મહેસાણાના મુખ્ય બજારમાં આવેલા અને જર્જરિત થઈ ગયેલા વણીકર શોપિંગ સેન્ટરના સંચાલકોને આજે બપોરે નગરપાલિકાએ નોટિસ ફટકારી જર્જરીત બિલ્ડિંગના ખાલી કરી દેવા ચેતવણી આપી છે. જોકે નોટિસ અપાયાના ગણતરીના સમયમાં જ વણીકર શોપિંગ સેન્ટરના બીજા માળે ચણવામાં આવેલી સેફ્ટી વૉલ (કઠેડો) આજે મંગળવારની સાંજે સાત વાગ્યાના અરસામાં કકડભૂસ થઈને મુખ્ય માર્ગ ઉપર પડ્યો હતો. ધડાકાભેર કઠેડાનો મલબો શોપિંગ સેન્ટરની નીચે પાર્ક કરેલા વાહનો ઉપર પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દિવાલ પડવાના કારણે અંદાજે પાંચથી સાત વાહનો જોતજોતામાં ભંગારમાં ફેરવાઈ ગયા હતા.
મહેસાણા વણીકર શોપિંગ સેન્ટરની દિવાલ પડી હોવાની વાત જાણીને લોકોના ટોળેટોળા આ બનાવના સ્થળે ઉમટી પડ્યા હતા. પાલિકાના નગરસેવક સંજય બ્રહ્મભટ્ટ સહિતના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જર્જરિત બિલ્ડીંગની દિવાલ વધુ કોઇ નુકસાન ન કરે તે માટે પાલિકાની સલામતી ટીમને સાથે રાખીને નુકસાનકારક સાબિત થાય તે પૂર્વે દિવાલને સલામત રીતે નીચે ઉતારી લેવામાં આવી હતી. બચાવકામગીરી સમય મોડી સાંજે આ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રાખવાથી અંધકાર છવાયો હતો. જોકે બનાવમાં કોઈ વ્યક્તિને ઇજા કે જાનહાનિ થઈ હોય તેવા અહેવાલ મળ્યા નથી. બનાવના પગલે ડિઝાસ્ટરની ટીમ મહેસાણા શહેર ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ, પીએસઆઇ સહિતનો સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો.
ઘટના અંગે વાત કરતા મહેસાણા નગરપાલિકાના કારોબારી ચેરમેન કૌશિક વ્યાસે ‘અપના મિજાજ’ને જણાવ્યું હતું કે પાલિકા દ્વારા આજે બપોરે જ વણીકર ટ્રસ્ટની મિલકત એવા આ વણીકર શોપિંગ સેન્ટરના સંચાલકોને આજે બપોરે જ બિલ્ડીંગ જર્જરિત હોવા અંગેની નોટિસ આપી ખાલી કરી દેવા આવ્યું છે અને નોટીસ આપ્યા ના ગણતરીના સમયમાં જ આ ઘટના બની છે. શોપિંગ સેન્ટરમાં ભાડા ઓછા હોવાથી વેપારીઓ ખખડધજ બિલ્ડિંગોમાં પણ પોતાના ધંધા વ્યવસાય ચાલુ રાખી રહ્યા છે. જે ભયજનક છે.પાલિકા તંત્ર દ્વારા પોતાની માલિકીના શોપિંગ સેન્ટરના વેપારીઓને નોટિસ આપવામાં આવે છે. પરંતુ તેઓ નોટિસ સ્વીકારતા ન હોઇ રજીસ્ટર એડી દ્વારા નોટિસ પાઠવીને બિલ્ડીંગ જર્જરિત છે.તો ખાલી કરી દેવા જણાવવામાં આવે છે. પરંતુ વેપારીઓ પણ ત્યાં બેઠા બેઠા ફૂંક મારે છે કે અમને પાલિકા નવું સેટિંગ સેન્ટર બનાવી આપે. જોકે વેપારીઓ આ અંગે પાલિકાના સત્તાધીશો સાથે વિચાર-વિમર્શ કરે બેઠક કરે તો યોગ્ય નિર્ણય કરી શકાય તેમ છે.
•પાલિકા તંત્ર જેમ દબાણ હટાવવા કડકાઈ કરે છે તેમ જ રીત બિલ્ડિંગમાંથી લોકોને બહાર કાઢે, નોટિસથી કંઈ વળે નહીં
મહેસાણામાં આજે જર્જરિત બિલ્ડીંગની દિવાલ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, સાથે નીચે કોઈ વ્યક્તિ ના હોઇ કોઈને કોઈ ઈજા કે જાનહાનિ નો બનાવ બનતા ચમત્કારિક રીતે અટકી ગયો છે. બીજી તરફ એક ચર્ચા એવી પણ છે કે નગરપાલિકાના સત્તાધીશો શહેરમાં આવેલી અનેક જર્જરિત બિલ્ડીંગો અને મકાનોને ઉતારી લેવા માટે ચોમાસા પૂર્વે વર્ષોથી માત્ર નોટિસ આપી રહ્યા છે. પરંતુ આજ સુધી એ રીતની કોઈ જર્જરિત બિલ્ડીંગ કે મકાન તેના માલિકોએ ઉતારીને સુરક્ષિત કર્યા ન હોવાનું જાણવા મળ્યું છે. જનમત મુજબ પાલિકાના સત્તાધીશો જે રીતે દબાણ હટાવવા માટે કડકાઈ દાખવે છે તેવી રીતે જ શહેરમાં આવેલા જર્જરિત બિલ્ડીંગો અને મકાનો ઉતારી લેવા માટે તેના માલિકો સામે લાલ આંખ કરે તે જરૂરી બન્યું છે. અન્યથા, આવનારા દિવસોમાં પાલિકાના માથે કાળી ટીલી લાગી શકે અને અકસ્માતનો ભોગ બનનાર લોકોને પસ્તાવા સિવાય કંઈ જ હાથમાં નહીં રહે.