Apna Mijaj News
Breaking Newsભારે કરી ભઈ ભારે કરી

કડીનો નગરસેવક નાયક “ના લાયક”નીકળ્યો

•હું ભાજપનો નગરસેવક છું, પોલીસ કંઈ જ નહીં કરી શકે સંભવત એવા ઉદ્દેશથી કમાણીનો ધંધો શોધી કાઢ્યો
નગરસેવક મતદાતાઓની ‘સેવા’ છોડીને પોતાના ઘરમાં જુગારીઓને સેવા પૂરી પાડી ‘મેવા’ રળતો હતો

ભાજપી નગરસેવક કલ્પેશ ઉર્ફે કપ્પુ નાયકે છેલ્લા 35 દિવસથી પોતાના ઘરને જુગારનો અડ્ડો બનાવી દીધો હતો
•નગરસેવકના ઘરમાં જુગાર રમતા ખેલીઓ 12 કલાકના રૂ.દસ હજાર કલ્પેશ નાયકને ખર્ચો પાણી આપતા હતાં

સંજય જાની (અપના મિજાજ ન્યુઝ-અમદાવાદ)

      મહેસાણા જિલ્લાના અનેક વિસ્તારમાં ચાલતા ગેરકાયદે ધંધા ઉપર જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગીએ ‘લાલ આંખ’ કરી છે. જિલ્લામાં સોનાની દળી કહેવાતા કડી શહેરમાં ભાજપનો નગરસેવક છેલ્લા 35 દિવસથી પોતાના ઘરમાં જુગારની હાટડી માંડીને બેઠો હોવાની બાતમી મળતાં આજે સોમવારની સાંજે પોલીસ અધિક્ષકના આદેશથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જાંબાજ પીઆઇ ભાવેશ રાઠોડ સહિતની ટીમે નગરસેવકના ઘર પર દરોડો પાડ્યો હતો. એસઓજીની ટીમે કડી ભાજપના નગરસેવક કલ્પેશ નાયક ઉર્ફે કપ્પુના ઘરમાંથી જુગાર રમતા 18 ખેલીઓને રોકડ સહિત અંદાજે રૂ.13 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

      પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વતન એવા કડીમાં છાસવારે અનેક પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ ઉજાગર થતી રહી છે. પરંતુ અહીં  ભારતીય જનતા પાર્ટીનો મુખવટો પહેરીને નગરપાલિકાની ચૂંટણીમાં જીત મેળવનાર કલ્પેશ ઉર્ફે કપ્પુ નાયક ભાજપ માટેના લાયક’ સાબિત થઈ શકે તેવી હરકત કરતો પોલીસના હાથે આબાદ ઝડપાઈ ગયો છે. કડી પાલિકા વિસ્તારના વોર્ડ નંબર ત્રણમાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જીતીને નગરસેવક બનેલો કપ્પુ નાયક પોતાના મતદાતાઓની ‘સેવા’ ઓછી અને જુગારીયાઓની સેવા વધુ કરીને છેલ્લા 35 દિવસથી મેવા ‘રળી’ રહ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

બસ, ૧૦ હજાર રૂપિયા ભાડું આપો અને ભાજપના નગરસેવકના ઘરમાં આરામથી પત્તા ચિપ્યા રાખો

      કડી ભાજપનો નગરસેવક કલ્પેશ નાયક પોતે ભાજપનો કાર્યકર હોવાનો દંભ રાખીને પોતાના ઘરને જુગારના અડ્ડા માં ફેરવી નાખ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કહેવાય છે કે કલ્પેશ નાયક જુગારીઓને કહેતો ફરતો હતો કે મારા ત્યાં પોલીસની તાકાત નથી કે રેડ પાડી શકે, એટલે જુગારી તત્વો પણ પોલીસનો કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર નગરસેવકના ઘરે, અરે નહીં નહીં સોરી…. નગરસેવકના જુગારના અડ્ડા ઉપર બિન્દાસ રીતે પત્તા ખોલીને દાવ માંડતા હતા. ખેલીઓને નગરસેવક જુગાર રમવા માટે 12 કલાક બેસવા દેતો અને તે પેટે ₹10,000 વસૂલતો હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે.

ભાજપના કેસરિયા રંગે રંગાયેલા કેટલાય લોકો પડદા પાછળ કાળા કરતુંતો આચરી રહ્યા છે જે પક્ષ માટે લાંછન રૂપ

     ભારતીય જનતા પાર્ટીના કેસરિયા રંગમાં રંગાયેલા અને પોતાને રાષ્ટ્રવાદી સહિતની અનેક પ્રકારની ઉપમાઓ સાથે જોડીને ‘મે ભી ચોકીદાર’નો દાવો કરનારા અનેક લોકોના કાળા કરતુંતો છાસવારે બહાર આવતા રહ્યા છે. પરંતુ દેશમાં આ એક જ પક્ષ એવો છે કે આની છત્ર છાયામાં રહેનારા ગમે તેટલા પાખંડી હોય પણ તેમની છબી કદી ઝાંખી પડતી નથી. તેવી ચર્ચા જનતા જનાર્દનમાં સતત ઊઠતી રહી છે. કડી જુગારધામના કિસ્સામાં પણ પકડાયેલો નગરસેવક ભાજપનો કાર્યકર છે અને તેની કરતુંત ભાજપ માટે લાંછન રૂપ છે. પરંતુ હવે જોવાનું એ રહે છે કે તેની સામે કોઈ કાર્યવાહી એટલે કે મજબૂત કાનૂની કાર્યવાહી થાય છે કે પછી કોઈ ઉચ્ચ કક્ષાનો નેતા તેના માટે કાનૂન સામે પણ ‘કેસરિયા’ કરશે? આ પ્રશ્ન અત્યારે સમગ્ર કડી શહેર જ નહીં પરંતુ જિલ્લાભરમાં ચર્ચાની એરણ ઉપર આવીને અટક્યો છે.

•અમદાવાદ, મહેસાણા પાટણ અને સુરેન્દ્રનગરના ખેલી જુગારના અડ્ડા ઉપરથી આબાદ ઝડપાયા,

     કલ્પેશ ઉર્ફે કપ્પુ અરવિંદભાઈ નાયક, ચંદ્રકાંત હેમચંદભાઈ જીવનાની, પટેલ ચિરાગ નરેન્દ્રભાઈ, ઝાલા જગુભા પોપટસિંહ, કુરેશી ઈબ્રાહીમ મલેકભાઇ, પરમાર રાજીવ ગણપતભાઈ, મહેબૂબ અલારખા કુરેશી, ભાતજી કનુજી ઠાકોર, ઠાકોર બેચરજી બચુજી, મુખત્યાર મહેબૂબ ખાન મલેક, ઝાલા દાદુજી બાબજી, ઠાકોર જયંતીજી મંગાજી, શેખ ઇમરાન રફિકભાઈ, શેખ અશફાક અઝીઝભાઈ, ઠક્કર કેયુર પ્રકાશભાઈ, પ્રજાપતિ રાજીવ રમેશચંદ્ર, ફરીદખાન ગુલાબખાન પઠાણ અને અલીયારખાન જીવણ ખાન મીર એસઓજીના દરોડામાં આબાદ પકડાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે જુગારીઓ અમદાવાદ મહેસાણા પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી કડીમાં બાજી લગાવવા આવતા હતા.

Related posts

અલ્યા શું વાત કરો છો? મહેસાણા ‘એ’ ડિવિઝન પોલીસ મથકના બે કોન્સ્ટેબલ હપ્તાખોર છે!?

ApnaMijaj

મહેસાણા પોલીસની આબરૂના ધજ્જિયા ઉડ્યા

ApnaMijaj

ક્રાઈમ બ્રાન્ચના ૬૦ કર્મીને ‘ભાઈબંધી’ભારે પડશે?

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!