•તમને ખબર છે, હરિયાણાથી ગુજરાતમાં દારૂ કોણ મોકલે છે?
• હરિયાણાથી વર્ષે 500 કરોડનો દારૂ ગુજરાતમાં ઘુસાડાય છે
• લીસ્ટેડ બુટલેગર સ્ટેટ મોનિટરિંગ સેલના સકંજામાં આવ્યો
સંજય જાની: અપના મિજાજ ન્યુઝ
ગુજરાતમાં વર્ષ 1960 પછી દારૂબંધી અમલી બનાવવામાં આવી છે. તેમ છતાં ગુજરાતમાંથી વરસે દાહડે લાખો- કરોડો રૂપિયાનો વિદેશી પ્રકારનો ભારતીય બનાવટનો દારૂ ઘુસાડવામાં આવે છે. એક અહેવાલ મુજબ જે રાજ્યમાં દારૂબંધી નથી તેના કરતાં પ્રમાણમાં વધુ દારૂ ગુજરાતમાં લોકો પી રહ્યા છે. જેને લઈને સ્થાનિક નેતાગીરી તેમજ અમુક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને ઘી કેળાં થઈ પડતા હોવાના આક્ષેપો પણ છાશવારે ઉઠતા રહ્યા છે. વર્ષે દહાડે લાખો કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં ઠલવાય છે અને ક્યારેક પોલીસના હાથે પણ ચડતો હોય છે. જોકે ઘણા કિસ્સામાં દારૂ કોણે મોકલ્યો અને ગુજરાતમાં દારૂ કોણે મંગાવ્યો તે રહસ્ય ક્યારેક માત્ર ને માત્ર રહસ્ય બનીને જ રહી જતું હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં કાર્યરત સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાય અને નાયબ પોલીસ અધિક્ષક કે ટી કામરીયા દ્વારા દારૂના ધંધાને તહન સહન કરી નાખવા માટે પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી કામગીરી કરવામાં આવી રહી છે. જેના ફળ સ્વરૂપે છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાતમાં દેશી તેમજ વિદેશી દારૂના ધંધાર્થીઓ તેમજ ખુદ પોલીસના જ અધિકારીઓ ઉપર રીતસરની ધોંસ બોલી ગઈ છે.
સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી નિર્લિપ્ત રાયે ગુજરાતમાં દારૂ ઘુસાડતા પર પ્રાંતના વ્યક્તિઓને પણ આરોપી બનાવી તેમની શોધખોળ આદરી હતી. જેમાં તેમને જાણવા મળ્યું હતું કે હરિયાણા રાજ્યના ચંદીગઢનો રહેવાસી જોગિન્દર પાલ ઉર્ફે ફૌજી દેવરાજ મથુરાદાસ શર્મા હરિયાણામાં દારૂના ઠેકા રાખે છે અને ગુજરાતમાં રોજની ચારથી પાંચ ટ્રક ભરીને દારૂ ગુજરાતમાં ઠાલવી રહ્યો છે. જેથી તેની સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ૨૮ જેટલા ગુના નોંધવામાં આવ્યા છે. એટલું જ નહીં તે એક હત્યાનો પણ આરોપી છે. જે હત્યા અને પ્રોહિબીશનના આઠ ગુનામાં જોગિન્દર પાલ વોન્ટેડ હતો. જેથી તેને લિસ્ટેડ બુટલેગર જાહેર કરી તેને પકડી પાડવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કાર્યવાહી તેજ બનાવી હતી. જેના ફળ સ્વરૂપે ટીમને બાતમી મળી હતી કે જોગિન્દરપાલ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની સીમા નજીક શિવની જિલ્લાના મોહગાંવમાં છુપાયો છે.
સ્ટેટ મોનિટરિંગ સેલને રાજ્યના લીસ્ટેડ બુટલેગરની બાતમી મળતાં સેલની બે ટીમો તેને પકડવા પહોંચી હતી. પોલીસ ટીમ બાતમીના સ્થળે પહોંચતા જોગિન્દર પાલ શર્મા પોલીસને ઊંઘતો મળી આવ્યો હતો. જેની ધરપકડ કરી તેને ગુજરાત લાવવામાં આવ્યો હતો. પોલીસે લીસ્ટેડ બુટલેગર પાસેથી આઠ લાખની રોકડ, બે મોબાઈલ ફોન અને એક ઇનોવા કાર કબજે લેવામાં આવ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પકડી પાડેલો આરોપી ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવાનું નેટવર્ક ચલાવતો હતો. જેના વિરુદ્ધ અમદાવાદ જિલ્લાના કણભા પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ અને ષડયંત્ર રચવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલો હોઈ તેની અટકાયત કરવામાં આવી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલના હાથે પકડાયેલો જોગિન્દર પાલ હરિયાણા સરકાર પાસેથી વર્ષ 2008થી દારૂનાં કોન્ટ્રાક્ટ રાખતો હતો. જેની પાસે હરિયાણામાં 8 થી 10 ઠેકા હતાં. પરંતુ તે જે જગ્યાએ ઠેકા રાખતો હતો ત્યાં દારૂની એટલી માંગ નહોતી. છતાં તે ઊંચા ભાવે ઠેકા લેતો હતો. હરિયાણા સરકારના ગોડાઉનમાંથી દારૂ લઈને તે પોતાના સીમાવર્તી વિસ્તારના ગોડાઉનમાં દારૂ ભરતો હતો. જે ગોડાઉન માટે તે માસિક પચાસ લાખ જેટલું ભાડું ચૂકવી અહીંથી તે દારૂ ભરીને રોજની પાંચ ટ્રક એટલે એક અંદાજ મુજબ વર્ષે ₹500 કરોડનો દારૂ તે ગુજરાતમાં મોકલતો હતો.
•એકલા હાથે દારૂ વેચવો અશક્ય હોવાથી ગુજરાતમાં વિનોદ સિંધી તેનો પાર્ટનર હતો, સિંધી દુબઈમાં પકડાઈ ગયો
હરિયાણા સરકાર પાસેથી દારૂના કોન્ટ્રાક્ટરની મોટી કિંમત ચૂકવીને જોગિન્દર પાલ ગુજરાતમાં વર્ષે 500 કરોડનો દારૂ ઘુસાડતો હતો. પરંતુ ગુજરાતમાં એકલા હાથે કારોબાર કરવો અશક્ય હોવાથી તેણે વિનોદ સિંધી નામના વ્યક્તિને પોતાનો પાર્ટનર બનાવ્યો હતો. પરંતુ એસએમસીના વડા નિર્લિપ્ત રાયે તેનું 200 કરોડનું દારૂનું નેટવર્ક પકડી પાડતા વિનોદ સિંધી ભારત છોડી દુબઈ ભાગી ગયો છે. જોકે ત્યાં તે પકડાઈ જતા તેને ભારત લાવવા માટે પ્રત્યાર્પણની વિધિ થઈ રહી છે.
•જોગીંદર પાલે વડોદરાના કુખ્યાત ગેંગસ્ટરની હત્યાનો પણ વોન્ટેડ આરોપી હોઈ તેને પકડવો જરૂરી હતો
હરિયાણાના જોગિન્દરપાલ વિરુદ્ધ પ્રોહિબિશનના 28 જેટલા ગુના નોંધાયેલા છે. જેમાંથી તે પ્રોહિબિશનના આઠ અને વડોદરાના કુખ્યાત ગેંગસ્ટર મુકેશ હરજાણીની હત્યા કરવાના ગુનામાં પણ વોન્ટેડ હોવાથી તેને પકડવો જરૂરી હતો. આથી સ્ટેટ મોડી કરીને સેલના વડા નિર્લિપ્ત રાયે તેને પકડી પાડવા માટે કવાયત હાથ ધરી હતી અને આ માટે તેઓએ પાંચેક દિવસ અગાઉ હરિયાણામાં એક ટીમ મોકલી હતી. જ્યાં ત્રણ દિવસ તેની શોધખોળ પછી પણ તે હાથ લાગ્યો ન હતો. આથી નિર્લિપ્ત રાયે પોતાના બાતમીદારોને સક્રિય કરતાં તે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડરના એક ગામમાં છુપાયો હોવાની માહિતી મળતા 600 kmનો પ્રવાસ કરીને હરિયાણાથી ટીમ ત્યાં પહોંચી હતી અને તેને પકડી પાડ્યો હતો.