અમદાવાદના પોશ વિસ્તારોના બંગલાઓમાં રિક્ષામાં દારૂની હોમ ડિલિવરીના વેપલાનો સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે પર્દાફાશ કરીને વિદેશી દારૂની 25 બોટલ સાથે એક યુવકને દબોચી લીધો છે. જ્યારે આ કેસમાં બે વ્યક્તિને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે. મેગાસિટીના અતિ પોશ વિસ્તાર ગણાતા સિંધુભવન રોડ ઉપર રિક્ષાચાલકના સ્વાંગમાં આસપાસના બંગલાઓમાં દારૂની બોટલ સપ્લાય કરતી હોવાની બાતમી આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વોચ ગોઠવીને રિક્ષાચાલક દારૂના વેપારીને પકડી પાડ્યો હતો.
સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાય અને ડી.વાય.એસ.પી કેટી કામરીયાની સૂચનાથી પીએસઆઇ આર.કે સોલંકી અને તેમની ટીમે બાતમી આધારે સિંધુભવન રોડ ઉપર વોચ ગોઠવી હતી અને રીક્ષામાં વિદેશી દારૂ ભરીને અહીંના બંગલાઓમાં હોમ ડીલેવરી કરતા રિક્ષાચાલક કેવલ પરમાર (રહે. સુદર્શન સોસાયટી, પ્રેરણાતિર્થ રોડ, જોધપુર)ને પકડી પાડ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રિક્ષામાં તપાસ કરતા તેમાંથી 25 બોટલ વિદેશી દારૂની મળી આવી હતી. પોલીસે દારૂ, રોકડ અને બે વાહન મળી કુલ એક લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસે પકડાયેલા રિક્ષાચાલક કેવલની પૂછપરછ કરતા તેણે કહ્યું હતું કે, તે સિંધુભવન આસપાસના વિસ્તારોમાં માલેતુજાર લોકોને ડિમાન્ડ પ્રમાણે દારૂની ડિલિવરી કરતો હતો. કોઈને શંકા ન જાય તે માટે રિક્ષામાં દારૂ લાવી રિક્ષા પાર્ક કરી બંગલામાં દારૂ પહોંચાડતો હતો. દારૂ સપ્લાયના આ વેપલામાં અંકિત પરમાર, બળદેવ મકવાણા (રહે. શીલજ ઔડા હાઉસિંગ) પણ સામેલ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે પણ એ લોકો સામે ગુનો નોંધી પકડાયેલા શખ્સ અને વસ્ત્રાપુર પોલીસને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.