•કસબા વિસ્તારમાં મુસ્લિમ બિરાદરો સાથે સંકલન સાધી હર ઘર તિરંગા સંકલ્પને બનાવ્યો સફળ
•પાલિકાના વોર્ડ નં. 10ના નગરસેવક સલીમભાઈ વ્હોરાને સાથે રાખી કાર્યક્રમમાં લગાવ્યા ચાર ચાંદ
સંજય જાની (અપના મિજાજ ન્યુઝ)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૭૫મા સ્વાતંત્ર્ય દિવસને આઝાદીકા અમૃત મહોત્સવ તરીકે ઉજવવા સંદેશો વહેતો કર્યો હતો. તદ ઉપરાંત તેઓએ દેશભરની જનતા સ્વાતંત્ર્ય પર્વને ઉજવવા દિલમાં અનોખું જોમ ભરે તે માટે હર ઘર તિરંગાનું આહવાન કરતા દેશના જન જનમાં અનોખો જુવાળ જોવા મળ્યો હતો. દેશભરમાં લોકોએ પ્રધાનમંત્રીની વિચારધારાને માથે ચડાવી અનોખી રીતે સ્વતંત્રતા દિવસ ઉજવ્યો હતો. આ બધા વચ્ચે મહેસાણામાં આઝાદી કા અમૃત મહોત્સવની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ અહીં એક બાબત ઊડીને આંખે વળગે તેવી સામે આવી છે. મહેસાણા પાલિકાના નગરસેવક સંજય બ્રહ્મભટ્ટ(બંકાભાઇ)એ વોર્ડ નં. 10ના નગરસેવક સલીમભાઈ વ્હોરાને સાથે રાખી શહેરના કસ્બા વિસ્તારમાં રહેઠાણ ધરાવતા મુસ્લિમ બિરાદરો સાથે સંકલન સાધી હર ઘર તિરંગા ઉદ્દેશને સફળ બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. કસ્બા વિસ્તારમાં હર ઘર તિરંગા લહેરાતાં નગરસેવકે બતાવેલો “એકતાનો રંગ” ખરા અર્થમાં આઝાદી કા અમૃત મહોત્સવ સાબિત થતાં મહેસાણામાં “બંકા”ના નામનો ‘ડંકો’ વાગતો થયો છે.
આઝાદીના 75 વર્ષની ઉજવણીનો થનગનાટ દરેક દેશવાસીઓના દિલમાં જોવા મળી રહ્યો હતો. જે અંતર્ગત મહેસાણામાં વિવિધ સંગઠનો, પોલીસ વિભાગ સહિતના લોકો દ્વારા તિરંગા રેલી સાથે હર ઘર તિરંગા લહેરાવીને આઝાદીના અમૃત મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મહેસાણામાં આઝાદી કા અમૃત મહોત્સવ સફળતાપૂર્વક ઉજવાય તે માટે અનેક લોકોએ રાત દિવસના ઉજાગરા વેઠ્યા હતાં.રાષ્ટ્રભક્તિના આ ઉત્સવને સફળ બનાવવા માટે અહીંના નગરસેવક સંજય બ્રહ્મભટ્ટ (બંકાભાઈ)એ “છોડો કલ કી બાતે કલ કી બાત પુરાની નયે દોર મે લીખેંગે મિલકર નયી કહાની”ના વિચારે શહેરના કસ્બા વિસ્તારમાં રહેતાં મુસ્લિમ બિરાદરો સાથે સંકલન સાધી હર ઘર તિરંગાનો સંકલ્પને સફળ બનાવીને આઝાદીના પર્વમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. ઉપરાંત મુસ્લિમ વિસ્તારમાં તિરંગા યાત્રા સફળ બનાવવા બદલ નગર સેવક સંજય બ્રહ્મભટ્ટનો મુસ્લિમ બિરાદરોએ આભાર પણ વ્યક્ત કર્યો હતો.