Apna Mijaj News
આમને- સામને

કલોલના કોંગી MLAને હરાવવા કોણ મેદાનમાં?

માણસાના કોંગી ધારાસભ્ય સુરેશ પટેલ શું ભાજપમાં આવે છે?

સુરેશ પટેલને ભાજપ કલોલ વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી લડાવશે?

• કલોલ વિધાનસભા માટે ભાજપના દાવેદારો સાઈડ થઈ જશે ને કોથળામાંથી બિલાડું નીકળશે?

સંજય જાની (અપના મિજાજ ન્યુઝ)

      રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. ચૂંટણી લડવા ઇચ્છુક મૂરતિયાઓ પણ પોતાને ટિકિટ મળે એ માટે તેમના રાજકીય ગોડફાધરોના શરણે જઈ પગચંપી કરવા લાગી ગયા હોવાની ચર્ચા જોર પકડી રહી છે. કંઈ કેટલાય મુરતિયાઓએ ખાદી અને લીલનના ઝભ્ભા લેંઘા તેમજ બંડીને ધારદાર ઇસ્ત્રી કરી સારુ મુહૂર્ત ઘડાઈ જાય તો ઘોડે ચડવાની તૈયારીઓ આરંભી દીધી છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના અન્ય રાજકીય પક્ષોએ પોતાના મુરતિયાઓની કંકોત્રીઓ જાહેર કરી દીધી છે. તો વળી અમુક મુરતિયાઓ કતારમાં ઊભા છે અને પોતાનો વારો ક્યારે આવે તેની રાહ જોઈ રહ્યા છે. આ તમામ બાબતો વચ્ચે અટકળો અને કોણ ક્યાંથી ચૂંટણી લડશે? ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કોને ટિકિટ આપશે? શું ભાજપનો યોદ્ધા કોંગ્રેસમાં, કોંગ્રેસનો યોદ્ધા ભાજપમાં કે આમ આદમી પાર્ટીમાં જશે? આવી કેટલીયે ચર્ચાઓ રાજ્યભરના જિલ્લા અને તાલુકાઓ સહિતના ગામડાઓમાં શિયાળાના પ્રારંભની ફૂલ ગુલાબી ઠંડીમાં ગરમાવો લાવી રહી છે.
         તાજેતરની વાત કરીએ તો રાજકોટથી કોંગ્રેસના ધુરંધર નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ થોડા સમય માટે આમ આદમી પાર્ટીમાં ગયા હતા. જે ગઈકાલે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઈશુદાન ગઢવીનું નામ જાહેર થતા જ ગુલાટી મારીને ફરી પાછા પોતાના સ્વગૃહે એટલે કે કોંગ્રેસમાં પરત ફર્યા છે. જેને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ કહ્યું કે તેઓ મુખ્યમંત્રી પદ તરીકેના ચહેરા માટે તેમનું નામ સૂચન કરવામાં આવે તેનું દબાણ કરતાં હતાં જે ન કરવામાં આવતા તેઓ પાર્ટી છોડીને જતા રહ્યા છે. જોકે આ બાબત દેશમાં નવી નથી. ચૂંટણી આવે એટલે કોઈ પોતાના પક્ષને તટસ્થ રહેતું હોય તેવું ભાગ્ય જ બનતું હોય છે. મોટાભાગના લોકો પોતાનું હિત ન સચવાતા આયારામ ગયારામની જેમ ચૂંટણીના ફોર્મ ભરવા સુધી અને એ બાદ ફોર્મ પરત ખેંચવા સુધી ચલક ચલાણું રમતાં હોય છે. આ બધી પ્રક્રિયા વચ્ચે મજબૂત અને મહત્વના વ્યક્તિની આવી હરકતો સામે પક્ષના મોવડિઓ અને જવાબદાર લોકો નાના ભૂલકાની જેમ રિસાયેલા લોકોને મનાવવા માટે બને તેટલા પ્રયત્નો એટલે કે સામ-દામ દંડ ભેદ બધું જ અખત્યાર કરી રિસાયેલી વ્યક્તિ પક્ષને કોઈ નુકસાન ન પહોંચાડે તેના પ્રયાસમાં જોતરાઈ જતા પણ જોવા મળતા હોય છે.
        હવે આપણે અહીં વાત કરવાની છે પાટનગર ગાંધીનગરના મહત્વની ગણાતી કલોલ વિધાનસભા બેઠકની, છેલ્લા બે ટર્મથી અહીં કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટાઈને આવતા બળદેવજી ઠાકોર મજબૂત ધારાસભ્ય તરીકે ઉભરી આવેલા છે. એટલું જ નહીં પરંતુ “પ્રજાપ્રિય” નેતા તરીકેની છાપ પણ તેઓએ છેલ્લા 10 વર્ષમાં ઊભી કરી છે. તેમના વિશે એમ કહેવાય છે કે કલોલ શહેર સહિત તાલુકાના મત ક્ષેત્રમાં આવતા તમામ ગ્રામ્ય વિસ્તારોમાં તેઓએ વિપક્ષમાં બેઠેલા હોવા છતાં અનેક લોક ઉપયોગી કાર્યો કર્યા છે. તાલુકાની પ્રજાને કન્નડતી સમસ્યા તેઓ રજૂઆત મળે તુરંત હલ કરતા આવ્યા હોવાની વાતો પણ જરાય સત્યથી વેગળી નથી. કલોલ વિધાનસભા મત ક્ષેત્રના કોઈપણ શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં જઈને પૂછવામાં આવે કે તમારો આદર્શ નેતા કોણ તો બળદેવજી ઠાકોરનું નામ પુરા સન્માનથી લેવામાં આવતું હોવાનું આજે પણ પૂછવાથી જાણવા મળે છે. ખરા અર્થમાં વહીવટી તંત્રથી પીડિત પ્રજાજનોના તેઓ હામી કહેવાતા રહ્યાં છે. એટલું જ નહીં તાલુકામાં તેમની લોકપ્રિયતા એટલી છે કે કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ પણ આ બેઠક પર કબજો કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. પરંતુ બળદેવજી ઠાકોરના મજબૂત હાથમાંથી કલોલ વિધાનસભાની બેઠક આંચકી જવી મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય હોવાનો પુરાવો કલોલની તાલુકાભરની જનતાનો દ્રઢ આત્મવિશ્વાસ આપી રહ્યો છે.
       ખેર, ચૂંટણીનો માહોલ જોઈએ તેવો જામ્યો નથી. પરંતુ કલોલમાં ભાજપ ટિકિટ કોને આપશે?! એવો કયો ઉમેદવાર આવશે જે બળદેવજી ઠાકોરની સામે ટક્કર જીલી તેમને હરાવી શકે?! તેવા પ્રશ્ન આશ્ચર્યજનક રીતે અનેક લોકો પૂછી રહ્યા છે. એટલું જ નહીં ખુદ ભારતીય જનતા પાર્ટીના પણ કેટલાક કાર્યકર્તાઓ બળદેવજી ઠાકોરને હરાવવા અશક્ય હોવાની વાત કરતા ખચકાતા ન હોવાની બાબત પણ સપાટી ઉપર આવી છે. આ બધા વચ્ચે એક અટકળ એવી પણ ચાલી છે કે, માણસાના કોંગી ધારાસભ્ય સુરેશભાઈ પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ કરી રહ્યા છે અને કલોલ વિધાનસભાની બેઠક પરથી બળદેવજી સામે ટક્કર લેશે. વાત આટલેથી અટકતી નથી પરંતુ તર્ક એવો પણ લગાવાયો છે કે સુરેશ પટેલ ભાજપમાં આવી કલોલ વિધાનસભા જીતી જાય પછી તેમને મંત્રીમંડળમાં પણ સ્થાન આપવામાં આવશે. આથીયે ઉપર વાત એવી ફેલાઈ છે કે સુરેશ પટેલના ભાજપમાં આવવાના કારણે બળદેવજી ઠાકોરની ઊંઘ હરામ થઈ ગઈ છે. જોકે આ બાબતને લઈ અનેક જગ્યાએ ખરાઈ કરવા પૂછપરછ કરાઇ તો જાણવા મળ્યું કે ભારતીય જનતા પાર્ટીની આઈટી સેલ આવું ગતકડું ચલાવ્યા રાખે છે. જેથી કરીને કલોલ તાલુકાના ભાજપ તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓને ડિસ્ટર્બ કરી શકાય. જોકે રાજકીય તજજ્ઞો કહે છે કે સુરેશ પટેલને કોંગ્રેસે ઘણું બધું આપ્યું છે. તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં કદાપી આવશે નહીં. જે હોય તે પરંતુ કલોલમાં છેલ્લા એક અઠવાડિયાથી આવી હવા ચાલી રહી છે. પરંતુ જનતાનો મત જાણતા એટલું ચોક્કસ છે કે અહીંના વર્તમાન ધારાસભ્ય બળદેવજી ઠાકોરને હરાવવા એટલે લોઢાના ચણા ચાવવા બરાબર છે…… કારણકે…….. કલોલમાં….“કોંગ્રેસનું કામ બોલે છે….. બળદેવજી ઠાકોરનું નામ બોલે છે”….

Related posts

મહેસાણા કોંગ્રેસમાં ધબાધબી…

ApnaMijaj

મહેસાણા ભાજપ જસ્ન મનાવે તે પૂર્વે કોંગ્રેસનું ચક દે…

ApnaMijaj

ક્રાઈમ બ્રાન્ચના ૬૦ કર્મીને ‘ભાઈબંધી’ભારે પડશે?

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!