•પાલિકા તંત્રએ 300થી વધુ રખડતા ઢોર પકડ્યા હતા
•300 પૈકી 65 ઢોર પાંજરાપોળને સાચવવા આપ્યા હતા
•વિપક્ષના દુષ્પ્રચારથી પાંજરાપોળે ઢોરનો અસ્વીકાર કર્યો
•વરંડાનો દરવાજો તોડી 200 ઢોર મધરાતે લઈ જવાતાં ભારે રોષ
સંજય જાની (અપના મિજાજ ન્યુઝ)
રાજ્યમાં રખડતાં ઢોર અંગે હાઇકોર્ટે આકરું વલણ દાખવતા રાજ્ય સરકાર હરકતમાં આવી છે. સરકારના શહેરી વિકાસ વિભાગે મહાનગરપાલિકા અને પાલિકાને એક પરિપત્ર જાહેર કરી માર્ગ ઉપર રખડતા ઢોર પકડીને યોગ્ય કાર્યવાહી કરવા કહ્યું છે. જે અનુસંધાને ઊંઝા નગરપાલિકાના પ્રમુખ રીન્કુબેન પટેલ સહિતના સત્તાધિશોના આદેશથી શહેરમાં રખડતાં ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી હતી. પાલિકા તંત્રએ શહેરમાંથી 300થી વધુ ઢોર પકડીને ડબે પુર્યા હતા. જોકે 300 પૈકી 65 જેટલા ઢોર સ્થાનિક પાંજરાપોળને સાચવવા આપ્યા હતાં. પરંતુ વિપક્ષી સભ્યોના દુષ્પ્રચારથી પાંજરાપોળના સંચાલકોએ ઢોર સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હોવાના આક્ષેપ પાલિકાના સત્તાધીશોએ કર્યા છે. બીજી તરફ અન્ય એક વરંડામાં પુરવામાં આવેલા 200 જેટલા ન ધણીયાતા પશુઓને વરંડાનો ગેટ તોડીને મોડી રાત્રિના છોડાવી જવાયા છે.
પાલિકાના ઉપપ્રમુખ અલ્પેશ પટેલે વિગતો આપતા કહ્યું હતું કે, પાલિકા તંત્રએ શહેરમાં રખડતાં ઢોર પકડવાની કામગીરી વેગવંતી કરી છે. જેના ફળ સ્વરૂપે 300 જેટલા પશુઓ પકડીને એક વરંડામાં પૂરવામાં આવ્યા હતાં. જે પૈકી ૬૫ જેટલા પશુ સ્થાનિક પાંજરાપોળને સોંપવામાં આવ્યા હતાં. પરંતુ વિપક્ષના સભ્યો દ્વારા સોશિયલ મીડિયા ઉપર દુષ્પ્રચાર કરવામાં આવ્યો હતો. વિપક્ષી સભ્યોએ સોશિયલ મીડિયામાં એવી વાત વહેતી કરી હતી કે પાંજરાપોળમાં પાલિકા તંત્ર દ્વારા સોંપવામાં આવેલા પશુ લંપી રોગથી પીડાઈ રહ્યા છે. જેને લઈને પાંજરાપોળમાં રહેલા અન્ય પશુઓમાં પણ લંપીનો રોગ લાગશે. જે દુષ્પ્રચારને લઈ પાંજરાપોળના સંચાલકોએ પણ ઢોર સ્વીકારવાનો નનૈયો ભણી દીધો છે.
• મધરાત્રિના વરંડાનો ગેટ તોડી 200 પશુ લઈ જવાતા સત્તા પક્ષ લાલઘુમ, પોલીસ ફરિયાદ નોંધાવાઈ
‘અપના મિજાજ ન્યુઝ’ ને વિગતો આપતા પાલિકાના ઉપપ્રમુખે કહ્યું હતું કે, શહેરમાં આવેલા ફુલબાઈ માતાના મંદિર પાસેના વરંડામાં પાલિકા તંત્ર દ્વારા પકડવામાં આવેલા 200 જેટલા પશુ રાખવામાં આવ્યા હતા. જે પશુને ગઈકાલે મોડી રાત્રે કોઈ અજાણ્યા શખ્સો વરંડામાં લાગેલા લોખંડના દરવાજા તોડી છોડાવી ગયા છે. જે અંગેની પોલીસ ફરિયાદ પણ પાલિકા તંત્ર દ્વારા નોંધાવવામાં આવી છે. જોકે વિપક્ષના સભ્યો તેમ જ વરંડાનો દરવાજો તોડી પશુ લઈ ગયેલા અજાણ્યા શખ્સોના કારનામા સામે સત્તા પક્ષના સભ્યો ભારે ખફા હોવાની જાણકારી મળી છે.