• મુખ્યમંત્રી અમૃતમ યોજનાને લગતા મુદ્દાઓ, હોસ્પિટલના વિવિધ મુદાઓ, તેમજ લાભાર્થીઓની ફરિયાદો વિશે સમીક્ષા કરવામાં આવી
સંજય જાની (અપના મિજાજ ન્યુઝ-અમદાવાદ)
આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – મુખ્યમંત્રી અમૃતમ / મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય (પીએમજેએવાય – માઁ ) યોજના અંતર્ગત જિલ્લા સેવા સદન અમદાવાદ ખાતે ડિસ્ટ્રીકટ ગ્રીવયન્સ રિડ્રેસલ કમીટીની મીટીંગ યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી અમૃતમ યોજનાને લગતા મુદ્દાઓ, હોસ્પિટલના વિવિધ મુદાઓ,તેમજ લાભાર્થીઓની ફરિયાદો વિશે સમીક્ષા કરવામાં આવી હતી. ડિસ્ટ્રીકટ ગ્રીવયન્સ રિડ્રેસલ કમીટીની મીટીંગમા કલેકટર સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેષ પરમાર, પીએમજેએવાય – માઁ ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર ડૉ.માસુમ ઠુમર, તાલુકા હેલ્થ ઓફિસરો સહિત કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વડપણ હેઠળની રાજ્ય સરકારના સંયુક્ત સાહસ એવી આયુષ્યમાન ભારત- પીએમજેએવાય-માઁ યોજના બિમારીથી પિડાતા અનેક લોકો માટે આશીર્વાદરૂપ છે. આ યોજના હેઠળ રૂ. ૫ લાખ સુધીની કેશલેસ સારવાર માન્યતા પ્રાપ્ત ખાનગી અને સરકારી હોસ્પીટલોમાં વિનામૂલ્યે મળે છે. માઁ યોજના, બાળ સખા યોજના અને ચિંરજીવી યોજના પણ આ યોજનમાં મર્જ કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં આ યોજનામાં જોડાયેલ તમામ પ્રાઇવેટ અને સરકારી હોસ્પીટલોમાં આ સારવાર મફતમાં મેળવી શકાય છે. જેમાં નવજાત શીશુની સારવાર, ડાયાલીસીસ, કિડનીના રોગો, હ્રદયની બિમારી, જનરલ સર્જરી, ઓર્થોપેડીક ફ્રેક્ચર જોઇન્ટ રિપ્લેસસમેન્ટ, ગાયનેક અને કેન્સર જેવા ગંભીર રોગોની સારવાર થાય છે. આ ઉપરાંત રાજ્યની કોઇ પણ એમ્પેનલ હોસ્પીટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ, ન્યુરો સર્જરી, દાજેલા કેસમાં પ્લાસ્ટીક સર્જરી જેવી ગંભીર બિમારીઓમાં પણ આ કાર્ડ આશીર્વાદ સમાન છે. રૂ. ૪ લાખ કરતા ઓછી આવક હોય તેવા પરિવારો અને રૂ. ૬ લાખથી ઓછી આવક ધરાવતા સિનિયર સીટીઝનના પરિવારો આ કાર્ડ ગામના વી.સી.ઇ, સી.એસ.સી, સસ્તા અનાજની દુકાન, તાલુકા હેલ્થ ઓફિસ ખાતેથી મેળવી શકે છે.