Apna Mijaj News
"કર મેદાન ફતેહ"

કોણ હશે કલોલના “ઠાકોર સાહેબ”!

અલગ અલગ રાજકીય પક્ષમાં એક જ જ્ઞાતિના ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગમાં સીધે સીધી ટક્કર

છેલ્લી બે ટર્મથી ભાજપના પાટીદાર ઉમેદવારને કોંગ્રેસના ઠાકોર ઉમેદવારે પરાસ્ત કરી બેઠક જાળવી રાખી છે

વર્ષ 2012ની ચૂંટણીમાં ગમાજી ઠાકોરે અપક્ષ ઉમેદવારી કરી કોંગ્રેસના બળદેવજી ઠાકોર માટે અપસેટ સર્જ્યું હતું

વર્ષ 2022ની ચૂંટણીમાં કોંગી ઠાકોર ઉમેદવાર સામે ભાજપ અને આમ આદમી પાર્ટીએ જ્ઞાતિ ભાઈઓને સામે લાવી દીધાં

સંજય જાની :અપના મિજાજ ન્યુઝ

        રાજ્યના પાટનગર કલોલ વિધાનસભાની બેઠક પર છેલ્લા બે ટર્મથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને કોંગ્રેસનો દબદબો જાળવી રાખનાર ધારાસભ્ય બળદેવજી ઠાકોર સામે વર્તમાન વિધાનસભા ચૂંટણીમાં મોટો પડકાર ઉભો થયેલો જોવા મળી રહ્યો છે. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે અહીંના સ્થાનિક આગેવાન ગમાજી ઠાકોરને સાઈડ કરીને કડીથી આવેલા બળદેવજી ઠાકોરની ઉમેદવાર તરીકે પસંદગી કરી હતી. જેથી નારાજ ગમાજી ઠાકોર અપક્ષ ઉમેદવારી કરીને ચૂંટણી લડ્યા હતા. જેથી કલોલ વિધાનસભા મત ક્ષેત્રમાં ઠાકોર સમાજ નોંધપાત્ર મતદારો ધરાવે છે. જેને લઈને ગમાજી ઠાકોરે અંદાજે 5000થી પણ વધુ મત મેળવીને કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોરની મત પેટીમાં નોંધપાત્ર ગાબડું પાડ્યું હતું. જે પછી 2017ની વિધાનસભા ચૂંટણીમાં ફરી એક વખત ભાજપના ઉમેદવાર ડૉ. અતુલ પટેલ અને કોંગ્રેસના બળદેવજી ઠાકોર વચ્ચે સિધી ટક્કર ચૂંટણીમાં હતી. જોકે તે સમયે ગમાજી ઠાકોર બળદેવજીની પડખે ઉભા રહ્યા હતા અને બળદેવજી ઠાકોરે ભાજપાના ઉમેદવારને ચમચમતી હાર આપી હતી.
     વર્તમાન સમયમાં વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં રાજકીય સમીકરણો પલટાયેલા જોવા મળી રહ્યાં છે. આ વખતે ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અને કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પોતાના સપનાની કલોલ વિધાનસભા બેઠક હસ્તગત કરવા માટે સરળ સ્વભાવના વ્યવસાયે વેપારી લક્ષ્મણજી પુંજાજી ઉર્ફે બકાજી ઠાકોરને ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ પણ કોંગ્રેસના અડીકમ સીટીંગ ધારાસભ્ય બળદેવજી ચંદુજી ઠાકોરને પરાસ્ત કરવા માટે કાંતિજી ઠાકોરને ધક્કો માર્યો છે. આમ, વર્તમાન વિધાનસભા ચૂંટણીમાં કલોલની બેઠક પર એક જ જ્ઞાતિના ‘ભાઈઓ’ લડવૈયા બની મેદાનમાં ઉતર્યા છે. ત્યારે તાલુકાભરમાં ઠાકોર જ્ઞાતિનું પ્રભુત્વ ત્રણમાંથી કયા ભાઈને “વિજય તિલક” કરાવશે. તે અંગે ઠાકોર સમાજ સહિત અન્ય સમાજના મતદારોમાં પણ ચર્ચાનું ચગડોળ ગોથે ચડ્યું છે. એટલું જ નહીં કલોલ વિધાનસભા બેઠક પર અલગ અલગ ત્રણ પક્ષમાં ઠાકોર સમાજના ત્રણ ઉમેદવારો વચ્ચે સીધો ચૂંટણી જંગ હોઈ કલોલ તાલુકાની પ્રજા અત્યારે ધારાસભ્ય બળદેવજી ઠાકોરને ‘સાહેબ’તરીકે સંબોધન કરે છે ત્યારે હવે કોને પોતાના “ઠાકોર સાહેબ” ઘોષિત કરે છે તે ચૂંટણીના પરિણામો પછી જ જાણી શકાશે.
કલોલ વિધાનસભા બેઠક ભાજપ હસ્તગત કરે તે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનું સપનું રહ્યું છે
       કલોલ વિધાનસભા બેઠક પર કોગ્રેસ પક્ષનો દબદબો છે. વર્ષ 1990થી ભાજપે ત્રણ અને કોંગ્રેસે ચાર વખત જીત હાંસલ કરી છે. ગત વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે બળદેવજી ઠાકોરને ટિકિટ આપી હતી અને ભાજપે ડૉ.અતુલ પટેલને મેદાને ઉતાર્યા હતા, પરંતુ જાતિગત સમીકરણના આધારે આ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરનો વિજય થયો હતો. કલોલ વિધાનસભાના જાતિ સમીકરણો જોતાં આ બેઠક પર ઠાકોર સમાજનું પ્રભુત્વ છે. આ બેઠક પર અંદાજિત 17થી 20 ટકા ઠાકોર સમાજનું વર્ચસ્વ છે. તે પછી પાટીદાર, બ્રાહ્મણ, મુસ્લિમ તેમજ અન્ય સમાજનું પણ છે. કલોલ બેઠકમાં કલોલ શહેર સહિત 70 જેટલાં ગામડાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, કલોલ બેઠક કોંગ્રેસનો ગઢ ગણવામાં આવતો હોવાથી ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી આ બેઠક ભાજપને મળે તે માટે પ્રયત્નશીલ છે. કેમ કે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ પણ છે.
ભાજપના ઉમેદવાર સરળ વેપારી વર્ગમાંથી આવે છે, પક્ષના સાઇલેન્ટ કાર્યકર તરીકે ગણવામાં આવી રહ્યા છે
       કલોલ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર લક્ષ્મણજી ઓળખે બકાજી ઠાકોર સરળ સ્વભાવના ઉચ્ચ કોટીના વ્યક્તિત્વની છાપ ધરાવે છે. કહેવાય છે કે તેઓ વ્યવસાયે વેપારી છે અને ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે સાઇલેન્ટ રીતે કામ કરી રહ્યા છે. જાણકારો કહે છે કે રાજનીતિમાં તેમની શલેટ એકદમ કોરી ધાકોર છે. ઉપરાંત એમ પણ કહેવાઈ રહ્યું છે કે વિધાનસભાની ચૂંટણી બકાજી ઠાકોર નહીં પરંતુ ખુદ અમિત શાહ લડી રહ્યા હોય તેવો માહોલ ઊભો કરીને ભાજપના કાર્યકરો બકાજી ઠાકોરને જીતાડવા માટે તનતોડ મહેનત કરી રહ્યાં છે.
આમ આદમી પાર્ટીના ઉમેદવાર કાંતિજી ઠાકોરની છબી કલંકિત, પાર્ટીના વફાદાર કાર્યકરોની લાગણી ઘવાયી
      સ્થાનિક કાર્યકરોના કહેવા પ્રમાણે કાંતિજી ઠાકોરની છબી કલંકિત છે. કાંતિજી ઠાકોર વિરુદ્ધ રાષ્ટ્ર સંપતિ ઓઇલ ચોરીની પોલીસ ફરિયાદ નોંધાય છે અને તેમાં તેમને જેલવાસ પણ ભોગવવો પડ્યો છે.આમ આદમી પાર્ટી એક ઈમાનદાર પાર્ટી હોવાના કારણે આવા ઉમેદવારોનું નામ કયા સંજોગોથી જાહેર થયું એ બાબતે અનેક અટકળોએ જોર પકડ્યું છે. ઉલ્લેખનીય છે કે, કલોલ વિધાનસભાની સીટ માટે આમ આદમી પાર્ટી દ્વારા કલોલના કોઈપણ કાર્યકરની સેન્સ પણ લીધી ન હોવાથી પાયાના વફાદાર કાર્યકરોની લાગણી ઘવાયી છે. જોકે કહેવાય તો એમ પણ છે કે કાંતિજી ઠાકોરની પડખે ખુદ આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ ઊભા નથી. એટલે ઠાકોર સમાજ તેમને કેટલો સાથ સહકાર આપે છે તે પણ જોવામાં આવી રહ્યું છે.
છેલ્લા દસ વર્ષથી જનતા ઉપયોગી કાર્યોથી ‘પ્રજા પ્રિય’ બનેલા ધારાસભ્ય બળદેવજી ઠાકોર લડાયક યોદ્ધા 
        કલોલ વિધાનસભા બેઠક પર છેલ્લી બે ટર્મથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવતા લડાયક યોદ્ધા બળદેવજી ચંદુજી ઠાકોર ‘પ્રજા પ્રિય’ ધારાસભ્ય ની છાપ ધરાવે છે. છેલ્લા દસ વર્ષથી જનતા ઉપયોગી કાર્યો થકી તેઓએ પ્રજાના હૃદયમાં સ્થાન મેળવ્યું છે. ધારાસભ્ય બળદેવજી ઠાકોર માટે એમ કહેવાય છે કે તેઓ પોતાને મળતી લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટનો ઉપયોગ ગ્રામ્ય વિકાસ તેમજ જનતા ઉપયોગી કાર્ય માટે કરતા રહ્યા છે. એટલું જ નહીં પરંતુ વિધાનસભામાં પણ વિપક્ષના સક્ષમ સદસ્ય તરીકે મક્કમતાથી સત્તા પક્ષને સવાલો કરીને તેમને ઘેરતા પણ રહ્યા છે. ઉપરાંત કલોલ શહેર તેમજ તેમના વિધાનસભા મત ક્ષેત્રના હરેક ગામડાની જરૂરિયાત મુજબની માગણીયો તેમજ સમસ્યા હલ કરવા માટે વિધાનસભામાં પ્રશ્નો ઉઠાવતા રહ્યા છે. જેથી એમ કહેવાઈ રહ્યું છે કે કલોલ વિધાનસભા મત ક્ષેત્રમાં કોંગ્રેસના કામ બોલે છે, બળદેવજી ઠાકોરનું નામ બોલે છે. એટલે હજુ એક વખત કોંગ્રેસ આ બેઠક જાળવી રાખી રાજકારણની પીચ ઉપર ‘હેટ્રીક’ મારશે.

Related posts

સાયન્સ સિટીખાતે ‘હેમફેસ્ટ ઈન્ડિયા 2023’ યોજાશે

ApnaMijaj

ચંદ્રાલામાં એલસીબી ત્રાટકી, દારૂનો જથ્થો કબજે

ApnaMijaj

ઊંઝા પોલીસ ચોરી કેસમાં ‘વિજયી’ ભવ:

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!