ગાંધીનગરના મહત્વના તાલુકા મથક કલોલમાં કુદકેને ભૂસ્કે વિકાસશીલ કાર્યો હરણફાળ ભરી રહ્યા છે. અહીંના સાંસદ સભ્ય અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા અનેકવિધ પ્રકારના આયોજનો કરી વિકાસ કાર્યોને વેગ આપવામાં આવી રહ્યો છે. કલોલ તાલુકાના અનેક ગામોમાં જન સુવિધા ઉભી થઈ રહી છે. કલોલ શહેરી વિસ્તારમાં પણ લોક ઉપયોગી કાર્યો લાખો કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવી રહ્યા છે. પાલિકા તાબાના વિસ્તારમાં અહીંના મહિલા પ્રમુખ ઉર્વશીબેન પટેલની મહેનત રંગ લાવી રહી છે. તેઓના નેજા હેઠળ અનેક પ્રકારના ગતિશીલ વિકાસ કામો હાથ ધરવામાં આવ્યા છે. જે ઊડીને આંખે વળગી રહ્યા છે. સંભવત તેમની આ કાર્ય પ્રણાલીના કારણે જ તેઓ ખરા અર્થમાં જનતા જનાર્દનના હૃદયમાં અનેરૂ સ્થાન પામ્યા છે.
શહેરમાં આવેલા કપિલેશ્વર મહાદેવ મંદિર સમીપ અંદાજે 15 વર્ષ અગાઉ ઔડા દ્વારા વર્ષો પુરાણા તળાવનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું હતું. પરંતુ કહેવાય છે કે તે બાદ તળાવ તરફ કોઈએ નજર શુદ્ધા નાખી ન હોવાથી તળાવ પોતાનું અસલ નૂર ગુમાવી ચૂક્યું છે. જે તળાવને શણગાર સજાવવામાં આવે તો કલોલની જનતા માટે રમણીય અને પ્રવાસન સ્થળ ઊભું થઈ શકે તે વિચાર સાથે પાલિકા પ્રમુખ ઉર્વશીબેન પટેલે પોતાની દીર્ઘદ્રષ્ટિ દોડાવી અહીંના સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિતના જવાબદારો સમક્ષ પોતાનો વિચાર આયોજનસભર રજૂઆત રૂપે મુક્યો હતો. જે અંગે કહેવાય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રી તેમજ ઔડા સહિતના જવાબદારોએ પાલિકા પ્રમુખની રજૂઆત બાબતે વિચારવિમર્સ કરી આયોજનને મંજૂરીની મહોર લગાવી છે.
સાંસદ સભ્ય અને અધિકારી દ્વારા કલોલના કપિલેશ્વર મહાદેવ નજીક આવેલા તળાવના રી ડેવલપિંગ માટે અંદાજે રૂ.2.61 કરોડનો ખર્ચ કરવામાં આવશે અને આ અંગે આવતીકાલે તા. 24 જુલાઈના સાંસદ અમિત શાહના હસ્તે કામગીરીનું શુભ મુહૂર્ત કરવામાં આવશે તેવી જાણકારી સુત્રો દ્વારા આપવામાં આવી છે.