•વિશ્વ ગુજરાતી સમાજના મીડિયા સેલના કારોબારી મેમ્બર તરીકે વરણી કરાઈ
• વ્યવસાયે પત્રકાર એવા પરેશ દેસાઈ (પિન્ટુભાઈ) ને ગુજરાત ભરમાંથી મળી રહ્યા છે અભિનંદન
• વિશ્વ ગુજરાતી સમાજમાં કાર્યકર તરીકે સ્થાન મળતા વડનગરના યુવાને કર્મનિષ્ઠ બનવાના કોલ આપ્યા
અમદાવાદ: (અપના મિજાજ ન્યુઝ)
રાજ્યમાં વર્ષ 1989થી સ્થાપિત ‘વિશ્વ ગુજરાતી સમાજ’ સંસ્થા છેલ્લા 33 વર્ષથી વિશ્વના 125થી વધુ દેશોમાં વસવાટ કરતા ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કરે છે. જે સંસ્થાના ગુજરાત પ્રદેશ મીડિયા સેલના કારોબારી સભ્ય તરીકે વડનગરના રહીશ અને વ્યવસ્થાએ પત્રકાર એવા ઉત્સાહી યુવા પરેશભાઈ દેસાઈ (પિન્ટુભાઈ) ની વરણી કરવામાં આવતા વડનગર શહેર સહિત સમગ્ર ગુજરાત રાજ્યના રબારી સમાજમાં ગૌરવની લાગણી પ્રસરી ગઈ છે.
રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ જેના વર્તમાન સંવર્ધક છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જે સંસ્થામાં સેવા આપેલી છે તે વિશ્વ ગુજરાતી સમાજની યુથ વિંગના પ્રમુખ સી કે પટેલ, કન્વીનર પૌરસ એ.પટેલ દ્વારા મહેસાણાથી પ્રસિદ્ધ થતા ગરવી તાકાત દૈનિકના સહતંત્રી પરેશ દેસાઈ ઉર્ફે પીન્ટુભાઇની મીડિયા કારોબારી સભ્ય તરીકે પ્રદેશ કક્ષાએ નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સંસ્થાના પ્રમુખ તરીકે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઈ, હાઇકોર્ટના સિનિયર એડવોકેટ કૃષ્ણક્રાંતભાઈ વખારીયા સેવા આપી ચૂક્યા છે. જ્યારે મુખ્ય સંવર્ધક તરીકે પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી, ચીમનભાઈ પટેલ, શંકરસિંહજી વાઘેલા, કેશુભાઈ પટેલ,દિલીપ પરીખ, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણી રહી ચૂક્યા છે. ઉપરાંત સંસ્થાના સભ્ય તરીકે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કરસનભાઈ પટેલ (નિરમા ગ્રુપ), અત્યારે સેવા આપી રહ્યા છે. જ્યારે સ્વ. ધીરુભાઈ અંબાણી (રિલાયન્સ ગ્રુપ),સ્વ. અહેમદ પટેલ (પૂર્વ સાંસદ રાજ્યસભા) સહિતના અનેક ગૌરવશાળી લોકો સેવા આપી ચૂક્યા છે.