Apna Mijaj News
Other

સાણંદના પ્રાંત અધિકારીના આપઘાતથી ચકચાર

મૃતક મોડી રાત્રી સુધી ચૂંટણીના કામમાં વ્યસ્ત રહેતા હતા

• કામના ભારણથી આત્મહત્યાનું પગલું ભર્યા હોવાનું તારણ

•મૃતક બનાસકાંઠાના અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર પણ હતા

• થોડા દિવસો પૂર્વે જ બનાસકાંઠાથી તેઓ સાણંદ બદલાયા હતા

 

સંજય જાની: અપના મિજાજ ન્યુઝ

 

       બનાસકાંઠા જિલ્લાના પુરવઠા વિભાગના નાયબ કલેક્ટર અને અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર તરીકે ફરજ બજાવતા યુવા અધિકારી  આર કે પટેલ થોડા દિવસો પૂર્વે જ સાણંદના પ્રાંત અધિકારી તરીકે બદલી થઈને આવ્યા હતા. વર્તમાન વિધાનસભાની ચૂંટણીને લઈને તેઓ દિવસ રાત કામગીરીમાં વ્યસ્ત રહેતા હતા. જેઓએ આજે સાણંદ સ્થિત પોતાના નિવાસ્થાનના બિલ્ડીંગથી પડતું મૂકીને આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી છે. ઘટનાના પગલે સાણંદ પોલીસ સ્થળ ઉપર પહોંચી છે અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.
સાણંદના પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા આર કે પટેલ નામના અધિકારીએ આત્મહત્યા કરી લેતા તેમના પરિવાર અને સનદી અધિકારીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. થોડા સમય પૂર્વે જ બનાસકાંઠાથી સાણંદમાં પ્રાંત અધિકારી તરીકે બદલીને આવેલા આરકે પટેલ ચૂંટણી સંબંધીત કામગીરીમાં ખૂબ જ વ્યસ્ત રહેતા હતા. ચૂંટણીના કામમાં ભારે વ્યસ્તતા અને ભારણ વચ્ચે કામગીરી કરતા પ્રાંત અધિકારી ડિપ્રેશનમાં આવી ગયા હોવાની ચર્ચા સાણંદમાં થઈ રહી છે. કહેવાય છે કે તેઓ પ્રાંત કચેરીથી ચૂંટણી સંબંધીત કામગીરી પૂર્ણ કરીને રાત્રે અઢી વાગે જ પોતાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં આવ્યા બાદ તેઓએ તેમના બિલ્ડીંગના પાંચમા માળેથી નીચે પડતું મૂકીને જિંદગીનો અંત આણી દીધો હતો. ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવ સ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતા કાફલો દોડી આવ્યો હતો અને જરૂરી કાનૂની વિધિ હાથ ધરી હતી. જોકે આત્મહત્યાનું ઠોસ કારણ શું છે તે જાણી શકાયું નથી. પરંતુ ચૂંટણી કામગીરીને લઈ માનસિક ભારણ વધી જતા તેઓએ આ પગલું ભર્યું હોઈ શકે તેવું કહેવામાં આવી રહ્યું છે.
       મૃતક વર્ષો સુધી બનાસકાંઠા જિલ્લામાં નાયબ કલેકટર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ વિશ્વપ્રસિદ્ધ અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર પણ હતા. સરળ અને નિખાલસ સ્વભાવ ધરાવતા અધિકારીના આત્મહત્યાના સમાચાર સાંભળી બનાસકાંઠા જિલ્લાના અધિકારી કર્મચારીઓમાં પણ ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે.

Related posts

ચારિત્ર્યવાન યુવા પેઢી રાષ્ટ્ર અને સમાજનું નિર્માણ કરે છે

ApnaMijaj

Toothache: દાંતનો દુખાવો અસહ્ય છે, તરત જ અજમાવો આ 4 ઘરેલું ઉપચાર

Admin

ભારત વિ. ન્યુઝીલેન્ડ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજથી T20 શ્રેણી શરૂ થશે, પ્રથમ મેચ રાંચીમાં છે; જાણો પૂર્વાવલોકન વિશે

Admin

Leave a Comment

error: Content is protected !!