Apna Mijaj News
ચૂંટણીની ગરમી વચ્ચે અટકળો

કલોલ વિધાનસભા બેઠક અંગે ચર્ચાનું ચગડોળ

 

સંજય જાની: અપના મિજાજ ન્યુઝ

           રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ચૂંટણી લડવા ઈચ્છુક લોકો તેમજ પાર્ટીના કાર્યકરો ચૂંટણી સંબંધિત કામગીરીમાં જોતરાઈ ગયા છે. કહેવાય છે કે ખૂબ જ ટૂંકા સમયમાં ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવશે. જેને લઈને મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોમાં અત્યારથી જ સળવળાટ જોવા મળી રહ્યો છે. જોકે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ ચૂંટણી જંગમાં ઝંપલાવી પોતાની સરકાર બનાવવા માટે સર્વાંગી તાકાત સાથે મેદાનમાં ઉતર્યા છે. આ તમામ બાબતો વચ્ચે રાજ્યના પાટનગર ગાંધીનગરના નજીકના અને સૌથી મહત્વના તાલુકા મથક તરીકે જેની ગણના થાય છે તેવી કલોલ વિધાનસભાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર લગભગ નક્કી જ છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીનો મુરતિયો કોણ હશે? તે અંગે છેલ્લા કેટલાક સમયથી અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. શહેરમાં ચર્ચાતી વિગતો પ્રમાણે કલોલની આગામી વિધાનસભા ચૂંટણી માટે લગભગ 8 થી 10 નામો પોતાને ટિકિટ મળશે તેવી આશામાં પાઇપલાઇનમાંથી ડોકિયા કરી રહ્યાં હોવાનું કહેવાઇ રહ્યું છે.
          જાણકારોમાં ટિકિટ મેળવી કલોલ વિધાનસભા ચૂંટણી લડવા ભારતીય જનતા પાર્ટીમાંથી ગોવિંદ પટેલ( ગોવિંદ ચડ્ડી), વર્તમાન પાલિકા પ્રમુખ ઉર્વશી પટેલ, શહેર ભાજપ સંગઠન પ્રમુખ જે કે પટેલ, ચેતન પટેલ, નવીન બાપુ, જયદીપ બારોટ, રામાજી ઠાકોર, લક્ષ્મણજી ઉર્ફે બકાજી ઠાકોર, અલ્પેશ ઠાકોર, ડૉ.ધનેશ પટેલ, અનિલ પટેલ( મોખાસણ), બાદરજી( ખોડીયાર) થનગની રહ્યા હોવાની ચર્ચા છેડાઈ છે. આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપ તરફથી ઉમેદવાર તરીકે જે નામ કલોલની જનતાની એરણ ઉપર ટીપાઈ રહ્યું છે. તેની ચર્ચા એવી છે કે, કલોલ પાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન શહેર ભાજપ સંગઠનના પ્રમુખ જે. કે. પટેલનું, સંભવત આ નામ સ્વપોષિત રીતે જ જનતાના દીલો દિમાગમાં રમતું મૂકીને પોતાને જ ટિકિટ મળશે અને પોતે જ આવનારી વિધાનસભામાં ચૂંટણી જીતીને ધારાસભ્ય બને તેવી ફાંકા ફોજદારી કરવામાં આવી હોઈ શકે છે. સત્ય હકીકત શું છે એ તો જનતા પણ કળવા દેતી નથી પરંતુ કદાચ અત્યારથી જ આવા લોકો એટલે કે પોતાને મહાન નેતા સમજનારા લોકો જનતાના મગજમાં મરી મસાલો ભરી દેતા હશે કે આગામી ચૂંટણી માટે લડવૈયા અમે જ હોઈશું. પરંતુ આ બધી ‘રેવડી’ હોઈ શકે અને બની શકે કેજાનમાં કોઈ જાણે નહિ અને હું લાડાની ફોઈ છું’ તેવો દંભ પણ રાખવામાં આવ્યો હોય!?
           ખેર, બાબત જે કંઈ હોય તે પણ પોતાને ટિકિટ મળશે અને પોતે ચૂંટણી જીતીને ધારાસભ્ય પણ બનશે એવો કોન્ફિડન્સ કદાચ જે કે પટેલ રાખતા હશે. બીજી તરફ જે કે પટેલને ટિકિટ મળશે અને તેઓ ચૂંટણી લડશે. તેવી સંભાવના જનતા કરતી હશે. પણ જે કે પટેલ ચૂંટણી જીતી જાય તે વાતમાં કોઈ દમ હોય તેવું કોન્ફિડન્સ સાથે કહેવાવાળી જનતા બોલવામાં ‘દમ’ દેખાડતી નથી. આગામી વિધાનસભા ચૂંટણીને લઈને કલોલના શહેરી વિસ્તારમાં રહેતા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમીના કાર્યકરો હજુ કંઈ ખુલીને કહેવા તૈયાર નથી. પરંતુ શહેરની જનતા ચર્ચા નામના પકોડા તરી રહી છે. ને રાજકીય રસિયાઓ તરાતા પકોડામાંથી આવતી ફોરમ માત્ર લઈ રહ્યા છે. જોકે ચર્ચાનાએ પકોડાનો સ્વાદ કેવો હશે એ તો કદાચ આવનારો સમય કહેશે.

•જે. કે. ક્યારે ‘રાજનીતિ’માં આવ્યા ને કેવું “રાજકારણ “રમ્યાં?

          આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે કલોલ શહેર ભાજપ સંગઠનના પ્રમુખ જે કે પટેલ હશે તેવી ચર્ચા સંભળાઈ રહી છે. જોકે આ તમામ બાબતો અટકળ માત્ર માની શકાય તેમ છે. વાસ્તવિકતા તો હજુ ઘણી દૂર છે અને ત્યાં પહોંચતા પહોંચતા તો અનેક પરિબળો ફેરબદલ થતા જોવા મળી શકે તેમ છે. જોકે લોકમુકેથી જાણી શકાયેલી મળેલી વિગતો પ્રમાણે કહેવાય છે કે જે કે પટેલ વર્ષ 1991-92માં રાજનીતિમાં આવ્યા હતા અને આજે વર્ષ 2022 સુધી તેઓએ આ ક્ષેત્રમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.

•જે. કે. પટેલનો રાજકીય ભૂતકાળ ખાટો મીઠો રહ્યો હોવાની ચર્ચા

         શહેરમાં આગામી વિધાનસભામાં ભાજપના ઉમેદવાર કોણ? તેવા પ્રશ્નો સાથે અનેક અટકળો અને ચર્ચાઓ સંભવત રાજકીય કાર્યકરોના જો અને તો ના દાવા સાથે સરકતી સરકતી આમ જનતા સુધી પહોંચતા પહોંચતા આખોય મુદ્દો સળગતો બની જતો હોય છે અને આ મુદ્દો જો કોઈ મુઠ્ઠી વાળીને પકડી લેતો દાઝી જાય ને કોઈ માત્ર સ્પર્શીને છોડી દેતો ગરમીના અહેસાસ સાથે અન્ય રાજકીય રસિક પાસે પહોંચીને ગરમ ચર્ચા આપતો રહે. એક ગરમ ચર્ચા એવી છે કે જે જનતા અત્યારે એકથી બીજાને હું તને કહું છું તું કોઈને કહેતો નહીં” એમ કરીને જે કે પટેલના ભૂતકાળમાં બનેલા કારનામાની ખાટી મીઠી વાતો છંછેડી રહ્યો છે.

• નશા યુક્ત હાલતમાં શહેરના બગીચા નજીક ઈલેક્ટ્રીક થાંભલા તોડી નાખ્યા હતા?!

        શહેરીજનોના પેટમાંથી વર્ષો જૂનો ઓડકાર વર્તમાન વિધાનસભા ચૂંટણીમાં બહાર આવ્યોને શહેર ભાજપ પ્રમુખે કથિત નશાની હાલતમાં કાર હંકારી શહેરના બગીચા વિસ્તારમાં ઈલેક્ટ્રીક થાંભલામાં અથડાવી થાંભલા તોડી નાખ્યા હતાં?!  આ બાબતે અખબારી અહેવાલ પણ પ્રસિદ્ધ થયા હોવાની હવા પ્રસરી રહી છે. એટલું જ નહીં જાણકારો તો ત્યાં સુધી ફૂંક મારી શહેરના હાઇવે વિસ્તારમાં આવેલી એક નામાંકિત હોટલમાં ભોજન આરોગ્ય બાદ આ કથિત નેતા બિલ ના ચૂકવવા માટે હોટલ સંચાલક સાથે તકરાર કરી બેઠા હતા અને પોતે માણસા વિસ્તારના ધારાસભ્ય હોવાની ડંફાસ પણ મારી ચૂક્યા હોવાની હવા ફેલાવી રહ્યા છે. બાકી સત્ય શું છે એ તો દિવસ જશે તેમ સંભવત સામે આવી જશે.

• પાલિકાના કામમાં દખલગીરી, જાહેરમાં કમળની ખુશ્બુ, પડદા પાછળ હાથ ને સાથ?!

         ચૂંટણી આવે એટલે રાજકીય કાર્યકરો એમાં પણ ખાસ કરીને વર્ષોના જુના જોગી કહેવાતા લોકો પોતે ચૂંટણી લડશે અથવા તો પોતાની પાર્ટીના સહકારમાં રહેશે તેવી વાત જાહેર મંચ ઉપરથી કરતા હોય છે. પરંતુ મતદાનના દિવસો જેમ જેમ નજીક આવતા જાય તેમ અનેક પ્રકારના પ્રલોભનોમાં પોતાની ઈમાનદારી અને નૈતિકતા વેચી દેતા હોય છે. શહેરમાં ઉડતી હવા પ્રમાણે વર્તમાન ભાજપ સંગઠનના પ્રમુખ કહેવાય છે કે પાલિકાની ‘રાજનીતિ’માં પણ પોતાનો એક્કો જમાવવા “રાજકારણ”રમતા રહ્યા છે. વિકાસ કામોની ગ્રાન્ટો અને કોન્ટ્રાક્ટરોના બિલોમાં ભાગીદારીના આક્ષેપો છાશવારે થતા રહ્યા છે. એટલું જ નહીં બીજી ચર્ચા એવી પણ છે કે જાહેર મંચ ઉપર ભાજપના ચૂંટણી ચીન્હ કમળની ખુશ્બુ છોડવી નથી તેવું બતાવતા પડદા પાછળ કોંગ્રેસના હાથના પંજાને પણ તેઓ મીઠી મીઠી ‘ખુજલી’કરાવતાં રહ્યા છે. આ તો ચૂંટણી છે એટલે જનતા ચૂંટણી સમયે કૂદાકૂદ કરતાં નેતાઓના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની ચર્ચા ગામના ચોરે, ગલીઓમાં, ચા ની કીટલી જેવી અનેક જગ્યા ઉપર અમસ્તી જ છેડી દેતા હોય છે. હવે આ આખાય પ્રકરણમાં ચર્ચા અને અટકતળોને કેટલું મહત્વ આપવું એ તો જાણકારો જ જાણે..

એક કોન્ટ્રાક્ટર પાસેથી મોટા પ્રમાણમાં ‘ધન’ પડાવ્યું, જેનું સમાધાન મોવડી મંડળે “ધાન”ના ઢગલા વચ્ચે કર્યું હતું

       શહેર ભાજપના સંગઠન પ્રમુખે સરકારી એક સંસ્થામાં વિકાસ કામો કરતા કોન્ટ્રાક્ટર પાસેથી મોટા પ્રમાણમાં ‘ધન’ચેક મારફતે લીધું હોવાની પણ ચર્ચા સાંભળવા મળી છે. જે ઘટનામાં એમ કહેવાય છે કે ધનનો ઢગલો કરી કરીને થાકી ગયેલા કોન્ટ્રાક્ટરે આ બાબતની રાવ (ફરિયાદ) ભાજપના મોવડી મંડળને કરી હતી. જેને લઈને મોવડી મંડળના અમુક સભ્યોએ કલોલ ની એક સહકારી સંસ્થામાં ધાનના ઢગલાં વચ્ચે બેસીને આ બાબતનું સમાધાન કરાવ્યું હોવાનું કહેવાય છે. જોકે ઉપરોક્ત તમામ બાબત કેટલી સાચી છે તે તો જે તે પક્ષના કાર્યકરોને જ ખબર હોઈ શકે. પરંતુ તમામ બાબતો ઉપર જનતાની નજર રહેલી હશે તો જ શહેરભરમાં આવી ચર્ચા ચગડોળે ચઢી હશે.

નોંધ: (કલોલ ભાજપના ટિકિટ વાચ્છુક અને સંભવિત આઠથી દસ ઉમેદવારો વિશે જનતા શું ચર્ચા કરે છે તેની વિસ્તૃત વિગતો આવતા અંકે)

Leave a Comment

error: Content is protected !!