Apna Mijaj News
અન્યાય સામે અવાજ

મહેસાણા અંડરપાસનો ૬૫.૬૫ કરોડથી વધી ૧૪૧કરોડનો વિકાસ

અંડરપાસના કામ અંગેની અંદરની સાચી માહિતી આપવામાં પણ જવાબદારોને કાંટા વાગે છે?!

૬૫.૬૫ કરોડ રૂપિયાનું કામ 141 કરોડ રૂપિયામાં કેવી રીતે પહોંચી ગયું? જનતા પૂછે પણ જવાબ કોણ આપે?

ટેન્ડરિંગ પ્રક્રિયામાં પણ એલ-1 એજન્સીને હાંસિયામાં ધકેલી એલ-2 એજન્સીને લાભ કોણે અપાવ્યો?

સંજય જાની, અપના મિજાજ- ન્યુઝ

      મહેસાણા શહેરમાં લોકોને ટ્રાફિક સમસ્યાથી છુટકારો અપાવવા માટે મોઢેરા ચોકડી પાસે અંડરપાસનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જે અંડરપાસનું કામ રૂ.૬૫.૬૫ કરોડના ખર્ચે કરવા માટેનો કોન્ટ્રાક્ટ એક એજન્સીને આપવામાં આવ્યો છે. કહેવાય છે કે, ટેન્ડર પ્રક્રિયા વખતે અંડરપાસનું કામ કરવા માગતી એક એજન્સીને પસંદ કરવામાં આવી હતી અને તેનું ટેન્ડર એલ -1 તરીકે ખુલ્યું હતું. પરંતુ મલાઈદાર કામ મેળવવા માટે અન્ય એક એજન્સી એટલે કે ટેન્ડરમાં એલ-2 આવેલ કંપનીને મોટા ગજાના રાજકીય આગેવાનના આશીર્વાદથી લાભ આપી દેવામાં આવ્યો હોવાનો ગણગણાટ ઉભો થયો છે. ટેન્ડરિંગ નિયમ પ્રમાણે કહેવાય છે કે અંડરપાસનું કામ ૧૮મહિનામાં પૂર્ણ કરવાનું હતું. જે કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરી શકાઈ નથી. બીજી તરફ માર્ગ અને મકાન વિભાગના જવાબદારો દ્વારા અંડરપાસનું કામ કરતી એજન્સીને ૩૦ વખત નોટિસો ફટકારવામાં આવી હોવાનું કહેવાય છે. તેમ છતાં કોન્ટ્રાક્ટર ઉપર તેની કોઈ જ અસર દેખાતી નથી.

      મહેસાણા શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન રહે તે માટે કરોડોના ખર્ચે અંડરપાસ ભલે બનતો પરંતુ આ અન્ડરપાસનું કામ મંથર ગતિએ ચાલતું હોઇ તાત્કાલિક ધોરણે કામ પૂર્ણ કરી અંડરપાસ બ્રિજ જનતાની સેવામાં ખુલ્લો મુકવા માટે અહીંની પાલિકાના વિપક્ષી નેતા કમલેશ સુતરીયા, કોંગી અગ્રણી ભૌતિક ભટ્ટ અને બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે બે ચાર દિવસ પૂર્વે માગણી બુલંદ કરી હતી.. એટલું જ નહીં કોંગ્રેસના આ ત્રણ આગેવાનોએ અંડરપાસ બ્રિજમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર પણ થયો હોવાના આક્ષેપ કર્યા છે. બીજી તરફ મૂળ ખર્ચ કરતા વધુ પ્રમાણમાં કરોડો રૂપિયાની રકમ અંડરપાસ બ્રિજના નિર્માણમાં ખર્ચાઈ ગઈ હોવા છતાં જોઈએ તેવી કામગીરી કરવામાં ન આવી હોવાની પણ હૈયા વરાળ તેઓએ ઠાલવી કોન્ટ્રાક્ટર પ્રત્યે અહીંના સ્થાનિક ધારાસભ્ય તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ રહેમ દ્રષ્ટિ રાખી રહ્યા હોવાના પણ આક્ષેપો કર્યા છે. બીજી તરફ કોન્ટ્રાક્ટ એજન્સીના જવાબદારો કહી રહ્યા છે કે ડામર મળતો ન હોવાથી કામ મોડું થઈ રહ્યું છે.

શું અંડરપાસ બનવાથી જનતાની સમસ્યા ઓછી કરી શકાશે?

       શહેરના મોઢેરા ચોકડી પાસે કરોડો રૂપિયાના આંધણ પછી નિર્માણ કરવામાં આવેલ અંડરપાસ જનતાની સમસ્યા ઓછી કરી શકશે? આવો પ્રશ્ન શહેરના અનેક લોકો પૂછી રહ્યા છે. જાણકાર સૂત્રો કહે છે કે અહીં અંડરપાસ બનાવ્યા બાદ આજુબાજુના માર્ગ પહોળા કરવામાં આવ્યા છે પરંતુ એ માર્ગના કિનારે ખડકાયેલા શોપિંગ સેન્ટરો અને બસપોર્ટ આસપાસ વાહન પાર્કિંગની મોટી સમસ્યા ઊભી થશે. જો અહીં ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હોત તો બ્રિજની નીચે વાહન પાર્કિંગ કરી શકાતા તેમ જ નાના મોટા લારી-ગલ્લા લઈને બેસતા ધંધાર્થીઓને રોજગારી તડકાથી મુક્ત થઈને છાયડામાં મળી શકે તેમ હતી. પરંતુ કોઇની લાલસા અને સંભવત મનઘડત નિર્ણયથી કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ લોકોની સમસ્યા નિવારી નહીં શકાય તે પણ એક વાસ્તવિકતા છે.

Related posts

AMTS બસના ચાલકની શાન ઠેકાણે લાવો…

ApnaMijaj

મિ.આરોગ્ય મંત્રી, હાંફતી મહેસાણા સિવિલના શ્વાસ થંભી જાય તે પહેલા ચમત્કાર કરો

ApnaMijaj

સરકારની બેધારી નીતિ સામે મહેસાણા કોંગ્રેસના આગેવાનોએ બતાવ્યો આકરો મિજાજ: પોલીસને કહ્યું તમે ભાજપની નોકરી કરો છો કે પ્રજાની ?

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!