• ખોડીયાર ગામના અમુક રહીશોએ 35 -40 વર્ષ પૂર્વે વાવેલા વૃક્ષોનું નિકંદન કાઢી નંખાયુ
•ખોડીયારથી કલોલ સુધીનો માર્ગ ફોરલાઈન બનાવવા જેવો, પરંતુ માત્ર અઢી કી.મી.નું થશે નિર્માણ
•માર્ગ વિકાસના નામે ક્યાંક ને ક્યાંક કોઈકનો ‘વિકાસ’ થઈ રહ્યો હોય તેવા આક્ષેપો પણ સામે આવ્યાં
સંજય જાની (અપના મિજાજ-ન્યુઝ)
અમદાવાદ નજીકના ખોડિયાર ગામથી જાસપુર જવાનો માર્ગ ફોરલાઈન બનાવવાના તંત્રના નિર્ણય અને સરકારના કહેવાતા ‘વિકાસ’ ના નામે ૭૫ જેટલા વૃક્ષ નારાયણનો વિનાશ વેરી નાખવામાં આવતા વૃક્ષ પ્રેમીઓના હૈયા હચમચી ઉઠ્યા છે. પરંતુ નિષ્ઠુર બનેલી સરકાર અને તંત્ર સામે એક હરફ શુદ્ધા ઉચ્ચારી નથી શકાતો તેવી વાસ્તવિકતા સામે આવી છે. કહેવાય છે કે ખોડીયારથી સુએજ ફાર્મ સુધીનો માર્ગ ફોર લાઈન કરવા જેવો છે નહીં પરંતુ જો કરવો જ હોય તો જાસપુર સુધીનો માર્ગ ફોર લાઈન કરી શકાય તેમ છે. પરંતુ અહીં વહીવટી તંત્ર કે સરકારમાં બેઠેલા લોકોએ કોઈનો વિકાસ કરવા માટે માત્ર અઢી કિલો મીટરનો માર્ગ ફોર લાઈન બનાવવાનો નિર્ણય લીધો છે. જે શંકા ઉપજાવે છે. પરંતુ વિકાસની દોટમાં વર્ષો જુના ઘટાદાર વૃક્ષોનો વિનાશ વેરી દેવામાં આવ્યો છે તેની સામે લોક હૃદયમાં આગ પણ લાગેલી છે.
ગાંધીનગર સ્થિત પાટનગર યોજના વિભાગ નંબર ત્રણના કાર્યપાલક ઈજનેરની કચેરીથી નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ અસારવા અમદાવાદને એક પત્ર લખી એસજી હાઇવે નજીક આવેલા ખોડીયાર ગામથી જાસપુર જવાનો અઢી કિલોમીટરનો માર્ગ ફોર લાઇન બનાવવાનો હોવાથી માર્ગની બંને બાજુ ઊભેલા વર્ષો જુના ઘટાદાર વૃક્ષોને નડતર રૂપ જણાવીને હટાવી દેવા માટે કહેવામાં આવ્યું છે. જે બાદ વન વિભાગે 75 જેટલા વૃક્ષ નારાયણના થડમાં કરવત ચલાવીને તેમની ઘાતકી હત્યા કરી નાખી હોવાની લાગણી આ વિસ્તારમાં રહેતા લોકોએ વ્યક્ત કરી છે.
સરકારનું વનતંત્ર વૃક્ષ ઉછેર અને હરિયાળા જંગલો ઊભા કરવા પાછળ વર્ષે દહાડે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ આ વિસ્તારમાં ક્યાંય હરિયાલી દેખાતી નથી. પરંતુ અહીં કોઈ સજ્જનોએ વર્ષો પહેલા અંદાજે 50 વર્ષ જેટલા સમયમાં વાવેતર કરેલા કુમળા રોપામાંથી વટ વૃક્ષ બની ઉભેલા વડ, પીપળા, નીલગીરી અને લીમડા જેવા વૃક્ષ નારાયણને ધરાશાહી કરી દઈ ‘વિકાસ’ના નામે ‘વિનાશ’ વેરી દીધો છે.
• ‘જે પોષતું તે જ મારતું’ કહેવત અહીં વન તંત્રએ સાર્થક કરી બતાવી
ગાંધીનગરમાં આવેલી પાટનગર યોજના વિભાગ નંબર ત્રણની કચેરીના કાર્યપાલક ઇજનેરે ખોડીયાર ગામથી સુએજ ફાર્મ સુધી અઢી કિલો મીટરનો માર્ગ ફોરલાઈન કરવાનો હોઈ માર્ગના કિનારે ઉભેલા વૃક્ષોને હટાવી દેવા માટે વનતંત્રને પત્ર વ્યવહાર કરતા વન વિભાગે પાટનગર યોજના વિભાગને વૃક્ષો હટાવવા પેટે રૂ.૨,૧૩,૯૬૮ ના ખર્ચનું ચલણ લાલ દરવાજાની bank of india ની મુખ્ય બ્રાન્ચમાં ભરપાઈ કરી દેવા જણાવ્યું હતું. જે બાદ જે તંત્રનું કામ વૃક્ષારોપણ કરવાનું છે એ જ તંત્રએ ઘટાદાર વૃક્ષોના “અંગ” ઉપર કરવત અને કુહાડાના ‘ઘા’ ઝીંકાવી દીધા. આમ, વન તંત્રએ ‘જે પોષતું એ જ મારતું’ની કહેવત અને અહીં સાર્થક કરી બતાવી છે.
•ખોડીયાર ગામના રહીશોએ ‘જીવ’ બાળ્યો પણ સરકાર સામે તેઓ વૃક્ષોનો ‘જીવ’ બચાવી ન શક્યા
કહેવાય છે કે બળુકાના બે ભાગ હોય છે. જેની પાસે અઢળક નાણા અને સત્તા છે. તે વ્યક્તિ કે સંસ્થા મનવાંછિત સારું અને ખરાબ કામ કરી શકે છે અને કરાવી શકે છે. જેમાં તેમને ક્યાંક બિરદાવવામાં આવે છે અને ક્યાંક ધુત્કારવામાં આવે છે. પરંતુ માલેતુજાર વ્યક્તિ કે સંસ્થા જ્યારે સત્તા સાથે સગપણ બાંધીને બેઠી હોય ત્યારે તેનું કામ ગમે તેટલું ધુત્કારવા જેવું હોય પરંતુ નાનપમાં રહેતા લોકો કરવું ઘણું હોય પરંતુ કંઈ જ કરી શકતા નથી. આવું જ કંઈક અહીં બન્યું હોવાનું જાણવા મળ્યું છે. કહેવાય છે કે ખોડીયાર ગામની ભાગોળે ગામના લોકોએ વાવેતર કરેલા અને ઘટાદાર બની ગયેલા વૃક્ષો કપાઈ રહ્યા હતા ત્યારે કેટલાય વડીલો અને યુવાઓના ‘જીવ’ બળી ગયા પરંતુ તેઓ જે વૃક્ષોના છાયડામાં વર્ષોથી બેસતા હતા તે વૃક્ષોનો ‘જીવ’ ન બચાવી શક્યા. અંતે અહીં શાહુકાર અને સરકાર સાથેનું સગપણ જીતી ગયું હોવાની પ્રતીતિ ગ્રામજનો કરી રહ્યા છે.