અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એલસીબીએ ચૂંટણી ટાંકણે જ બગોદરા હાઈવે ઉપર સપાટો બોલાવ્યો
પંજાબથી રાજકોટ તરફ લઈ જવાતાં 33.20 લાખના વિદેશી દારૂનો જંગી જથ્થો ભરેલી ટ્રક સાથે ચાલકને ઝડપી પાડ્યો
• બગોદરા પાસે સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે કાર્યવાહી કરી
• દારૂનો જથ્થો કોણે મંગાવ્યો તે દિશામાં પોલીસે પગેરું દબાવ્યું
• દારૂના જથ્થા સાથે પકડાયેલો ટ્રક ચાલક રાજસ્થાનનો રહેવાસી
સંજય જાની: અપના મિજાજ ન્યુઝ
અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દેશી વિદેશી દારૂ તેમજ નસીલા પદાર્થોની હેરફેર રોકવા માટે અહીંના જિલ્લા પોલીસ અધિક્ષક અમિત વસાવાએ સ્થાનિક ગુના શોધક શાખાના પીઆઈને સુચના આપી હતી. જે સંદર્ભે શાખાની ટીમ કામગીરી કરી રહી હતી. જેના ફળ સ્વરૂપે ગઈકાલે સાંજના ભાગે બગોદરા હાઈવે પર પસાર થતી ટ્રકને બાતમી આધારે રોકીને તલાસી લેતા તેમાંથી વિદેશી પ્રકારનો ભારતીય બનાવટના દારૂનો જંગી જથ્થો મળી આવતા પોલીસ ચોંકી ગઈ હતી. પોલીસે રાજસ્થાનના રહીશ ટ્રક ચાલકની અટકાયત કરી દારૂનો જથ્થો કબજે લઈ ગણતરી કરતા ટ્રકમાંથી મળેલી 553 પેટીમાંથી કુલ 6,640 નંગ દારૂની બોટલ કિંમત રૂ.33,20,000ની મળી આવતા કાનુની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સઘન ચોકીધારી પણ કરવામાં આવી રહી છે. તેમ છતાં બુટલેગરો મોટા પ્રમાણમાં અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડી રહ્યા છે. જિલ્લા ગ્રામ્ય એલસીબીની ટીમે પણ ગઈકાલે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે પરંતુ આમાં દારૂનો જથ્થો ભરી લાવનાર ટ્રક ચાલકની બહાદુરી ગણવી કે પછી નાદાનિયત! તે કળવું મુશ્કેલ બન્યું છે. જોકે અહીં પ્રશ્ન એ છે કે ચૂંટણી ટાંકણે જ મોટા પ્રમાણમાં પકડાયેલો વિદેશી દારૂનો જથ્થો હકીકતમાં કોણે મંગાવ્યો છે? અને કોણે મોકલ્યો છે? તેના મૂળ સુધી અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એલસીબી પહોંચે તો જ તેની બહાદુરી ખરી કહેવાય!
અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસની સ્થાનિક ગુના શોધક શાખાના પીઆઇ આર.એન. કરમટીયાએ આપેલી વિગતો મુજબ ઉચ્ચ અધિકારીઓએ જિલ્લામાં દેશી વિદેશી દારૂ તેમજ રસીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે સૂચના આપી હતી. જેથી શાખાની ટીમના અધિકારી અને કર્મચારીઓ આ અંગેની કામગીરી કરી રહ્યા હતાં. ત્યારે ગઈકાલે સાંજના ભાગે શાખાના કોન્સ્ટેબલ પ્રદિપસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ રાઠોડ અને હેડ કોન્સ્ટેબલ અજય બોળીયાને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે અમદાવાદથી રાજકોટ તરફ જવાના બગોદરા હાઈવે પર એક ટ્રક દારૂનો મોટો જથ્થો ભરીને જઈ રહી છે. જે બાતમી આધારે એલસીબીની ટીમે બગોદરા હાઈવે ઉપર વોચ ગોઠવી હતી.