•દારૂનું કટીંગ થતું હતું અને સ્ટેટ વિજિલન્સે આખેઆખો ખેલ બગાડી દીધો
•પોલીસે કુલ રૂ.૪૫.૨૦ લાખનો મુદ્દા માલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી
સંજય જાની (અપના મિજાજ ન્યુઝ-અમદાવાદ)
કચ્છ જિલ્લામાં નસીલા પદાર્થોનો કારોબાર ધમધોકાર ચાલતો હોવાના પુરાવા એક પછી એક પોલીસના હાથે ચડતા રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી પૂર્વ કચ્છમાં દારૂના ધંધાર્થીઓમાં ભારે સળવરાટ ઉઠ્યો છે. આવા સંજોગોમાં આડેસર પોલીસ મથકના જવાબદાર અધિકારીઓના માથે સંકટ મંડળાયું છે. ગાંધીનગર સ્થિત વિજિલન્સની ટીમે રાપર તાલુકાના નલિયા ટીંબા ગામે દરોડો પાડીને લાખો રૂપિયાનો વિદેશી પ્રકારનો દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.
સ્ટેટ વિજિલન્સના સૂત્રોએ આપેલી વિગતો મુજબ રાપર તાલુકાના આડેસર પોલીસ મથક તાબાના નલિયા ટીંબા ગામના સ્મશાનની ખુલ્લી જગ્યામાં દારૂનું કટીંગ થતું હોવાની માહિતી મળતા સ્ટેટ વિજિલન્સ ટીમના પીએસઆઇ એ ડી ચાવડા પોતાના સ્ટાફ સાથે માહિતી વાળી જગ્યા ઉપર ત્રાટક્યા હતા. જ્યાં અશોક લેલન્ડ ટ્રક નંબર GJ 27 TT 1283 માંથી ટ્રેક્ટર નંબર GJ 12 BJ 2880 માં કટીંગ થતી વિવિધ બ્રાન્ડના વિદેશી દારૂની બોટલ નંગ 7905 કિંમત રૂ.31,86,280 ની પકડી પાડી હતી. આમ પોલીસે વિદેશી પ્રકારનો દારૂ, ટ્રક, ટ્રેક્ટર એક બાઈક અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.45,20,280 નો મુદ્દા માલ કબજે લઈ કાર્યવાહી કરી હતી.