•પાલિકા પ્રમુખની આપ ખુદશાહીની નીતિ સામે પક્ષમાં જ વિરોધ ઉઠ્યો હોવાની ચર્ચા
• ચેરમેન પદ આપવામાં પણ વહાલા દવલાની નીતિ, મધ્ય અને પૂર્વ વિસ્તાર સાથે દ્રેષ રખાયો?
• પાલિકાના whatsapp ગ્રુપમાંથી ભાજપના જ અંદાજે 10 સભ્યો રીમુવ થતાં અસંતોષ દેખાયો
• તમામ નિમણૂકો ઉપરથી કરવામાં આવી હોવાનું કહી પ્રમુખે હાથ અધ્ધર કરી દીધા, પણ કંઈક તો ગોલમાલ છે?!
સંજય જાની (અપના મિજાજ ન્યુઝ)
કલોલ નગરપાલિકાની આજે સોમવારે મળેલી ખાસ સાધારણ સભામાં 21 જેટલી કમિટીના નવીન ચેરમેનોની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં કહેવાય છે કે પાલિકા પ્રમુખ ઉર્વશીબેન પટેલ અને તેમના ટેકેદારો દ્વારા ચેરમેન પદની લ્હાણી કરવામાં વાહલા દવલાની નીતિ અખત્યાર કરી છે. જાણકાર સૂત્રોએ આપેલી વિગતો મુજબ કહેવાય છે કે કલોલ શહેર ભાજપના પ્રમુખને પણ વિશ્વાસમાં લીધા વગર જિલ્લા કક્ષાએ મોકલવામાં આવેલા સેન્સમાં પૂર્વ આયોજિત કાર્યક્રમ ઘડી કાઢી કયા નગરસેવકને કઈ કમિટીમાં સમાવેશ કરવો તે નક્કી રાખીને ચેરમેન પદની નામાવલી જાહેર કરવામાં આવી છે. જોકે આ બાબત કેટલી સત્ય છે તે તો ખુદ પાલિકા પ્રમુખ અને તેમના ટેકેદારો જ કહી શકે. પરંતુ પાલિકામાં નિમણૂક પામેલા 21 જેટલા વિવિધ કમિટીના ચેરમેન પદને લઈને અસંતોષના ઉકળતા ચરૂએ પાલિકા નગરસેવકોના whatsapp ગ્રુપમાં દેખા દઈને પોતાનો મિજાજ દેખાડ્યો છે.