આગામી અષાઢી બીજના અમદાવાદ સહિતના વિસ્તારોમાં યોજાનારી રથયાત્રામાં દારૂ પીને છાકટા બનનારા તત્વો અને દારૂનું વેચાણ કરનારા લોકોને ડામી દેવા માટે રાજ્યના જિલ્લા પોલીસ વડાએ ખાસ ડ્રાઈવ રાખવામાં આવી છે. અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવે આ અંગે કામગીરી કરવા સ્થાનિક ગુના શોધક શાખાને સુચના આપતા શાખાના જાંબાજ પોલીસ ઇન્સ્પેક્ટર દિવાનસિંહ બી. વાળાએ આ અંગે અસરકારક કામગીરી કરવા કવાયત હાથ ધરી હતી. જેના ફળ સ્વરૂપે એલસીબીના હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ વાઘેલા, રાજુજી ઠાકોરને સંયુક્ત રીતે મળેલી બાતમી આધારે વિરમગામ તાલુકાના ભાવડા ગામની સીમમાં દરોડો પાડી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.
એલસીબીએ અહીંથી ૬૪૮ પેટી દારૂની બોટલ નંગ ૧૪,૮૧૨ કુલ કિંમત રૂ.૩૦.૨૨ લાખ એક ટ્રક, દારૂ ભરવા આવેલી ૧૦ ફોરવીલર ગાડી સહિત કુલ રૂ.૬૭.૪૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂ કટીંગ કરાતો હતો તે જ સમયે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એલ.સી.બી.એ દરોડો પાડતા સીમાળામાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે અહીંથી મોસીમ ઈલીયાસ ગોસી, ધવલ ઉર્ફે જીગર સુરેશ ચૌહાણ અને મુકેશ કેશાજી માળીની ધરપકડ કરી હતી. જ્યારે ચાર શખ્સો સહિત દારૂ ભરવા આવેલા 15 જેટલા લોકો સ્થળ ઉપરથી ભાગી જતાં તેમને વોન્ટેડ જાહેર કરાયા છે. અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એલસીબીએ કરેલી લાલ આંખથી બુટલેગર તત્વોમાં ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.
•એલસીબી ટીમના આ અધિકારી- કર્મચારીઓ કામગીરીમાં જોડાયા
વિરમગામ ગ્રામ્ય પોલીસ મથકની હદમાં દારૂનું મોટા પ્રમાણમાં કટીંગ થતું હતું તે જ સમયે ગ્રામ્ય એલસીબી ત્રાટકી હતી જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડીબી વાળા, પી.એસ.આઇ જીએમ પાવરા, હેડ કોન્સ્ટેબલ રાજુજી જામાજી, જયદીપસિંહ રાજેન્દ્રસિંહ, ઈસ્માઈલબેગ મહેબૂબબેગ, કપિલદેવ સિંહ ઇન્દ્રસિંહ, અજયસિંહ મહિપતસિંહ, કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ હરિસિંહ,ચમનભાઈ ગોવિંદભાઈ, અનુપસિંહ ભારતસંગ, વિજય કુમાર કાંતિલાલ, પૃથ્વીરાજ સિંહ બળવતસિંહ અને એ.એસ.આઇ હરિશ્ચંદ્રસિંહ પ્રભાતસિંહ જોડાયા હતા.