પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૭૫મા સ્વાતંત્ર્ય દિવસને આઝાદીકા અમૃત મહોત્સવ તરીકે ઉજવવા સંદેશો વહેતો કર્યો છે. તદ ઉપરાંત તેઓએ દેશભરની જનતા સ્વાતંત્ર્ય પર્વને ઉજવવા દિલમાં અનોખું જોમ ભરે તે માટે હર ઘર તિરંગાનું આહવાન કરતા દેશના જન જનમાં અનોખો જુવાળ જોવા મળ્યો હતો. દેશભરમાં લોકોએ પ્રધાનમંત્રીની વિચારધારાને માથે ચડાવી અનોખી રીતે સ્વતંત્રતા દિવસ ઉજવ્યો હતો.
75માં સ્વાતંત્ર્ય પર્વ દિવસ નિમિત્તે મહેસાણામાં દેશહિતાર્થ સહિતના વિવિધ કાર્યો કરતી રાજધાની ફાઉન્ડેશનના પીન્ટુભાઇ પટેલે દેશભક્તિ અને લોકસંગીતથી ભરપૂર ડાયરાનું બે નમુન આયોજન કર્યું હતું. કાર્યક્રમમાં લોકગાયિકા ગીતાબેન રબારી જેને કચ્છી કોયલ તરીકેની ઉપમા અપાઇ છે. તેઓએ દેશભક્તિ અને ધાર્મિક ગાયનના સુર રેલાવીને ડાયરામાં ઉપસ્થિત હજારોની જનમેદનીના હૃદયમાં દેશ પ્રેમનો જુવાળ ઉભો કર્યો હતો. આયોજક પીન્ટુભાઇ પટેલે અપના મિજાજ ન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત દેશ માટે જે વિચારે છે અને જે કાર્ય કરી રહ્યા છે તેને અમો સમર્પિત છીએ. અમારી સંસ્થા થકી અમો પણ દેશવાસીઓમાં દેશદાઝ, અમન અને ભાઈચારાની ભાવના કાયમ રહે તેવા પ્રયાસો કરીએ છીએ. આવનારા દિવસોમાં પણ પ્રધાનમંત્રીની વિચારધારા હેઠળ દેશ અને સમાજ ઉપયોગી કાર્યો અમે કરતા રહીશું.
કાર્યક્રમમાં રાજધાની ફાઉન્ડેશનની ટીમ, પૂર્વ રાજ્ય ગૃહ મંત્રી રજનીભાઈ પટેલ, મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ સહિત અનેક રાજકીય તેમજ સામાજિક આગેવાનો સાથે સંગીત પ્રેમી ભાઈ બહેનો યુવાનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતાં… સંસ્થા દ્વારા મહેસાણા જિલ્લામાં ફરજ બજાવતા દેશના રક્ષક જવાનોનું ઉષ્માભેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.