“કચ્છડો ખેલે મલકમે.. જીં સમંદર મચ્છ, જેડા હેકડો કચ્છી વસે હોત્ત દી’આ દી’ કચ્છ…”
•અમદાવાદ કચ્છી સમાજ દ્વારા આયોજિત અષાઢી બીજ કાર્યક્રમમાં કચ્છી માડુઓનો ‘મેળાવડો’ જામ્યો
•અમદાવાદના દિનેશ હોલમાં અમદાવાદ કચ્છી સમાજે રંગમંચનું પણ આયોજન કર્યું
•કચ્છીગરાઓ એક મેકને વ્હાલભેર મળ્યા અને એકબીજાના ખબર અંતર પૂછી ખુશ થયા
• સામાજિક અને કોમેડી નાટક નિહાળી કચ્છી ભા,ભેણુ ને બચ્ચા આંખમાંથી અશ્રુધારા સાથે પેટ પકડી હસ્યાં
સંજય જાની (અપના મિજાજ ન્યુઝ)
અમદાવાદમાં કાર્યરત ‘કચ્છી સમાજ’ દ્વારા કચ્છી નવા વર્ષ અષાઢી બીજ નિમિત્તે એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની ઇન્કમ ટેક્સ કચેરી પાછળ આવેલ દિનેશ હોલમાં આયોજિત કાર્યક્રમમાં મૂળ કચ્છના વતની અને અમદાવાદમાં વસવાટ કરતા ઉદ્યોગ સાહસિકો, વ્યાપારી, બિઝનેસમેન સહિતના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ખાસ પધારેલા માંડવીના પનોતા પુત્ર અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સુરેશચંદ્ર રૂપશંકર મહેતાએ સંસ્થાની કામગીરીને બિરદાવીને કાર્યક્રમના આયોજકોએ યોજેલા મેળાવડાની પ્રશંસા કરી હતી.
શ્રી કચ્છી સમાજ અમદાવાદ દ્વારા તા. 3 જુલાઈ, 2022ના રોજ દિનેશ હોલ, આશ્રમ રોડ ખાતે નુતન વર્ષ સ્નેહમિલન યોજાયું હતું. જેમાં કચ્છ સાથે સંકળાયેલા સભ્યોએ આ કાર્યક્રમને ઉત્સાહભેર માણ્યો હતો. પરિવાર સાથે બેસીને માણી શકાય તેવું સામાજિક કોમેડી ગુજરાતી નાટક સૌએ માણ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયે સૌ સભ્યો ભોજન પ્રસાદ ગ્રહણ કરી છૂટા પડ્યા હતા. આ કાર્યક્રમને ગરીમા આપવા પ્રતિભાશાળી કચ્છી વ્યક્તિત્વ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સુરેશભાઈ મહેતા તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને આર્થિક બળ પૂરું પાડનાર સૌજન્ય દાતાશ્રીઓનું મેમેન્ટો આપીને સન્માન કરાયું હતું.
આ પ્રસંગે સુરેશભાઈ મહેતા તથા શ્રી કચ્છી સમાજ અમદાવાદના પ્રમુખ અશોકભાઈ મહેતાએ કચ્છના સર્વાંગી વિકાસ માટે વિવિધ શક્યતાઓ ઉપર આશા વ્યક્ત કરી હતી. અશોકભાઈ મહેતાએ કચ્છમાં થઈ રહેલી બાગાયતી ખેતી અંગે ખુશી વ્યક્ત કરી હતી અને નર્મદાના પાણી છેલ્લા ઘણા વર્ષોથી જેની રાહ જોવાઇ રહી છે તે જેટલા બને તેટલા વહેલા પહોંચે તે માટે પણ કચ્છ સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓને સાથે મળી અને આગળ આવવા માટે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે તમામ જ્ઞાતિના કચ્છ સાથે સંકળાયેલા વિવિધ ઘટક સમાજના હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ અશોકભાઈ મહેતા તથા મંત્રી અને કન્વીનર હિમાંશુભાઈ ઠક્કરના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમે કાર્યક્રમના ચાર ચાર લગાવી દીધા હતાં. રસોડાની તમામ કામગીરી પરબતભાઈ પટેલ અને તેમની ટીમને સંભાળી હતી. કાર્યક્રમનું સમાપન દીપકભાઈ ચૌહાણે આભાર વિધિ અને રાષ્ટ્રગીત દ્વારા સૌ પ્રત્યે આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
•સ્નેહમિલન કાર્યક્રમમાં ‘આનું નામ ખાનદાની’ નાટક જોઈ લોકો પેટ પકડી હસ્યાં તો અશ્રુ ધારા પણ વહાવી
કચ્છી સમાજ આયોજિત અષાઢી બીજ સ્નેહમિલન કાર્યક્રમમાં કલ્પેશ પટેલ નિર્મિત ‘આનું નામ ખાનદાની’નામનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. કોમેડી અને સામાજિક સંદેશ આપતા નાટકને નિહાળી હોલમાં ઉપસ્થિત ખીચો ખીચ જનમેદની પેટ પકડીને હસી હતી. તો બીજી તરફ પારિવારિક મુશ્કેલીમાં મિત્ર તેમજ પરિવારજનો કેવી રીતે વિચલિત કરે છે. તેમજ અન્ય પાસામાં સ્વજનો કે જેઓ નિસ્વાર્થ સંબંધ ધરાવે છે તેઓ કઈ રીતે મદદરૂપ બને છે. તેવા સંવાદ સાથેનો અભિનય જોઈ અનેક લોકોની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી હતી.
•સંસ્થાના પ્રમુખ અશોકભાઈ મહેતા કચ્છી માડુ માટે સંપર્કનો સેતુ બની રહ્યાં…
અમદાવાદમાં વસવાટ કરતા મૂળ કચ્છના વતની કોઈપણ સમાજના હોય તેઓ માત્ર અને માત્ર ‘કચ્છી’ તરીકે એક મંચ ઉપર આવે તેમજ ઘટકને ભૂલી માત્ર કચ્છી સમાજના લોકો છે તેની પ્રતીતિ કરાવતી ‘કચ્છી સમાજ’ સંસ્થાના પ્રમુખ અશોકભાઈ મહેતા અમદાવાદમાં વસવાટ કરતા તમામ કચ્છી લોકો માટે સંપર્ક સેતુ બની રહ્યા છે. સંસ્થા વતી દરેક કચ્છી માડુ એક મેકથી જોડાયેલા રહી ‘કચ્છીયત’ને ઉજાગર કરે તેવો સંસ્થાનો ઉદ્દેશ છે.
• ભુજ મર્કન્ટાઇન બેંકના ચેરમેન મહેન્દ્ર મોરબીયાએ કચ્છનું નામ રોશન કર્યું હોવાનું ગૌરવ