ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત ગૌરવ યાત્રાનો આજે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં બહુચરાજીથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. શક્તિપીઠથી પ્રારંભ થયેલી યાત્રા નવ જિલ્લામાં 33 વિધાનસભા બેઠકો ઉપર ફરીને માતાના મઢ ખાતે પૂર્ણ થશે. ‘ભરોસાની ભાજપ સરકાર’ સૂત્ર સાથે બહુચરાજીમાં આયોજિત ‘ગુજરાત ગૌરવ યાત્રા’ પ્રસ્થાન કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાનું ઊંઝા માર્કેટિંગ યાર્ડના ચેરમેન દિનેશભાઈ પટેલે સ્મૃતિચિન્હ આપીને અભિવાદન કર્યું હતું.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પ્રચારની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.જેના ભાગરૂપે ભાજપ દ્વારા આજે ગૌરવ યાત્રાનું આયોજન કરાયું છે. 9 દિવસ સુધી રાજ્યની 144 વિધાનસભામાં ગૌરવયાત્રા ફરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. જે 9 જિલ્લામાં 33 વિધાનસભા ફરશે. યાત્રા દરમિયાન 38 સભા યોજાશે.અને કચ્છના માતાના મઢે આ યાત્રા પૂર્ણ કરવામાં આવશે.આજે સવારે 9:00 કલાકે બહુચરાજીના એસટી વર્કશોપ પાસે આવેલા મેદાનમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીયમંત્રી પુરષોત્તમ રૂપાલા, અધ્યક્ષ સી.આર પાટીલ, નીતીન પટેલ, ઋષિકેશ પટેલની પટેલ અને નંદાજી ઠાકોર જિલ્લાના સાંસદો ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે પ્રસ્થાન કાર્યક્રમ સ્થળે ખીચો ખીચ રીતે ઉપસ્થિત થયેલા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં મંચસ્થ બિરાજમાન ભારતીય જનતા પાર્ટીના રાજકીય અધ્યક્ષને ઊંઝા માર્કેટિંગ યાર્ડના ચેરમેન દિનેશ પટેલે સ્મૃતિચિન્હ આપી અભિવાદન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે કોરોના કાળના કપરા સમયમાં પણ એશિયાના સૌથી મોટા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝા ખાતે છેલ્લા ત્રણ વર્ષમાં ધરખમ ટર્નઓવર કરવામાં આવ્યું હોય તેની ઉચ્ચ કક્ષાએ નોંધ લેવામાં આવી છે. ઊંઝા માર્કેટિંગ યાર્ડની સરાહનિય કામગીરીની વખતોવખત રાષ્ટ્રીય અને રાજકીય સ્તરે પ્રશંસા પાત્ર રહી છે.