ગુજરાતમાં ડ્રગ્સ પકડાવાનો મુદ્દો વધુ ગરમ થઈ રહ્યો છે. આ દરમિયાન ફરી એકવાર ગુજરાતના દરિયાકાંઠેથી પંજાબ મોકલવામાં આવી રહેલું 200 કરોડનું 40 કિલોગ્રામ ડ્રગ્સ ગુજરાત ATS અને કોસ્ટગાર્ડના ઓપરેશનમાં ઝડપાયું છે. પાકિસ્તાની બોટમાં આ ડ્રગ્સ આવતું હોવાની વિગત સામે આવી છે. ચોંકાવનારી વાત એ છે કે પંજાબની જેલમાં બંધ નાઈજીરિયને આ ડ્રગ્સ મગાવ્યું હતું. હાલ આ સમગ્ર મામલે એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી છે અને આ તપાસનો દૌર છેક પંજાબની જેલમાં કેદ લોકો સુધી પહોંચ્યો છે.
ડીજીપી આશિષ ભાટીયાએ પત્રકાર પરિષદમાં આપેલી વિગતો મુજબ ગુજરાત એટીએસના નાયબ પોલીસ અધિક્ષક કે કે પટેલને બાદમી મળી હતી કે પાકિસ્તાન સ્થિત અબ્દુલ્લા નામનો ડ્રગ્સ માફિયા પાકિસ્તાનના કરાચી બંદરથી પાકિસ્તાની બોટમાં ડ્રગ્સનો જથ્થો ભરી ગુજરાતના જખૌ દરિયા કિનારા મારફતે ઘુસાડીને પંજાબ તથા ઉત્તર ભારત મોકલવાનો છે. જે બાતની આધારે એટીએસ વડા અમિતકુમાર વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક કે કે પટેલના નેતૃત્વ હેઠળ પીઆઈ જે એન ચાવડા, પીએસઆઇ બીએચ કોરોટ, ડી એસ ચૌધરી સહિતની ટીમ જખૌ પહોંચી હતી. એટીએસ ટીમે જખૌની કોસ્ટ ગાર્ડ ટીમ સાથે મળીને ઇન્ટરસેપટર બોટમાં રવાના થઈ ભારતની દરિયાઈ આઈએમબીએલ સીમામાં પહોંચી પાકિસ્તાની બોટને અટકાવીને સર્ચ કર્યું હતું. એટીએસ અને કોસ્ટ ગાર્ડ ની ટીમ એ બોટમાં તપાસ કરતા તેમને ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેની ખરાઈ કરતા 40 કિલો ડ્રગ્સના જથ્થાની કિંમત 200 કરોડ આપવામાં આવી છે. આમ, વધુ એક વખત ગુજરાત એટીએસની ટીમે સફળ ઓપરેશન પાર પાડી નશાના કારોબારને પકડી પાડ્યો છે.
•આ છ પાકિસ્તાની એટીએસ ટીમના હાથે આબાદ ઝડપાયા
ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડની ટીમના અધિકારીઓએ દરિયામાં અંદાજે 50 નોટિકલ માઈલ દૂર કોસ્ટ ગાર્ડની બોટમાં જઈ અલટીયાસા નામની પાકિસ્તાની બોટ પકડી પાડી હતી જેમાંથી 40 કિલો ડ્રગ્સ જેની કિંમત 200 કરોડ રૂપિયા કબજે કરાયું છે. બોટમાં સવાર કરાંચીના મોહમ્મદ સોહેલ, મોહસીન શાહઝાદ, જહુર અહેમદ, કામરાન મુસા, મોહંમદ સફી, ઇમરાન નામના કુલ છ ખલાસીને પકડી પાડવામાં આવ્યા છે. ઉપરાંત દ્રાક્ષનો જથ્થો લેવા આવેલાં સરતાજ ઓસ્લિમ મલિક અને જગદીશ સિંઘ ઓવીર પાલ સિંઘને એટીએસની અન્ય ટીમના પીએસઆઈ એસએન પરમાર, જે એમ પટેલ અને એસ.કે ઓડેદરાએ અમદાવાદમાંથી દબોચી લીધા હતા.
•ડ્રગ્સનો જથ્થો કોણે મંગાવ્યો? કોણે મોકલ્યો?
સૂત્રોના જણાવ્યા મુજબ અમૃતસર ની જેલમાં કેદ અનિ ચિફ ઓબીન્ના ઉર્ફે ચીફ નામે ઓળખાતા એક નાઈજીરીયન અને મહેરાજ રહેમાની અબ્દુલ સતાર રહે. પશ્ચિમ દિલ્હી હાલ કપૂરથલા જેલમાં કેદના કહેવાથી પાકિસ્તાન સ્થિત ડ્રગ માફિયા અબ્દુલ્લાએ ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં મોકલ્યો હતો. જોકે એટીએસ ની ટીમ નાર્કોટિક્સ ડ્રગ્સ કાર્ટેલમાં કોણ સામેલ છે તે અંગે તપાસ કરી રહી છે.