Apna Mijaj News
Breaking Newsઅજીબ દાસ્તાં હૈ યે....

મહેસાણામાં ભાજપ વિકાસના હાલરડાં ગવાયાં

•મહેસાણા ભાજપ, રાજ્ય સરકાર અને બાંધકામ વિભાગની ઠેકડી ઉડાડવાનું બંધ કરો…

સંજય જાની (અપના મિજાજ ન્યુઝ- અમદાવાદ)

     મહેસાણામાં શનિવારની મોડી રાત્રે અને રવિવારના દિવસે આકાશમાંથી સાંબેલા ધાર પાણી મહેસાણાની પાવન ધરા ઉપર પડ્યું. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના હૈયે હરખ માતો નહોતો, સારા વરસાદથી ખેતીને લાભા લાભ મળી ગયો એમ વિચારી ધરતી પુત્રોના મુખડા મલકાઇ ઉઠ્યા છે. પરંતુ પે’લા મેહોણા શહેરમાં રહેતા લોકોની હાલત હાવ એટલે હાવ ખરાબ થઈ ગઈ હોવાના સમાચાર મળ્યા છે. શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. સોસાયટી, મહોલ્લામાં અરે ક્યાંક ક્યાંક તો લોકોના ઘરમાં પણ ઘુટણ ડૂબ પાણી ભરાઈ ગયા છે. જનતા ત્રાહિમામ પોકારી ઊઠી છે.

      લોકોની સુખાકારી માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર, મહેસાણા શહેર અને જિલ્લામાં સંગઠનમાં બેઠેલા હોદ્દેદારોએ, સરકારી તંત્રએ થોડા દિવસો પહેલા મૂછો મરડીને મોટા ઉપાડે વિકાસ કામોના લોકાર્પણ નામના તાઈફા કર્યા હતા. એ સરકારનો માનીતો પુત્ર વિકાસ વરસાદી પાણીમાં ઘરકાવ થઈ ગયો અને શ્વાસ લેવા માટે ડુચકા મારતો જોવા મળ્યો હતો. જનતાના ટેક્સમાંથી ઉભી થયેલી લાખો કરોડો રૂપિયાની રકમમાંથી નીત નવા વિકાસ કામો હાથ ધરાયા પણ માનવસર્જિત ગેરરીતિઓને કુદરતની સુનીતિએ ઉઘાડી પાડી દીધી છે. મહેસાણામાં તાજેતરમાં જ 145 કરોડના ખર્ચે નિર્માણ થયેલો અને પ્રજાને સેવા માટે આપી દેવાયેલો અંડર પાસ સ્વિમિંગ પુલમાં નિર્માણ થઈ ગયો…. સરકારના કહેવાતા વિકાસની લોકોએ ઠેકડી ઉડાડી… ભાઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ધૂમ મચી ગઈ છે. નીત નવા સૂત્રો સાથે લોકોએ સ્થાનિક નેતાઓ, રાજ્ય સરકાર અને સરકારના માનનીતા તંત્રને આડેહાથ લીધું છે. જે જોતા એવું લાગે કે જનતાનો આક્રોશ ભાજપ શાસિત રાજનેતાઓ ઉપર કહેર બની વરસી રહ્યો છે.

     પણ જવા દો ને…. આ તો જનતા છે…. બે ચાર કલાક પાણી ભરાયું એટલે મજા લૂંટી લીધી…. પાણી ઓસરી જશે એટલે… જનતાનો સરકાર અને રાજકારણીઓ પ્રત્યેનો ગુસ્સો અને જુસ્સો બંને ઓસરી જશે…. ખંધા રાજકારણીઓ ફરી પાછા જનતામાંથી આવતા યુવાનોને કોઈ જુસ્સાદાર સૂત્રો સાથેનો ઝંડો પકડાવી દેશે… એટલે તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે… સરકારી રાજનેતાઓ અને તંત્રએ કરેલી ભૂલો પણ એ ઝંડાના લહેરાતા પવનની સાથે લહેરાઈને દૂર ધકેલાઈ જશે…

    પ્રજાના ટેક્સમાંથી આવતા કરોડો રૂપિયામાંથી થતો વિકાસ ભાજપના કાળજા નો કટકો છે…. ની સામે કટાક્ષ નહીં કરવાનો… જો તમે આવું કરશો તો…. સ્થાનિકથી લઇ પ્રદેશ કક્ષાના નેતાઓની નજરમાં આવી જશો…. અને પછી સમય આવે તમારી સાથે પૂર્વ ગ્રહ રાખીને કોઈને કોઈ બાબતમાં તમને કાયદાકીય આંટીમાં લઈ લેવામાં આવશે… સત્ય છે થોડું કડવું લાગશે… વર્ષો જૂની કહેવત છે સત્ય કડવું લાગે…. ખોટું ના લગાડતા પરંતુ મહેસાણા પ્રત્યે, મહેસાણાની જનતા પ્રત્યે અમને પણ લાગણી અને પ્રેમ છે એટલે…. જ્યારે આ અંડર પાસ બ્રિજનું નિર્માણ થતું હતું અને તેના કોન્ટ્રાક્ટરને લગભગ 30 જેટલી નોટિસ અપાઈ હતી ત્યારે પણ અમે “અપના મિજાજ ન્યુઝ”ના માધ્યમથી રાજનેતા, સરકાર અને તેમના તંત્રનો કાન પકડી વાસ્તવિકતા બતાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ અહીં ટીકા અને સત્ય જાણવા કોણ નવરું બેઠું છે?… અંદાજે 145 કરોડનો અંડર પાસ બ્રિજ ભણેલા ગણેલા સિવિલ એન્જિનિયરોના દિમાગની મહેનતથી નિર્માણ થયો છે…. એમાં કોઈ ખોટ થોડી રહી ગઈ હશે….? આ તો મેઘરાજા વધુ પડતા વરસી ગયા… એટલે અંડર પાસ પાણીમાં ઘરકાવ થઈ ગયો… તમારા ધારાસભ્ય નીતિનભાઈ પટેલ, ભાજપના પ્રમુખ જશુ પટેલ, અન્ય સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના સત્તાધીશો, માર્ગ અને મકાન વિભાગમાં બેઠેલા અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો… અરે… તમે ખુદ જનતા… તમારો કોઈ વાંક ગુનો નથી…. આતો… આકાશમાંથી વાદળનો દરવાજો વધુ ખુલી ગયો એટલે પાણી વધુ પડતું મહેસાણાની પાવન ભૂમિ ઉપર આવી પડ્યું અને તમને થોડા સમય પૂરતી મુશ્કેલી આપી ગયું… બાકી બારે મહિના તમને થોડી કોઈ મુશ્કેલી રહેવાની છે?

     જુઓ ભઇઓ….બુનો…. ખોટું ના લગાડતા. આ તો મહેસાણા ની પાવનભૂમિ અને આ ભૂમિ ઉપર વસવાટ કરનારા લોકો ઉપર અમારૂં પણ મેઘરાજાની જેમ હેત વરસ્યું એટલે દલડાની વાત અમારી જીભ ઉપર અને પછી શબ્દો રૂપે તમારા સમક્ષ મૂકી દીધી…. બાકી અમારે તો શું?… તમે લાખો કરોડો રૂપિયાનો ટેક્સ વર્ષે દહાડે સરકારને ભરો છો… ને સરકારની નજરમાં તમારી અહેમિયત શું છે? તમને કેટલો અને કેવા પ્રકારનો વિકાસ રૂપી પુત્ર રમાડવા આપવો… તે એ લોકોએ નક્કી કરી જ રાખ્યું છે! તમ તમારે વિકાસના હાલરડા ગાતા જાવ… ને મનોમન રાજી થતા જાવ..!

ભણેલા ગણેલા એન્જિનિયરો કહેતા હતા કે વરસાદ તો પડવા દો પછી ખબર પડે પાણી ક્યાં ભરાય છે!, હવે બોલો ભાઈ..

       કરોડો રૂપિયાના ખર્ચે અંડર પાસ બની રહ્યો હતો ત્યારે આ કામ કેવું થશે?, અંડર પાસમાં પાણી ભરાશે કે નહીં તેવા પ્રશ્નો કહેવાય છે કે અમુક રાજકીય અને જાગૃત આગેવાનોએ તંત્રને પૂછ્યા હતા ત્યારે તંત્રના અધિકારી અને ભણેલા ગણેલા એન્જિનિયરોએ કહ્યું હતું કે વરસાદ પડે પછી ખબર પડે પાણી ક્યાં ભરાશે? અત્યારથી થોડી ખબર પડે? તો ભાઈ હવે વરસાદ પડી ગયો છે અને અંડર પાસમાં પાણી ક્યાં ક્યાં ભરાઈ ગયું છે તેનો અભ્યાસ કરવા માંડો, એટલું જ નહીં હવે ભવિષ્યમાં પાણી ન ભરાય તેના માટેનો પણ ઉકેલ શોધો. એન્જિનિયર સાહેબ, ભારે હૈયે કહેવું પડે છે કે તમારા જેવા ભણેલા ગણેલા લોકો માત્ર ચોપડિયું જ્ઞાન મેળવે છે તમારા કરતાં તો અમારા અભણ કડિયા સારા હતા કે પોઝિશન જોઈને કહી દેતા કે અહીં આટલા ઇંચ કે સેન્ટિમીટરની ઊંડાઈ, પહોળાઈ, લંબાઈ કરીશું તો કોઈ તકલીફ નહીં પડે! સાચું કહીએ તો ખરેખર તમે લોકોએ હદ કરી નાખી છે. તાના ટેક્સના કરોડો રૂપિયા વરસાદી પાણીમાં વહેવડાવી દીધા છે. પ્રાર્થના કરીએ કે ભગવાન તમને તમારા કર્મોના આધારે ફળ પ્રાપ્તિ આપે.

Related posts

હર્ષ ઘેલા પતિએ કર્યું એવું કે…!

ApnaMijaj

ગુજરાત હાઈકોર્ટનું ચાઈનીઝ દોરી મામલે કડક વલણ, સરકાર સામે માંગ્યો ખુલાસો

ApnaMijaj

‘માલામાલ’ થવા ચોરીના રવાડે ચડ્યાં

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!