Apna Mijaj News
શરમજનક

કડી નગરસેવકના ‘નામ બડે ઔર દર્શન ખોટે’ !

• શું જુગાર કેસમાં પકડાયેલા કોર્પોરેટરને પ્રદેશ ભાજપા ‘નાયક’ તરીકે કાયમ રાખશે કે પછી “ના લાયક”નું પ્રમાણપત્ર અપાશે?

કડી ભાજપનો કોર્પોરેટર કલ્પેશ નાયક રાજકીય તેમજ વિવિધ સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દા ધરાવે છે ને હવે જુગારીના ‘મદદગાર’ તરીકેની પણ ઉપવા મળી ?

સંજય જાની (અપના મિજાજ ન્યુઝ-અમદાવાદ)

       મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ગઈકાલે સોમવારે સાંજના ભાગે કડીમાં દરોડો પાડી 17 જુગારીને અહીંના ભાજપી નગરસેવકના ઘરમાંથી આબાદ ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે કડી નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણમાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને જીતેલા કલ્પેશ ઉર્ફે કપ્પુ અરવિંદભાઈ નાયક પોતાના ઘરમાં જુગારની હાટડી ચલાવતો હતો. નગર સેવકના ઘરમાં અમદાવાદ, મહેસાણા, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી પત્તાના શોખીન લોકો જુગાર રમવા આવતા હતા.
સદા ઊંચી રહેતી ‘આંખ’ પોલીસ સ્ટેશનમાં ‘ઝુકી’ ગઈ
       કડી નગરપાલિકાનો નગરસેવક કલ્પેશ નાયક પોતાના ઘરમાં જુગારીઓને જોઈતી તમામ વ્યવસ્થા પૂરી પાડતો હતો. એટલું જ નહીં 12 કલાક જુગારી તેના ઘરના મહેમાન બની રહે એટલે તેમની પાસેથી ₹10,000 વસૂલતો હતો. પોલીસના મતે છેલ્લા 35 દિવસથી તેણે આ ગેરકાનૂની વેપલો શરૂ કર્યો હતો. બીજી તરફ કડીના આ કહેવાતા નેતાજીની એક બાબત એવી સપાટી પર આવી છે કે તેણે પોતે ભાજપનો કાર્યકર અને નગરસેવક હોવાથી પોલીસ કે કાયદા કાનુન તેનું કંઈ જ બગાડી નહીં શકે તેવું કહીને જુગારીઓના મન મગજમાં નિશ્ચિત રહો તેવી માનસિક સુરક્ષા પણ પૂરી પાડી હતી. પરંતુ જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગીએ કહેવાતા નેતાજીનો પરપોટો ફોડી નાખ્યો હતો.

કડી- મહેસાણા જિલ્લામાં નેતાજીનું નામ ‘મોટું’ છે પણ પોલીસના દરોડામાં આરોપી બની જતા જનતાને તેમના ‘દર્શન’ ખોટા થયાં!

       કડી તેમજ મહેસાણા જિલ્લામાં કડી પાલિકાના ભાજપની કોર્પોરેટર કલ્પેશ નાયક મોટું નામ ધરાવે છે પરંતુ તેઓના ઘરમાંથી જ જુગારનો ગેરકાયદે ધમધમતો વેપલો બહાર આવતા કહેવાતા આ નેતાજીએ ‘નામ બડે ઓર દર્શન ખોટે’ નામની કહેવતને સાર્થક કરી બતાવી છે. કહેવાય છે કે ભાજપના કથિત નેતાજી કડી પાલિકામાં શાસક પક્ષના નેતા છે. તેની સાથો સાથ તેઓ મહાદેવ ગૌ સેવા ટ્રસ્ટના પ્રમુખ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના ગૌ સેવક, ઈચ્છબાઇ માતાજી મંદિર ઊંટવાના કમિટી સભ્ય, કડી શહેર શિવસેનાના પૂર્વ સભ્ય, શક્તિ કેન્દ્ર વોર્ડ નંબર 3 કડીના પ્રમુખ, સમસ્ત નાયક ભોજક કેળવણી મંડળ મહેસાણાના મંત્રી, નાયક ભોજક કેળવણી મંડળ કડીના ઉપપ્રમુખ, નાયક ભોજક વ્યાસ સમાજ ગુજરાત સેવા ટ્રસ્ટ કલોલના ટ્રસ્ટી, કડી શહેર ભાજપ સંગઠન પૂર્વ મંત્રી અને કડી શહેર ભાજપ યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ તરીકે સેવા આપી પોતાની લાયકાત છતી કરેલી છે.

નાયક ભાજપમાં એટલા ‘લાયક’ રહ્યા છે કે એક ધાર્મિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિતના લોકોએ તેમના આમંત્રણને માન આપ્યું હતું?

       કડીના કોર્પોરેટર કલ્પેશ નાયક ભાજપના ટોચના નેતાઓની નજરમાં એટલી હદે ‘લાયક’ છે કે તેમને મહત્વના પદ ઉપર બેસાડીને વિવિધ જવાબદારીઓ પણ સોંપવામાં આવેલી છે. એટલું જ નહીં બે મહિના પૂર્વે કડીમાં યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી,પ્રદેશ ભાજપના પ્રમુખ સહિત ટોચના આગેવાનોને તેઓએ આમંત્રિત કરી તેમના હસ્તે ‘મન કી બાત’ના હોલનું ઉદ્ઘાટન પણ કરાવ્યું હોવાની બાબત જાણવા મળી છે. પરંતુ એ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપના નેતાઓ સહિતના મહેમાનોએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે તેમનો આવનારા ભવિષ્યનો કથિત ‘નાયક’ નેતા કાયદાની નજરમાં એવું કામ કરતાં પકડાશે કે પાર્ટી માટે સંભવત્ “ના લાયક” સાબિત થઈ શકે તેમ છે.

જુગાર રમાડવાના કેસમાં પકડાયેલો કોર્પોરેટર આખરે જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યો

       પોતાના ઘરમાં જુગારીઓને આશરો આપી 12 કલાક બેસવા દેવા પેટે ₹10,000 નાલ ઉઘરાવી કમાણી કરતો કોર્પોરેટર 17 જુગારી સાથે પોલીસના હાથે પકડાઈ ગયો હતો. પોલીસે પકડેલા તમામ 18 લોકો સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી કરી આજે મંગળવારે તેઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સત્તાધારી પાર્ટીમાં રહી, પોતાના માથે ભાજપના ટોચના નેતાઓના હાથ છે, પોલીસ મારું કાંઈ જ નહીં બગાડી શકે તેવી ફાંકા ફોજદારી કરનાર કડીના કોર્પોરેટરનો મહેસાણા જિલ્લાની પોલીસે ‘રાજકીય નશો’ ઉતારી દીધો છે. જોકે કડી શહેરમાં એક જ ચર્ચા છે કે હવે કલ્પેશ નાયક ભારતીય જનતા પાર્ટી માટે લાયક રહેશે કે પછી તેને….”ના લાયક”નું પ્રમાણપત્ર કડી શહેર, જિલ્લા કે પ્રદેશ ભાજપા કાર્યાલયમાંથી આપવામાં આવશે? તે વિચાર માગી લેતો પ્રશ્ન ઉપસ્થિત થયો છે.

Related posts

કલોલ ભાજપના ભક્તો, ફોટોસેશન પૂરું કરી એક નજર શહીદ સ્મારક ઉપર તો નાખવી’તી !

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!