•ભક્તો ચોમાસાના ‘મામા’ ની જેમ અંડર બ્રિજમાંથી પાણી ઓસર્યા પછી ફાયદા સમજાવવા નીકળી પડ્યાં!
•બાંધકામંત્રી પૂર્ણેશ મોદીએ પણ અંડર પાસમાં ભરાયેલું પાણી થોડા કલાકમાં ઉતરી ગયાનું ટ્વિટ કરી જણાવ્યું
•પ્રધાનમંત્રીએ બુંદેલખંડ એક્સપ્રેસ હાઈવે ખુલ્લો મુક્યો ને બે દિવસમાં તૂટી ગયાના અહેવાલથી હલચલ મચી હતી
•મુખ્યમંત્રીએ અંડર પાસનું લોકાર્પણ કર્યું, કહેવાયુ હતું કે પાણી નહીં ભરાય તેવી સુવિધા કરી છે. પણ આ તો…
સંજય જાની (અપના મિજાજ ન્યુઝ-અમદાવાદ)
ઉત્તર પ્રદેશના બુંદેલખંડમાં 14,800 કરોડના ખર્ચે બનેલા એક્સપ્રેસ હાઈવેનું પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ 16 જુલાઈએ લોકાર્પણ કર્યું હતું. જે એક્સપ્રેસ હાઈવે લોકાર્પણ થયાના પાંચમા દિવસે એટલે કે 21 જુલાઈના ભારે વરસાદના કારણે તૂટી જવાની ખબર અખબારો અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાની સાથોસાથ સોશિયલ મીડિયા ઉપર ભારે ચર્ચામાં રહી હતી. એ જ રીતે ગુજરાતમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહેસાણામાં નિર્માણ કરવામાં આવેલા અંદાજે 147 કરોડના અંડર પાસ બ્રિજનું તા. 20 જુલાઈના લોકાર્પણ કર્યું હતું. બ્રિજના લોકાર્પણ વખતે કહેવાયું હતું કે અહીં એવી સુવિધા ઉભી કરવામાં આવી છે કે વરસાદી પાણી ભરાશે નહીં. વરસાદી પાણી આવશે તો પણ જે પ્રમાણે સુવિધા ઉભી કરાઈ છે તે મુજબ તે પાણી સીધું ખારી નદીમાં જઈ પડશે. પરંતુ આજે તા. 24 જુલાઈના એટલે કે બ્રિજના લોકાર્પણ થયાના ચોથા દિવસે મોડી રાત્રીથી વહેલી સવાર સુધી ધીમી ધારે વરસેલા વરસાદના પાણી મોટા પ્રમાણમાં અંદર બ્રિજમાં ભરાઈ જતાં કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો હોવાની વાત સાથે સમાચાર માધ્યમો અને સોશિયલ મીડિયામાં ચર્ચાની ભારે ધૂમ મચી હતી.
મહેસાણામાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા અંડર પાસને લઈ વિપક્ષના કાર્યકરો તેમજ અમુક જાગૃત નાગરિકોમાં અનેક પ્રકારે જાહેર તેમજ છાનો રોષ પ્રગટ થતો રહ્યો છે. અંડર પાસના લોકાર્પણ સમયે મુખ્યપ્રધાન, બાંધકામ મંત્રી, મહેસાણાના ધારાસભ્ય અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિત ભાજપના કાર્યકરોની ઉપસ્થિતિમાં અંડર પાસ નિર્માણમાં શું શું ખાસિયત છે તેની જાણકારી આપવામાં આવી હતી. એટલું જ નહીં લોકાર્પણની પત્રિકામાં પણ શંકાસ્પદ મુદ્દાઓ લોક માનસમાંથી હટી જાય તે માટે બ્રિજમાં ભરાતું વરસાદી પાણી કઈ રીતે નિકાલ થઈ શકશે તેની પણ જાણકારી આપવામાં આવી છે. જોકે સરકારના નેતાઓ, બાંધકામ વિભાગના અધિકારીઓ દ્વારા વરસાદી પાણી મુદ્દે જે બાબત સ્પષ્ટ કરવામાં આવી હતી તેનું સુરસુરીયું લોકાર્પણના ચોથા દિવસે જ મેઘરાજાએ કરી નાખ્યું હતું. જિલ્લામાં અંદાજે સાડા પાંચ થી છ કલાક ધીમીધારે વરસેલા વરસાદમાં અંડર પાસ વરસાદી પાણીથી ભરાઈ જતા સ્વિમિંગ પુલના દ્રશ્યો સર્જાયા હતા. અંડર પાસનો નજારો જોવા માટે શહેરીજનો મોટા પ્રમાણમાં અંડર પાસ પાસે ઉમટી પડ્યા હતા અને પોતાના મોબાઈલ ફોનમાં અંડર પાસમાં ભરાયેલા વરસાદી પાણીના દ્રશ્યો જેને બીજા અર્થમાં કહી શકાય કે સરકાર અને તંત્રની લોલમલોલનો પર્દાફાશ કંડારીને સોશિયલ મીડિયાની વિવિધ સાઇટો ઉપર તરતો મૂકી કટાક્ષના બાણ ચલાવ્યા હતા.