•ખાડામાં પડી જશો તો પાલિકા તંત્ર તમારું સગુ નહીં થાય
•રખડતા ઢોર થી પણ ચેતજો, પાલિકાને એમાં પણ તમારી ચિંતા નથી
સંજય જાની (અપના મિજાજ ન્યુઝ)
કલોલ નગરપાલિકાના પ્રમુખ દ્વારા કરોડો રૂપિયાના વિકાસ કામો શહેરમાં કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ કલોલમાં જોઈએ તેવો વિકાસ સ્થાનિક જનતાને ક્યાંય પણ દેખાતો નથી. શહેરના આંતરિક રોડ-રસ્તાઓ લાખો- કરોડો રૂપિયાના ખર્ચે નવા બનાવવામાં આવ્યા છે. પરંતુ એ માર્ગો ઉપર ક્યાંય પણ લેવલિંગ કરવામાં નહીં આવ્યું હોવાથી માત્ર ચાર છાંટા પડે ને વરસાદી પાણી ભરાઈ જતું હોય છે. જે અંગેની વ્યાપક ફરિયાદો નગરજનો કરી રહ્યા છે. પરંતુ પાલિકાનું રેઢીયાળ તંત્ર જનતાને પડી રહેલી મુશ્કેલી નિવારવા માટે કોઈ જ કાર્યવાહી કરતું નહીં હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.
છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદમાં શહેરના અનેક જાહેર માર્ગો ઉપર વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. સફાઈના અભાવે શહેરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ગંદકીને લઈને માખી મચ્છરનો ઉપદ્રવ વધતા લોકો મેલેરિયા જેવી બીમારીથી પીડાઈ રહ્યા હોવાની બાબત પણ સપાટી ઉપર આવી છે. તેમ છતાં પાલિકા પ્રમુખ અને તેમની જી હજૂરી કરવા બેઠેલાં સાથી નગર સેવકો અને પાલિકામાં ફરજ બજાવતા અધિકારી કર્મચારીઓ નક્કર કોઈ કામગીરી કરતા નહીં હોવાનો બળાપો જનતા કાઢી રહી છે.
પાલિકા પ્રમુખ અને તેમના જીહજુરીયાઓ દ્વારા કહેવામાં આવે છે કે અમે લાખો કરોડો રૂપિયાના ખર્ચે શહેરમાં વિકાસ કાર્યો કર્યા છે. જેની પોલ વરસાદી પાણી અને પાલિકામાં ચાલતી લાલિયા વાડીએ કવિતા સર્કલ ઉપર પુરાવાના રૂપે ખોલી દીધી હોવાનું જોવા મળી રહ્યું છે. શહેરના કવિતા સર્કલ નજીક એક ખાડો પડ્યો છે અને ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયું છે. જે ખાડામાં અકસ્માતે કોઈ પડી ન જાય તે માટે પાલિકા તંત્ર એ યોગ્ય વ્યવસ્થા ગોઠવવી જોઈએ. પરંતુ કોઈ સજ્જન વ્યક્તિએ જનતાની ચિંતા કરીને એક તૂટીફુટી હાથ લારી સુરક્ષાના રૂપે ખાડા ઉપર મૂકી દીધી છે. જે કોઈ સજ્જન વ્યક્તિએ જનતાને કોઈ પીડા ન થાય તે ઉદ્દેશથી કરેલી આ કામગીરી ઉમદા છે. પરંતુ જનતા કહી રહી છે કે પ્રજાજનોને મુશ્કેલીમાંથી નિવારવાની જવાબદારી જે લોકોએ મત માગીને લીધી છે. તે લોકો પ્રજાની પીડા ને ભૂલી ગયા છે. એટલું જ નહીં પ્રજા મત એવો સામે આવી રહ્યો છે કે શહેરમાંથી હાથ જોડી જોડીને જેઓએ મત માગ્યા છે અને ચૂંટણી જીતી ગયા પછી પ્રજાના સામું પણ જે લોકો જોતા નથી તેમને આવનારી વિધાનસભામાં પ્રજા પોતાની તાકાતનો પરચો બતાવવામાં પાછી પાણી નહીં કરે. બીજો ખાસ સળગતો મુદ્દો એ છે કે રખડતાં ઢોરના મુદ્દે હાઇકોર્ટે આકરું વલણ અખત્યાર કર્યું છે. પરંતુ કલોલમાંથી એ સમસ્યા દૂર કરવા માટે પણ અહીંનું પાલિકા તંત્ર સક્ષમ નહીં હોવાનું તેમની કામગીરી ઉપરથી દેખાઈ રહ્યું છે. પાલિકાએ સમ ખાવા પૂરતા 14 ઢોર થોડાં દિવસો અગાઉ પકડીને ડબે પુર્યા હતાં. પરંતુ કોઈ અજાણ્યા શખ્સો વરંડાનું તાળું તોડીને એ ઢોર પણ છોડાવી ગયા છે. જે પાલિકાના સત્તાધીશો માટે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જવા જેવી બાબત હોવાનું પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે. એટલે શહેરમાં રખડતાં ઢોર જો તમને ભેઠે ચડાવે અને તમે ઇજાગ્રસ્ત બનો એ પૂર્વે ચેતતા રહેજો. અન્યથા રખડતાં ઢોરથી થતી ઈજાથી પણ તમને બચાવવા પાલિકાના કોઈ જ કહેવાતા જનતાના સેવકો તમારી મદદે નહીં આવે. તમારે તમારી સુરક્ષા જાતે જ કરવી પડશે પાલિકાને તમારી કંઈ જ ચિંતા નથી તે દિલો- દિમાગમાં ગાંઠ વાળીને રાખજો