• જિલ્લા પ્રમુખ રણજીતસિંહ ઠાકોર સાથે મળીને કરે છે મનસ્વી વર્તન
• જિલ્લા કોંગી પ્રમુખ પણ મન ફાવે તેમ કરી રહ્યા છે હોદ્દાની લ્હાણી
• મહેસાણાના સ્થાનિક ઉમેદવારને વિધાનસભાની ટિકિટ આપો
• આયાતી ઉમેદવાર આવશે તો સ્થાનિક કાર્યકરો ઘર પકડીને બેસી રહેશે
સંજય જાની (અપના મિજાજ ન્યુઝ)
આગામી વિધાનસભા ચૂંટણીના પડગમ માથે વાગી રહ્યા છે. દરેક રાજકીય પક્ષો ચૂંટણીની વ્યૂહરચના ઘડવામાં પરોવાઈ ગયા છે. છેલ્લા કેટલાક વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સુષુપ્ત અવસ્થામાં દેખાઈ રહી છે પરંતુ વર્તમાન સમયમાં ટોચના નેતાઓથી લઈ પાયાના કાર્યકરો કોંગ્રેસને ફરી એક વખત મજબૂત કરવા માટે શહેરની ગલી ગલીઓ અને ગામડાઓ ખૂંદી રહ્યા છે. જે જોતા કોંગ્રેસમાં સ્ફૂર્તિનો સંચાર થયેલો દેખાઈ રહ્યો છે. પરંતુ જે બાબત માટે કોંગ્રેસ પ્રચલિત છે તે અંદરો અંદરની ટાંટિયા ખેંચ પણ ક્યાંક જોવા મળી રહી છે.
વર્તમાન સમયમાં મહેસાણા જિલ્લામાં કોંગ્રેસના પાયાના કાર્યકરોમાં ઉચ્ચ હોદ્દા ઉપર બેઠેલા પક્ષના જ નેતાઓ સામે નારાજગીનો સૂર સાંભળવા મળી રહ્યો છે. બે ત્રણ દિવસ પૂર્વે જ ઊંઝાના 40 જેટલા કાર્યકરોએ સામૂહિક રાજીનામાં આપ્યા હોવાની વાત વહેતી થઈ હતી. હવે મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીતસિંહ ઠાકોર અને પ્રભારી ગીતા પટેલ સામે સ્થાનિક કાર્યકરોએ નારાજગી જતાવી છે. એટલું જ નહીં મહેસાણાના કોંગી કાર્યકર્તાઓએ ગીતા પટેલને મહેસાણામાંથી દૂર કરવા સાથે તેઓ નાણાંના જોરે સેટીંગ પાડતા હોવાના આક્ષેપો પણ કર્યા છે. મહેસાણામાં શરૂ થયેલી ટાંટીયા ખેચમાં ફરી એક વખત આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને ઘણું બધું ભોગવવું પડે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.
મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સહિતના કાર્યકરોએ જિલ્લાના પ્રભારી ગીતા પટેલ અને વર્તમાન જિલ્લા પ્રમુખ રણજીતસિંહ ઠાકોર સામે પોતાની નારાજગી વ્યક્ત કરી આજે એક પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પ્રભારી ગીતા પટેલ શહેર અને જિલ્લાના અન્ય કોંગી આગેવાનોને વિશ્વાસમાં લીધા વગર મનસ્વી રીતે નિર્ણયો કરી રહ્યા છે. તેમજ નાણાના જોરે પક્ષમાં હોદ્દા અને ટિકિટોની લ્હાણી કરી રહ્યા છે. તદુપરાંત આગામી વિધાનસભા ચૂંટણી માટે સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માગણી પણ બળવતર બનાવતા સ્થાનિક આગેવાનોએ કહ્યું હતું કે આયાતી કોઈપણ ઉમેદવાર આવશે તો સ્થાનિક કોંગ્રેસના તમામ આગેવાનો અને કાર્યકરો પક્ષ વિરોધી પ્રવૃત્તિ નહીં કરે પરંતુ પોતાનું ઘર પકડીને બેસી રહેશે. આગેવાનોએ પોતાની નારાજગી વ્યક્ત કરતા એમ પણ કહ્યું હતું કે મહેસાણા જિલ્લાના પ્રભારી તરીકે ગીતા પટેલને દૂર કરી તેમની જગ્યાએ અન્ય પ્રભારીને નિમણૂક આપવામાં આવે. પક્ષમાં ઉચ્ચ સ્થાને બેઠેલા લોકો સ્થાનિક લોકોની વાત સાંભળતા નથી તેને લઈને પણ કોંગ્રેસના કાર્યકરોએ પોતાનો બળાપો ઠાલવ્યો હતો.