•બે વર્ષ પૂર્વે 10 લોકોએ સમાજ ઉત્થાનનો વિચાર કર્યો અને સફળતા મેળવી
•સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરી ચોપડા વિતરણ કરવામાં આવ્યું
•સમાજના આગેવાનો અને દાતાઓની કાર્યશૈલી ખીલી ઉઠી, કામગીરીને બિરદાવાઈ
અક્ષય ગોસ્વામી (અપના મિજાજ ન્યુઝ, કલોલ)
માનવીય જીવનનું દર્પણ તેનો સમાજ હોય છે. જે તે સમાજ સંગઠિત અને ઉમદા કાર્યો કરે છે, તેનો દબદબો પણ કંઈક અલગ હોય છે. સમાજમાં રહેતા આર્થિક રીતે નબળા લોકોની મદદ કરવી, સમાજના લોકો કોઈને કોઈ ક્ષેત્રે સફળતાના શિખરો સર કરતા હોય ત્યારે તેમની સરાહના કરવી, સમાજના બાળકો અભ્યાસ તેમજ તેને ગમતી વસ્તુમાં પોતાની પ્રતિભા છલકાવતા હોય ત્યારે સમાજના આગેવાનો તેઓને ફૂલ નહીં તો ફૂલની પાંખડી દ્વારા સન્માનિત કરી તેમનામાં ઉત્સાહનો પ્રાણ પૂરતા હોય છે. એટલું જ નહીં સમાજમાં વર્ષોથી ચાલ્યા આવતા કુરિવાજોનો ત્યાગ કરી લગ્ન તેમજ અન્ય સામાજિક તેમજ માંગલિક પ્રસંગોમાં ઓછા ખર્ચમાં કઈ રીતે પ્રસંગોની ઉજવણી અને સંપન્ન કરવા તે અંગે કરાતી પ્રવૃત્તિઓ હર હંમેશ બિરદાવવા અને વખાણવા લાયક રહેતી હોય છે.
આવું જ એક કાર્ય કલોલ તાલુકાના દશનામ ગોસ્વામી સમાજમાં થઈ રહ્યું છે. બે વર્ષ પૂર્વે સમાજના 10 જાગૃત લોકોએ સમાજ અને સમાજના વ્યક્તિત્વ માટે કંઈક કરી છૂટવાની ભાવના પ્રગટ કરી સમાજ ઉત્થાનનો વિચાર કર્યો હતો. આજે છેલ્લા ત્રણ વર્ષથી દશનામ ગોસ્વામી સમાજ પોતાના બંધુઓની હરેક પ્રકારની પ્રતિભાને ઉજાગર કરી તેમનામાં રહેલી આંતરિક શક્તિઓનો વિકાસ કઈ રીતે થાય તે દિશામાં પીઠબળ પૂરું પાડી રહ્યો છે. તાજેતરમાં અહીંના દશનામ ગોસ્વામી સમાજે શહેરના એસટી વર્કશોપ વિસ્તારમાં આવેલા ગણેશ પાર્ટી પ્લોટમાં સમાજના સ્નેહમિલનનું આયોજન કર્યું હતું. જે કાર્યક્રમમાં સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમાજના આગેવાનોએ વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા પ્રમાણે સન્માનિત કરી અંદાજે 500 ડઝન ચોપડાનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના તમામ લોકોએ ખભે ખભો મિલાવી સાથ સહકાર આપ્યો હતો. સમાજના ભાવેશગીરી નવીનગીરી ગોસ્વામી (અમદાવાદ), જગદીશગીરી આનંદગીરી ગોસ્વામી (સાલડી) દાનેશ્વરી તરીકે ઉભરી આવ્યા હતા. જેઓએ સમાજના આગેવાનો તેમજ કમિટી સભ્યોની વાતને વધાવી લઈને સમાજ ઉત્થાન માટે બની શકે તેટલી મદદ કરી પોતાની દાતારીને દિપાવી હતી. સમાજના આ કાર્યક્રમમાં સંગીત ક્ષેત્રે નાની ઉંમરમાં ઉભરી આવતા કલાકાર એવા સંદીપ ગોસ્વામીનું પણ મોમેન્ટો આપીને સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉપેન્દ્રપુરી ગોસ્વામી કલોલ દ્વારા કરવામાં આવ્યું હતું. સમાજના લોકો સામૂહિક ભોજન પ્રસાદ લીધા બાદ છુટા પડ્યા હતા.