• ધરજી ગામના લાભાર્થીએ તા. પં.ના પૂર્વ સભ્ય સામે 10, હજાર માંગ્યાની ઓડિયો ક્લિપ વાઈરલ કરી
• ગામના પૂર્વ સરપંચ સામે પણ મકાન સહાયમાંથી કટકી કરાયાના આક્ષેપો સામે આવ્યા
•સરકારની વિવિધ યોજનામાંથી મકાન માટે સહાય મેળવી આપવાની કામગીરીમાં કટકી
• ગરીબ અને અભણ લાભાર્થીઓ પાસેથી મહેનતાણા પેટે રકમ ઉઘરાવી હોવાનું સામે આવ્યું
સંજય જાની (અપના મિજાજ- ન્યુઝ)
બાવળા તાલુકાના છેવાડાના ધરજી ગામે વસવાટ કરતાં ગરીબ અને પછાત વર્ગના લોકોને મકાન બનાવી આપવા માટે સરકારની વિવિધ યોજના માંથી સહાય અપાવવાના બહાને ગામના પૂર્વ સરપંચ- અમદાવાદ જિલ્લા પંચાયતના સભ્ય,તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય સામે 10-10 હજાર રૂપિયા ઉઘરાવી લીધા હોવાના આક્ષેપો સામે આવતાં ભારે ચકચાર મચી છે. એટલું જ નહીં ગામના એક ગરીબ લાભાર્થી પાસેથી ૧૦,૦૦૦ રૂપિયાની માગણી કરતાં તાલુકા પંચાયતની ન્યાય સમિતિના પૂર્વ ચેરમેનની ઓડિયો ક્લિપ પણ એ લાભાર્થીએ વાઈરલ કરતાં ભાજપના કહેવાતાં નેતાઓ ગરીબોને પણ ‘લુછી’ લેવામાં પાછા નહીં પડતા હોવાની છાપ ઉપસી આવી છે. ઉલ્લેખનીય છે કે ઓડિયો ક્લિપ વાઈરલ થતાં લેભાગુ તત્વોમાં દોડધામ મચી ગઇ છે.
ધરજી (દુર્ગી) ગામના વિસાભાઇ ઉર્ફે વિષ્ણુ દેવીપુજકે આ અંગે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તેઓને તેમના જ ગામના ધીરાભાઈ પઢારા કે જેઓ બાવળા તાલુકા પંચાયતના સભ્ય હતા અને અહીંની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે. જેઓએ તેનું જુનુ મકાન નવુ બનાવવા માટે સરકારમાંથી આર્થિક સહાય મેળવી આપશે તેવું કહી સરકારી યોજનાની સહાય માટે દસ્તાવેજી કાર્યવાહી કરી આપી હતી. જે બાદ લાભાર્થીને અંદાજે રૂ.૧,૨૦ હજારની પંડિત દિન દયાળ યોજનામાંથી મકાન બનાવવા માટે મંજૂર થયા હતા. જે રકમ લાભાર્થીને ત્રણ હપ્તામાં ચૂકવવાની થાય છે. જેમાંથી લાભાર્થીને પ્રથમ ૪૦ હજારનો હપ્તો તેમના બેંક એકાઉન્ટમાં સરકારમાંથી ચુકવી દેવામાં આવ્યો છે. જે ૪૦ હજાર રૂપિયા સરકારમાંથી આવ્યા તેમાંથી તાલુકા પંચાયતના પૂર્વ સભ્યએ લાભાર્થી પાસે ૧૦,૦૦૦ રૂપિયાની માગણી કરી હોવાની ઓડિયો ક્લિપ અરજદારે વાઈરલ કરતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. એટલું જ નહીં અમુક લાભાર્થીઓએ તો પોતાને નવું મકાન બનાવવા સરકારમાંથી સહાય મળશે તેવી આશાએ પોતાના જૂના અને જર્જરીત મકાન જમીન દોસ્ત કરી નાખ્યા છે. પરંતુ જે યોજનાનો લાભ લેવા માટે દસ્તાવેજી કાર્યવાહી કરી હતી તેમાંથી સરકાર તરફથી એક ફદીયુ પણ લાભાર્થીને ચુકવવામાં આવ્યુ નથી. જેથી મકાન છેલ્લા 10 વર્ષથી એમના એમ પડ્યા રહ્યાં હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
મકાન સહાયમાં મહેનતાણા પેટે લાભાર્થીની રકમમાંથી કટકી કરવામાં આવી રહી છે આ બાબતે તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય ધીરાભાઈ પઢારે સરકારી સહાયમાંથી કટકી કરતી કોઈ રકમ માગી ન હોવાનું કહી ખુલાસો કરતા જણાવ્યું હતું કે લાભાર્થી વિશા ઉર્ફે વિષ્ણુ દેવીપુજકને તેઓએ 10,000 રૂપિયા ઉછીના આપ્યા હતાં અને તેણે પોતાને મકાનનો હપ્તો આવી જશે ત્યારે પરત કરશે તેવું કહ્યું હતું. જેથી તેને હપ્તાની રકમ મળતા મેં તેની પાસેથી ઉછીના આપેલા રૂપિયા માગ્યા છે. પરંતુ મારા રૂપિયા પરત ન આપવા પડે એટલે તેણે ઓડિયો ક્લિપ વાયરલ કરી હોવાનું કહી તેમના ઉપર કરવામાં આક્ષેપો નકારી દીધા છે. બીજી તરફ અન્ય પાંચથી સાત લાભાર્થીઓએ પણ ગામના પૂર્વ સરપંચ તેમજ જિલ્લા પં. સભ્ય બાબુ વીરજી પઢારે પણ મકાન સહાયની રકમના દરેક હપ્તામાંથી ૧૦-૧૦ હજાર લઈ લીધા હોવાના સનસનીખેજ આક્ષેપો કર્યા છે.
•ભાજપના નેતાઓ ગરીબોને સરકારી સહાય આપવાના બહાના તળે પોતાનો આર્થિક લાભ ખાટી રહ્યા છે
નળ સરોવર કાંઠા વિસ્તારમાં આવેલા ધરજી (દુર્ગી) ગામમાં વસવાટ કરતી ગરીબ અને પછાત વર્ગની પ્રજાના નેતા બની દેશની સૌથી મોટી અને શિસ્તબદ્ધ પાર્ટીનાં કાર્યકર્તા ગરીબ અને ભોળી પ્રજાને સરકારની વિવિધ યોજનાઓમાંથી આર્થિક લાભ અપાવવા મદદરૂપ બને છે પરંતુ આ મદદની પાછળ આવા કહેવાતા લેભાગુ નેતાઓનો સરકારી સહાયમાંથી આર્થિક લાભ ખાટી લેવાનો ‘સ્વાર્થ’ માત્ર હોય છે તે વાત અહીં સાબીત થઈ રહી છે. ઉચ્ચકક્ષાએ બેઠેલા ભાજપના નેતાઓએ આવા પોતાના લેભાગુ કાર્યકરો સામે કાર્યવાહી કરવી જોઇએ તેવી માગણી પણ ગરીબ લાભાર્થીઓ કરી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટી શિષ્તતાને વરેલી હોવાની વાતો હવે માત્ર ‘વાતો’ જ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી અનેક પ્રકારના કૌભાંડો આ પાર્ટીમાં જોડાયેલા લોકો સાથે ઉજાગર થયા છે. એટલે અહી ‘શિસ્ત’ ની વાત ફાટેલા ઢોલ જેવી સાબિત થઇ રહી છે. ધરજી (દુર્ગી) ગામે ગરીબ અને અભણ લોકોને પાકા મકાનો બનાવવા માટેની વિવિધ યોજના હેઠળ આર્થિક સહાય મેળવી આપવાના બદલામાં હજારો રૂપિયાનું ઉઘરાણું કરી લેનાર ભાજપના કહેવાતા સ્થાનિક નેતાઓની તપાસ કરાવી જો આ બાબત સત્ય નીકળે તો ઉચ્ચ કક્ષાએ બેઠેલા ભાજપ હાઈકમાન્ડના નેતાઓએ લાભાર્થીઓના હકની ચલણી નોટો ચરી જનારા માનવરૂપી આખલાઓને ઘરના ખૂટે બાંધી દેવા આગળ આવવું જોઈએ તેવો જનમત પણ સામે આવ્યો છે.
•’વિકસતી જાતિ કલ્યાણ’ના નામે આખું વહીવટીતંત્ર કામ કરે છે પણ ‘કલ્યાણ’ કોનું થાય છે? તપાસ થવી જરૂરી
રાજ્યમાં વિકસતી જાતિ તેમજ આદિજાતિ સહિતના પછાત વર્ગમાં આવતા લોકોના ‘કલ્યાણ’ માટે રાજ્યના પાટનગરથી લઇ જિલ્લા અને તાલુકા મથકો પર વહીવટી તંત્ર પોતાની કચેરીઓ ખોલીને કામગીરી કરી રહ્યું છે. આ કચેરીનું કામ પણ પછાત અને વિકસતી જાતિના કલ્યાણ માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવતી વિવિધ યોજનાઓનો લાભ તેમને તંદુરસ્ત રીતે મળી શકે તેવો હેતુ છે. પરંતુ બાવળા તાલુકામાં પ્રકાશમાં આવેલી મકાન સહાય યોજના હેઠળ લાભાર્થીઓને લાભ આપવાના બદલે લેભાગુ તત્વો કહેવાતા ભાજપના આગેવાનોએ લાભ લઈ પોતાનું આર્થિક ‘કલ્યાણ’કરી લીધું છે. આ બાબતે સરકારમાં બેઠેલા લોકોએ તેમજ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ તલસ્પર્શી તપાસ કરી જો લાભાર્થીઓની વાત સાચી હોય તો આવા લેભાગુ તત્વો સામે કાનૂની કાર્યવાહી કરવી જોઇએ તેવી માગણી પણ અહીંથી બુલંદ થઈ રહી છે.