Apna Mijaj News
અંતરની વ્યથા

આ મહિલાઓ નરેન્દ્ર મોદી માટે શું બોલી?

 

અમદાવાદની 15 જેટલી ઝુંપડપટ્ટીમાં વસવાટ કરતી મહિલાઓની અંતર વેદના શબ્દોમાં ઝળકી આવી

•’મારા વીરા, દિલ્હી ઉપર રાજ કરો પણ અમને ઘરનું ઘર આપો’ દુઆ ભરેલો રક્ષા દોરો પ્રધાનમંત્રીને મોકલાયો

મજુર અધિકાર મંચના નેજા હેઠળ શહેરની વિવિધ ઝુંપડપટ્ટીના રહીશોએ એક દિવસીય ધરણા કર્યા

શહેરમાં વિસ્તરી રહેલી ઝુંપડપટ્ટી નાબૂદ કરવા અહીંના રહીશોને પ્રધાનમંત્રી આવાસ આપવા માંગ

•સ્થાનિક, પ્રવાસી ગરીબ મજૂરો છાસવારે વહીવટી તંત્રની આકરી કાર્યવાહીનો ભોગ બનતાં રહ્યાં છે

સંજય જાની (અપના મિજાજ ન્યુઝ)

    અમદાવાદ શહેરમાં મજુરી કામ માટે આવી વસવાટ કરતા કાયમી તેમજ પ્રવાસી શ્રમજીવીઓના રહેણાંકનો પ્રશ્ન ગંભીર રીતે ઉભરી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ઊભી થઈ ગયેલી ઝૂંપડપટ્ટીના લીધે અનેકવિધ પ્રકારે વ્યવહારુ અને બિન વ્યવહારુ પરિસ્થિતિ પણ નિર્માણ થયેલી છે. ગત તા.૬ ઓગસ્ટના મજુર અધિકાર મંચના નેજા હેઠળ એક દિવસીય ધરણા કરી સ્થાનિક તેમજ પ્રવાસી શ્રમજીવીઓને પ્રધાન મંત્રી આવાસ યોજનાના 50 લાખ મકાનોમાંથી મકાન ફાળવવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. ધરણામાં ઉપસ્થિત ઝૂંપડપટ્ટીમાં નિવાસ કરતી મહિલાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દુઆઓથી ભરેલો એક રક્ષા કવચ દોરો મોકલી ઘરનું ઘર આપવા વિનંતી કરવામાં આવી હતી.

       સંસ્થાના પ્રમુખ હીરાભાઈ સોલંકી, ઉપપ્રમુખ ભારતીબેન દંતાણી તેમજ મહાસચિવ રમેશ શ્રીવાસ્તવ સહિતના લોકોએ શહેરમાં આવેલી વિવિધ ૧૫ જેટલી ઝુંપડપટ્ટીના રહીશોની ચિંતા કરી પ્રધાનમંત્રી દ્વારા નિર્માણ કરવામાં આવનાર 50 લાખ આવાસોમાંથી ગરીબ અને અસહાય લોકોને પણ ઘરનો લાભ આપવામાં આવે તેવી માંગણી કરી હતી. સંસ્થાના સંચાલકોના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં લાંબા સમયથી વસવાટ કરી છૂટક મજૂરી કામ કરતા હજારો લોકો મકાન વિહોણા છે. શ્રમજીવી પરિવારો રેલવે ટ્રેકના કિનારે અથવા તો શહેરના ફૂટપાટ ઉપર પ્લાસ્ટિકના મીણીયા કે ચાદરા બાંધી પોતાનું આશિયાનું બનાવીને વસવાટ કરી રહ્યા છે. શહેરમાં આજીવિકા રળવા આવેલાં મોટાભાગના શ્રમજીવીકો મધ્યપ્રદેશ તરફના મૂળ વતની છે. શ્રમિકો અનુસૂચિત જાતિ, વિમુક્ત અને વિચરતી જાતિમાંથી આવી રહ્યા છે. જેઓ અમદાવાદમાં ઘર વિહોણાં હોઇ શહેરમાં ખુલ્લી દેખાતી રેલવે ટ્રેક કે ફૂટપાટ પર પોતાનું રહેણાંક બનાવી દેતા હોય છે. શ્રમિકોના વસવાટથી જે તે વિસ્તારમાં રહેતાં અન્ય લોકોને આ વસવાટ અયોગ્ય લાગતા ક્યારેક અણ બનાવવો પણ ઉપસ્થિત થતા હોય છે. ઉપરાંત રેલવે તેમજ મ્યુનિસિપલ તંત્ર ઝૂંપડપટ્ટીને ગેરકાયદે ગણાવી તેના પર આકરી કાર્યવાહી કરતાં ગરીબ શ્રમજીવીઓને પોતાના બાળ બચ્ચા અને મહિલાઓ સાથે જે તે સ્થળ પહેરે કપડે અને પોતાના સર સામાન હાથ વગો કરી છોડી દેવું પડતું હોય છે.

     શહેરમાં આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય અને ગરીબ તેમજ પરપ્રાંતિય શ્રમજીવીઓને અપમાનિત ન થવું પડે તે માટે કાયમી ધોરણે તેઓને સરકારના નીતિ નિયમ મુજબ ઘરના ઘરનો લાભ આપવો જોઈએ તેવી માગણી સંસ્થાના સંચાલકો તેમજ ઝુંપડપટ્ટીમાં વસવાટ કરતી પ્રજાએ બુલંદ કર્યો છે. સંસ્થાએ આ અંગે સરકાર તેમજ વહીવટી તંત્રમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓને અનેક વખત રજૂઆત કરેલી છે. પરંતુ આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હોવાની બાબત પણ સપાટી ઉપર આવી છે.

શ્રમજીવીઓને માનવ ગરિમાસભર રહેણાંકનો લાભ મળવો જોઈએ

     અમદાવાદ શહેરમાં રોજીરોટી મેળવવા આવેલા સ્થાનિક તેમજ પરપ્રાંતીય શ્રમજીવીઓને ગરીમા સભર રહેણાંકનો લાભ આપવામાં આવે તેવી માંગણી સંસ્થા દ્વારા બુલંદ બનાવવામાં આવી છે. ઉપરાંત તેઓને મૂળભૂત સુવિધાઓ વીજળી, પાણી, શૌચાલય, શિક્ષણ, બાળ વિકાસ, આરોગ્ય જેવી સુવિધા ન મળતી હોવાથી તેમનો વિકાસ પણ રૂંધાઇ રહ્યો છે. જેથી કેન્દ્ર તેમજ ગુજરાત રાજ્ય સરકારે આ દિશામાં પણ ધ્યાન કેન્દ્રિત કરી શ્રમજીવીઓના ઉત્થાન માટે ધારા ધોરણ મુજબ તેમને રહેણાંકની સુવિધા આપવા ઘટતા કદમ ઉપાડવા જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે.

થોડા સમય પૂર્વે જ વહીવટી તંત્રએ શ્રમિકોને આકરા તાપમાં રસ્તે રઝળતાં મૂકી દીધા હતાં

      શહેરના રાણીપ વિસ્તારના અર્જુન આશ્રમ, નિર્ણયનગર, ઉમિયા હોલ, જીએસટી રેલવે ફાટક સહિતના વિસ્તારોમાં કાચાં- પાકાં બાંધકામો કરી વર્ષોથી નિવાસ સ્થાન ઊભું કરનાર શ્રમિકોને રેલવે તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ જાતની આગોતરી જાણ કે નોટિસ આપ્યા વગર તેમના નિવાસસ્થાનમાંથી ખદેડી દેવામાં આવ્યા હતાં. રહીશોના આક્ષેપ મુજબ તેમના રહેણાંકના મુદ્દે ન્યાયિક પ્રક્રિયા ચાલતી હોવા છતાં તેમના ઘર ઉપર બુલડોઝર ફેરવી જૂન જુલાઈ માસમાં આકરા તાપ અને વરસાદમાં તેમને પરિવાર સાથે બે ઘર કરી રસ્તે રઝળતાં મૂકી દેવામાં આવ્યા હતાં.


છેલ્લા દસ વર્ષમાં અમદાવાદમાં 40 જેટલી વસ્તી ઉપર તંત્ર નિર્દયી રીતે કાર્યવાહી કરી ચૂક્યું છે

      મજુર અધિકાર મંચના સંચાલકોએ કરેલા આક્ષેપ મુજબ અમદાવાદ શહેરમાં રોજીરોટી મેળવવા આવેલા શ્રમજીવીઓની 40 જેટલી વસ્તી ઉપર વહીવટી તંત્ર નિર્દયી રીતે કાર્યવાહી કરી ચૂક્યું છે. તંત્ર દ્વારા શ્રમિકોના રહેણાંકો ઉઝાળીને મહિલાઓ અને બાળકોને પણ તેમના સર સામાન સાથે રસ્તા પર રહેવા અથવા તો જે તે વિસ્તાર છોડી દેવા માટે મજબૂર કરી દેવામાં આવેલા છે. જેથી સંસ્થા દ્વારા છેલ્લા દસ વર્ષમાં શ્રમિકોની પરિસ્થિતિની જાણકારી મેળવી સરકાર સમક્ષ તેઓને કાયમી ધોરણે નિવાસસ્થાન મળે તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે. પરંતુ સત્તા સ્થાને બેઠેલા કોઈપણ લોકોએ આ અંગે ગંભીરતાથી વિચાર શુદ્ધા કર્યો નથી.

સરકાર આ મુદ્દા ઉપર કામગીરી કરે તેવી સંસ્થાએ માંગણી કરી

      શ્રમિકોના હક માટે લડાઈ આપતી મજૂર અધિકાર મંચ સંસ્થાના સંચાલકોએ કહ્યું હતું કે સરકાર તેમજ વહીવટી તંત્ર કાચી ઝૂંપડપટ્ટી વાળી જે તે જગ્યા પર વસ્તીનો સરવે કરી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેની નોંધણી ઓળખ ઊભી કરી તેમાં વસવાટ કરતા પ્રવાસી કે સ્થાનિક ગરીબ મજુર કુટુંબોનો સરવે કરીને યોગ્ય માનવ ગરિમા સબર આવાસ ઉપલબ્ધ કરાવવા પ્રયાસ કરે. વર્તમાન સમયમાં સ્થાપિત ઝૂંપડા વસ્તીમાં પાયાની સુવિધા અને સેવાઓ પણ પહોંચતી કરે, ગુજરાત સરકારની જૂની પુન વર્સન નીતિ (૨૦૧૩) તથા આવાસ પ્રકલ્પોમાં યોગ્ય સુધારો કરી ઝૂંપડાવાસીઓના વર્ષ 2018 ડિસેમ્બર માસ સુધીના પુરાવા માન્ય રાખી ગરીબ શ્રમજીવીઓને સસ્તા ઘર, પ્લોટ કે ભાડાના મકાનો પ્રાથમિકતાના ધોરણે ઉપલબ્ધ કરાવે. ઉપરાંત આ માટે અનેક પ્રકારના પુરાવા માન્ય રાખવા કે નિર્ધારિત પુરાવા બનાવી આપવાની કામગીરી સરકાર દ્વારા કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

Related posts

કોંગી મહિલા અગ્રણી લાલઘુમ થયાં….

ApnaMijaj

ઊંઝાના આ માર્ગને ડામરથી મઢવા કોનું પેટ દુ:ખે છે?

ApnaMijaj

કથિત પત્રકારો લોકશાહીના ચોથા સ્તંભને ધ્વંસ કરી દેશે!

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!