આને કહેવાય ફરજ નિષ્ઠા… સો સો સલામ છે મહેસાણા પોલીસને…. પ્રજાના જાન માલના રક્ષણની શપથ એમને એમ કાંઈ નથી લીધી!
સંજય જાની (અપના મિજાજ ન્યુઝ)
મહેસાણા શહેરની જનતાને ટ્રાફિકમાંથી છુટકારો મળે…. ભારે વાહનો શહેરને વીંધીને જતા હાઇવે પર ન આવે…. અકસ્માતોની ઘટના ટળે એ માટે સરકારે લાખો રૂપિયા ખર્ચીને પાલનપુર અમદાવાદ હાઈવેને જોડતા મહેસાણા શહેરને બાયપાસ માર્ગની ભેટ આપી છે. પરંતુ સનાતન સત્ય એક વાત છે કે જેણે પણ આ માર્ગનું નિર્માણ કર્યું છે તે તંત્ર અહીં ભ્રષ્ટાચાર કરવામાં પણ પાછું હટ્યું નથી. થોડા મહિના પૂર્વે બાયપાસ હાઇવે ઉપર આવેલો પુલ એક છેડેથી ધરાશાહી થઈ ગયો હતો. જેને લઈને માર્ગ અને મકાન વિભાગના માથે માછલા ધોવાયા હતા એટલું જ નહીં મહેસાણાના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પણ જનતા દ્વારા ફીરકી લેવામાં આવી હતી.
વર્તમાન સમયમાં મહેસાણા બાયપાસ હાઈવે ની જાળવણી કરવાની જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટી પાસે હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. પરંતુ નેશનલ હાઇવે ઓથોરિટીના જવાબદારો વર્ષોથી મહેસાણા બાયપાસ હાઇવે તરફ ઓર માયુ વર્તન રાખતા હોવાની બાબત સપાટી ઉપર આવી છે. છેલ્લા કેટલાક વર્ષોથી મહેસાણા બાયપાસ હાઇવે વાહનો દોડાવવા માટે કાબેલ જ નથી રહ્યો… આ હાઇવે પર ખૂબ જ ઊંડા ખાડા પડી ગયા છે. જેના કારણે આ માર્ગેથી પસાર થતાં વાહનોના સ્પેરપાર્ટ અને માણસોના હાડકા ખખડી જાય છે. એટલું જ નહીં જોખમી ખાડાના કારણે અહીં કેટલાય વાહન ચાલકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા હોવાની વાત સામે આવી છે.
મહેસાણા બાયપાસ હાઇવે વર્ષોથી વાહન ચાલકો માટે મુસીબત નું માટલું સાબિત થઈ રહ્યો છે. પરંતુ નેશનલ હાઇવે ઓથોરિટી કે જે કોઈ જવાબદારોના માટે આ હાઈવે ની નિભાવણી અને જાળવણીની કરવાની જવાબદારી છે તે તંત્રના સાહેબો બે જવાબદાર દેખાઈ રહ્યા છે. તંત્રના વાંકે અહીં માનવીય જિંદગી જોખમમાં પડેલી છે. પરંતુ ભ્રષ્ટાચારથી ખદબધતા તંત્રના અધિકારીઓના શરીરમાં આત્મા નામની કોઈ ચીજ જ ન હોય તેવું જણાઈ આવે છે…. જોકે અંતરંગ સૂત્રોમાંથી અપના મિજાજ ન્યુઝને મળેલી વિગતો મુજબ કહેવાય છે કે સરકાર નેશનલ હાઈવે ઓથોરિટીને માર્ગ સમારકામ માટે પૂરતી રકમ આપતું નથી. એટલે તંત્ર પણ રકમના અભાવે સમારકામ માટેનું મટીરીયલ લાવવા માટે બાપડુ બિચારું બની ગયું છે. જેના કારણે તંત્રના અધિકારીઓ સંભવત એવું માનતા હશે કે જનતા ભલે જાય ખાડામાં… અમારે શું ?
પરંતુ અપના મિજાજ ન્યુઝને આજે જે જાણવા મળ્યું છે તે ખરેખર હૃદય સ્પર્શી બાબત છે. નેશનલ હાઈવે ઓથોરિટી કે માર્ગ મકાન વિભાગ ભલે પોતાની ફરજ ચૂકતા પરંતુ પોલીસના અધિકારી કે કર્મચારી જ્યારે પોતાની ફરજ ઉપર લાગ્યા હતાં ત્યારે તેમણે એક શપથ લીધી હતી કે હું પ્રજાના જાન માલની રક્ષા કરીશ…. અને આજે એ શપથ પ્રત્યક્ષ રીતે ચરિતાર્થ થતી મહેસાણાના બાયપાસ હાઈવે ઉપર જોવા મળી હતી. મહેસાણા બાયપાસના પાંચોટ થી નુગરના માર્ગે અત્યંત જોખમી ખાડા પડ્યા છે. જે ખાડામાં કોઈ વાહન પડે તો મોટો અકસ્માત થાય અને માનવીએ જાનહાનિ થઈ પડે તેવી સ્થિતિ મહેસાણા તાલુકા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર એસ પરમારના ધ્યાને આવતાં તેઓએ હાઇવે ઓથોરિટી ને જાણ કરી હતી પરંતુ રક્ષાબંધનના રજાનું બહાનું ધરી હાઇવે ઓથોરિટી નો કોઈ કર્મચારી ખાડા પૂરવા માટે ફરક્યો ન હતો. આથી રક્ષાબંધનના તહેવારે મહેસાણા બાયપાસ ઉપર વાહનોની ભીડ ને જોતા કોઈ અકસ્માત ન સર્જાય અને રાત્રે પણ કોઈ વાહન ખાડામાં પડી જાનહાનિ ન થાય તે માટે પીઆઇ સહિતના પોલીસ કર્મચારીઓએ રોડની સાઈડમાં પડેલી રેતી કપચી ઉપાડી જોખમી ખાડામાં પુરી પાવડા વડે માર્ગ સમતળ કરી શ્રમ કર્મ થકી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક ઉજાગર કરી હતી.
અપના મિજાજ ન્યુઝ મહેસાણા પોલીસના આ જવાનોને સો..સો.. સલામ કરે છે… અને નેશનલ હાઇવે ઓથોરિટી ને પણ વિનંતી કરે છે કે આપ લોકોની સમસ્યા સમજો અને માનવીય જિંદગી ખૂબ જ કીમતી છે એ આપ જાણો છો છતાં આંખ આડા કાન કરો છો.. અને આપની ફરજથી દૂર ભાગી માનવીય જિંદગીને જોખમી રહ્યા છો જે અયોગ્ય હોઇ… તાકીદે મહેસાણા બાયપાસ હાઈવેનું સમારકામ કરવું ખૂબ જ જરૂરી છે તે આપના ઉચ્ચ અધિકારીઓના ધ્યાને દોરી આપની ફરજ પ્રત્યે નિષ્ઠા દાખવો તે જરૂરી બન્યું છે..