Apna Mijaj News
Breaking Newsદર્દ ભરી દાસ્તાન

કિસ્સા કલોલ કા : હે ભગવાન તેં આ શું કર્યું?

નવજાત આ દુનિયામાં આંખો ખોલે તે પૂર્વે જ હંમેશને માટે પરત પરલોક સિધાવી ગયું

રેફરલ હોસ્પિટલમાં કાર્યરત પૃથ્વી પરના કથિત ભગવાન દયાહીન નીકળ્યા ના આક્ષેપ

ગરીબ પરિવારની મહિલા પ્રસુતિ પીડાથી કણસતી રહી પણ કોઈ તબીબ-નર્સ જોવા ન આવ્યાં

ભોગ બનનારના પરિવારજનોએ હૃદય હચમચાવી મૂકે તેવી બીના વર્ણવતા કંપારી છૂટી જાય તેમ છે

સંજય જાની (અપના મિજાજ)

     કલોલની રેફરલ હોસ્પિટલમાં ગત બુધવારે પ્રસૂતિ માટે આવેલી મહિલાને અહીંના ફરજ ઉપરના સ્ટાફે પ્રસુતિ વિભાગમાં દાખલ કરી દીધી. પરંતુ તેની સારવાર માટે અહીંનો કોઈ જ તબીબ સહિતનો સ્ટાફ હાજર નહીં હોવાથી મહિલાને પ્રસુતિ પીડા ઉપડતાં તે કણસતી રહી પરંતુ પૃથ્વી પરના કથિત ભગવાન હોસ્પિટલમાં ક્યાંય પણ નહીં દેખાતા અંતે તેના સંતાને આ દુનિયામાં જન્મતો લીધો પરંતુ તે ગણતરીની સેકન્ડોમાં જ પરત અનંતની વાટે જતો રહેતાં પરિવારની ખુશી પલભરમાં ભારે દુઃખમાં પલટાઇ ગઇ હતી. પરિવારજનોએ જ્યારે અપના મિજાજ”સાથે વાત કરી પોતાની આપવીતી વર્ણવી ત્યારે ભલભલા કઠણ કાળજાના માનવીનો અંતરાત્મા પણ હચમચી ઊઠે તેવી વેદના તેમના મુખમાંથી પડતા એક એક શબ્દ અને આંખમાંથી ટપકતા આંસુમાં જોવા મળતી હતી.
આ તંદુરસ્ત “ફુલડુ” મુરઝાઈ ગયું
      મૂળ ઊંઝા તરફનો પરિવાર ધંધા રોજગાર માટે કલોલમાં આવીને વસ્યો છે. દંતાણી પરિવારની કાજલબેન બીજા સંતાનની માતા બનવાની હતી. જેની ખુશીમાં આખો પરિવાર ઝૂમી રહ્યો હતો. આખરે, પરિવારમાં ખુશાલીનો દિવસ નજીક આવ્યો અને ગત બુધવારે તા. ૧૫ જુનના કાજલબેનને પ્રસુતિ માટે કલોલની રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં તેમને દાખલ કરાયા બાદ મોડી સાંજે તેઓને પ્રસવ પીડા ઉપડતાં પરિવારજનો હોસ્પિટલમાં હાજર ગાયનેક તબીબ તેમજ નર્સને બોલાવવા માટે દોડ્યા હતાં. પરંતુ પ્રસૂતાના પતિ અને અન્ય પરિવારજનોએ આક્ષેપ કરતા કહ્યું કે સમયે હોસ્પિટલમાં કોઈ તકલીફ કે નર્સ હાજર નહોતા. બીજી તરફ પ્રસુતિ પીડાથી કણસતી કાજલબેનનું બાળક જન્મ લેવા જઈ રહ્યું હતું. પરંતુ તેમની પ્રસૂતિ કરાવવા માટે કોઈ જ જવાબદાર નહીં મળવાથી ત્યાં ઉપસ્થિત એક સફાઈ કામદાર બહેનને પરિવારજનોએ 500 રૂપિયાની રકમ આપી પ્રસૂતિ માટે મદદરૂપ થવા કહેતા સફાઈ કામદાર બહેને પ્રસુતિમાં મદદ કરી હતી. જોકે, માતાના ગર્ભમાંથી આ દુનિયામાં નાની એવી પગલી મૂકનાર બાળક રડતું ના હોઇ રહી રહીને હોસ્પિટલમાં ડોકાયેલા કોઈ જવાબદાર નવજાત અને તેની જનેતાને ગાંધીનગર સિવિલ લઇ જવાનો માર્ગ બતાવી દીધો હતો.
        પરિવારજનોએ આક્રોશપૂર્વક કલોલ રેફરલ હોસ્પિટલના સત્તાધીશો સામે આક્ષેપ કરતા કહ્યું હતું કે, 1000 રૂપિયા જેટલી રકમ ખર્ચી નવજાત અને તેની માતાને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતાં. જ્યાં તબીબે નવજાતને મૃત જાહેર કર્યું હતું. આથી પરિવારજનો બાળકના નશ્વર દેહ સાથે પરત કલોલની રેફરલ હોસ્પિટલમાં આવ્યા હતાં. જ્યાં કાજલબેનને પુનઃ દાખલ કરવામાં આવ્યા હતા અને પરિવારજનોએ મૃત બાળકની અંતિમ ક્રિયા નિપટાવી હતી. બનાવની જાણ શહેરના અમુક સેવાભાવી લોકો તેમજ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ નિલેશ અગ્રવાલ તેમજ ચિંતન ત્રિવેદીને થતા તેઓ આજે ગુરુવારે હોસ્પિટલ દોડી ગયા હતા અને આખ ઘટના શું છે તે અંગે પૂછા કરી હતી. જ્યાં ભોગ બનનાર પરિવારજનોએ પોતાની આપવીતી વર્ણવતા આગેવાનોએ હોસ્પિટલ સત્તાધિશોને આ બાબતે આડે હાથ લઇ ગરીબ પરિવારને ન્યાય મળે તે દિશામાં પોતાની ગતિવિધિ તેજ કરી છે.

હોસ્પિટલમાં ગાયનેક તબીબ સહિતનો સ્ટાફ હાજર હતો કે નહીં? બેદરકારી સામે આવે તો પગલાં ભરવા જોઇએ

      રેફરલ હોસ્પિટલમાં તબીબોની બેદરકારીથી એક નવજાત બાળક આ દુનિયામાં આંખો ખોલે તે પૂર્વે જ પરલોકની વાટે સિધાવી ગયું છે. જેમાં હોસ્પિટલમાં ગાયનેક તબીબ સહિતનો સ્ટાફ હાજર ન હોવાના આક્ષેપ પરિવારજનોએ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યા છે. હોસ્પિટલમાં તબીબી સ્ટાફ અને નર્સ હાજર હતા કે નહોતા તે અંગેના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે, અથવા તો આક્ષેપો પાયાવિહોણા છે તેવું જે તે તબીબ અને નર્સિંગ સ્ટાફે મજબૂત રીતે પુરવાર કરવું પડે તેવી પરિસ્થિતિ અહીં નિર્માણ થઇ છે. જોકે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કહ્યું છે કે આ અંગે જો બેદરકારી સામે આવશે અને ગરીબ પરિવારને ન્યાય નહીં મળે તો આંદોલન સહિતના કાર્યક્રમો પણ અપાશે. એટલું જ નહીં તેઓએ આ અંગે રાજ્યના મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને આરોગ્ય સચિવ સહિતના લોકો સમક્ષ રજૂઆત કરી બનાવની સચ્ચાઇ બહાર લાવવા તેમજ હોસ્પિટલમાં બે જવાબદારી ભર્યું વલણ અખત્યાર કરનાર લોકો સામે આકરા પગલાં ભરવા માગણી બુલંદ કરી છે.

રેફરલ હોસ્પિટલ તાકીદના સમયે સેવા આપવામાં હંમેશા વિવાદમાં રહી છે

      કલોલ શહેર કે તેના આસપાસના વિસ્તારમાં બનતી ઘટનાઓ તેમજ તાકીદની જરૂરિયાત સમયે પૂરતી આરોગ્ય સેવા અહીંની રેફરલ હોસ્પિટલનો સ્ટાફ આપી નથી શકતો તેવા અનેક દાખલા ભૂતકાળમાં સામે આવેલા છે. શહેરમાં કોલેરા, પાણીજન્ય રોગચાળો, કોરોના મહામારી જેવી અનેક બાબતોમાં રેફરલ હોસ્પિટલનો સ્ટાફ પોતાની સેવા આપવામાં બે કાળજી ભર્યો રહ્યો હોવાની બાબત છાશવારે પ્રકાશમાં આવતી રહી છે. લાખો- કરોડો રૂપિયાના ખર્ચ પછી નવી બનેલી હોસ્પિટલમાં વર્ષો જુના ખખડી ગયેલાં તબીબો સહિતનો સ્ટાફ મનસ્વી વર્તન કરતો હોવાની વાત પણ સપાટી ઉપર આવી છે ત્યારે નગરજનો હવે રેફરલ હોસ્પિટલમાં દાનત સાફ રાખી નીતિમત્તા અને નિષ્ઠાથી પોતાની ફરજ બજાવે તેવો સ્ટાફ સરકાર દ્વારા મૂકવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે.

•મિ. આરોગ્ય મંત્રી, જો તમારી પાસે સમય હોય તો પ્રસુતા મહિલાની દર્દનાક દાસ્તાન સાંભળવા જરૂર જજો

      રેફરલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપવા આવેલી કાજલબેન દંતાણી હંમેશને માટે પોતાનું સંતાન ગુમાવી ચૂકી છે. પરંતુ પરિવારજનોએ હજુ તેનું સંતાન આ દુનિયામાં નથી તેવી જાણ તેને કરી નથી. પ્રસૂતાની માતા કાળી બેને પોતાની આંખોમાંથી ચોધાર આંસુ ઉપાડતા કહ્યું હતું કે, બાળકના જન્મ પછી મારી દીકરીને જે ટાંકા લેવા પડે તે ટાંકા કલાકો બાદ લેવામાં આવ્યા છે. જે ૦૮ થી ૧૦ ટાંકા હોઈ શકે પરંતુ મારી દિકરીની હાલત એટલી હદે ખરાબ થઈ ગઈ હતી કે તેને ૨૨થી વધુ ટાંકા લેવાની ફરજ પડી છે. એટલું જ નહીં દીકરી પૂછે છે કે મારું બાળક ક્યાં છે તો અમે તેને બાળક થોડું નબળું હોવાથી પેટીમાં મૂક્યું હોવાનું કહ્યું છે. જોકે તેને વાસ્તવિકતાની ખબર પડશે તો તેના ઉપર શું વીતશે તેની અમે કલ્પના પણ કરી શકતા નથી. અહીં બનેલી ઘટના અને પરિવારજનોએ કરેલા આક્ષેપો સામે રાજ્યના આરોગ્ય મંત્રી કલોલ રેફરલ હોસ્પિટલની મુલાકાત લઈ પરિવારજનોની દાસ્તાન સાંભળે તો તેમનું હૃદય પણ કંપારી છોડી દે તો નવાઈ નહીં.

Related posts

પાટણમાં નરાધમે વિદ્યાર્થીનીને છરીના ઘા ઝીંક્યા

ApnaMijaj

કલોલમાં પરિવારને અમેરિકા મોકલવા 1.10 કરોડમાં સોદો , પૈસા ન મળતાં ફાયરીંગ કર્યું

ApnaMijaj

સુરતમાં 12 વર્ષીય બાળકીની દુષ્કર્મ બાદ હત્યાથી ચકચાર

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!