કારમી હાર આપી દીધી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ જાણીતા ચહેરાઓને સાઈડ કરીને નવા નિશાળીયાને પસંદ કરી જાણે પોતાની હાર કબૂલી લીધી હોય તેવો મત જનતા આપી રહી છે.
કલોલ વિધાનસભાની બેઠક ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ માટે જીતી જવી એક સપનું છે. પરંતુ ગ્રાઉન્ડ રિપોર્ટ જોતા જણાઈ આવે છે કે ભાજપે એવા ઉમેદવારને સજી ધજીને ચૂંટણી જંગમાં મૂક્યા છે. જેમને કલોલ તાલુકાની જનતા જાણતી જ નહીં પરંતુ ઓળખતી પણ નથી. એટલે રાજકીય વિશ્લેષકો એમ કહી રહ્યા છે કે ભાજપે જાણીતા ચહેરાઓને સાઈડ કરીને નવા નિશાળીયાને ચૂંટણી જંગમાં ધકેલી દીધો છે પરંતુ આ માટે અમિત શાહે બળદેવજી ઠાકોરના હાથમાંથી વિધાનસભાની બેઠક આંચકી લેવાના જે સપના જોયા છે તે માત્ર ને માત્ર સપનું જ રહી જશે. વર્ષ 2012માં ડૉ. અતુલ પટેલને કારમી હાર આપીને કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોરે બાજી મારી હતી. જે બાદ 2017માં પણ બળદેવજી ઠાકોરે કોંગ્રેસની છબીને ચૂંટણી જીતીને વધુ ઉજળી બનાવી દીધી છે. જોકે દસ વર્ષથી કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કલોલની જનતાને માગી હોય એનાથી વધારે સુખ સુવિધા આપી હોવાની વાત અહીંની જનતા જનાર્દન કરી રહી છે. એટલું જ નહીં તાલુકા ભરના રાજકીય આગેવાનો વિશ્વાસપૂર્વક કહે છે કે બળદેવજી ઠાકોરે જે કર્યું છે તે અંગેના અસંખ્ય પુરાવાઓ છે અને પુરાવાને કોઈદી પ્રમાણપત્રની જરૂર નથી હોતી. એટલે આગામી વિધાનસભા બેઠક પણ બળદેવજી ઠાકોર જીતી જશે એ એમના માટે જનતાનું ‘પ્રમાણપત્ર’હશે.
• ભાજપે બકાજી ઠાકોરની પસંદગી કરી તેમાં સ્થાનિક ભાજપની આગેવાનોમાં અશાંતિનો માહોલ
કલોલ વિધાનસભા બેઠક માટે લક્ષ્મણજી પુંજાજી ઉર્ફે બકાજી ઠાકોરની પસંદગી કરવામાં આવી છે. જેને લઈને વર્ષોથી ભાજપની ટિકિટ ઉપર વિધાનસભા બેઠક લડવાની રાહ જોઈને બેઠેલા લોકોમાં અશાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. કલોલ ભાજપના સ્થાનિક નેતાઓ જે ટિકિટની વેઇટિંગ લિસ્ટમાં હતાં. પરંતુ ટિકિટ તેમના નસીબમાં લખાયેલી ન્હોતી અને ‘બગાસું ખાવા મોઢું ખોલનાર બકાજીના મોં માં ટિકિટ રૂપી પતાસુ’ પડી ગયું છે. એટલે ચૂંટણી લડવા ઈચ્છુક લોકોનાં પેટમાં ચૂંક આવે તે સ્વાભાવિક હોવાનું રાજકીય જાણકારો કહી રહ્યા છે. જો કે તેમનો ઈશારો એવો માની શકાય તેમ છે કે હું ખાવું પણ નહીં અને ખાવા દઉં પણ નહીં. એટલે સંભવત પાછલા બારણે કોંગ્રેસને મદદ મળશે તેવું પણ કલોલમાં ચર્ચાઈ રહ્યું છે.
•ભાજપના ઉમેદવાર સાથે ફોર્મ ભરવા ખભે ખભો મિલાવી ગયેલા લોકો ખરા ટાઈમે ટેકો આપશે કે પછી?
ભાજપના ઉમેદવાર લક્ષ્મણજી ઉર્ફે બકાજી ઠાકોર જ્યારે ઢોલ નગારા સાથે સરઘસ કાઢીને ભાજપના આગેવાનો અને કાર્યકરો સાથે મામલતદાર કચેરીએ ફોર્મ ભરવા આવ્યા ત્યારે સૌ કોઈ લોકો ગળે ભાજપનો ખેસ, માથે ટોપી પહેરી ખુશખુશાલ ચહેરે સાથી બનીને આવ્યા હતા. પરંતુ કલોલ શહેરમાં એક ચર્ચા એવી પણ છે કે ભૂતકાળમાં પણ ભાજપના ઉમેદવારને હરાવવા માટે ભાજપના જ અમુક આગેવાનોએ પેંતરા રચ્યા છે. એ જ રીતે આ વખતે પણ બકાજી ઠાકોર સાથે ખભે-ખભો મિલાવીને દોડાદોડી કરતા ભાજપના આગેવાનો ખરા ટાઈમે તેમને ટેકો આપશે કે પછી દગો!? એ તો ચૂંટણીના પરિણામ પછી જ ખબર પડશે. જોકે જાણકારો એમ કહે છે કે ખુદ ભાજપના જ આગેવાનો અંદરખાને એવો પ્રચાર કરે છે કે બકાજીને ‘ઓળખે’ છે કોણ? જો આ વાત સત્ય હોય તો બકાજીએ પણ આવા લોકોને “ઓળખી” જવાની જરૂર હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.
•ભાજપના ઉમેદવાર બકાજી ઠાકોરનો તાલ…’જાનમાં કોઈ જાણે નહીં અને હું લાડાની ફોઈ’ જેવો: કોંગ્રેસ હેટ્રિક મારશે
કલોલ વિધાનસભા બેઠકના ઉમેદવાર બકાજી ઠાકોર વ્યવસાય વેપારી હોવાની વાત સપાટી ઉપર આવી છે. કહેવાય છે કે તેઓ ભાજપના સાઇલેન્ટ કાર્યકર છે. જોકે જાણકારો કહે છે કે કોઈપણ પાર્ટીમાં રહેલો કાર્યકર સાઇલેન્ટ હોય તે કોઈપણ ચૂંટણીમાં ઉમેદવારી કરે તો ચાલી ન શકે. જાણકારોના મતે ઉમેદવાર જનતા પ્રિય, જનતામાં જાણ પહેચાન, ઓળખાણ ધરાવતો હોવો જોઈએ. એથી પણ વિશેષ કે તે પાર્ટીના તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓની નજીકનો અને ખાસ કરીને વાચાળ હોવો જોઈએ. પરંતુ બકાજી ઠાકોર માટે આવી કોઈ જ ખાસિયત ન હોવાનો ગણગણાટ ભાજપના જ કાર્યકરોમાં ઉઠ્યો છે. અને એટલે જ ખુદ ભાજપના જ કાર્યકરો આ વખતની ચૂંટણી ફરી વખત હારી જઈશું તેવી ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં એક ચર્ચા એવી પણ છે કે, કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો તો ઠીક પણ ભાજપના આગેવાનો અને કાર્યકરો પણ કબુલાત કરી રહ્યા છે કે આ વખતે કોંગ્રેસના બળદેવજી ઠાકોર ચૂંટણી જીતીને કલોલની બેઠક પર હેટ્રિક મારશે. બકાજીનો બળદેવજીની સામે ‘મમરો’ પણ નહીં આવે.