• ૩ લોકોની ધરપકડ કરાઈ,૭ શખ્સો વોન્ટેડ જાહેર કરાયાં
સંજય જાની- અમદાવાદ (અપના મિજાજ)
રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલના વડા તરીકે જ્યારથી જાંબાઝ પોલીસ અધિકારી નિર્લિપ્ત રાયની નિમણૂક કરવામાં આવી છે તે બાદ રાજ્યભરની પોલીસ સાબદી બની ગઈ છે. રાજ્યભરના પોલીસ મથકના જવાબદાર પોલીસ અધિકારીઓ પોતાના તાબામાં આવતા વિસ્તારમાં દારૂ-જુગાર સહિતની ગેરકાયદે પ્રવૃત્તિ સ્ટેટ વિજિલન્સ ટીમ પકડી ન પાડે તે માટે સાવધાન બની ગયા છે. છતાં આ સાવધાની વચ્ચે ગઇકાલે તા. ૧૦ જુનના દસ્ક્રોઇ તાલુકાના કણભા પોલીસ મથક તાબાના વેહલાલમાંથી સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડો પાડીને લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ભરેલું ગોડાઉન પકડી ત્રણ લોકોની ધરપકડ કરતાં કણભા વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી.
કણભા પોલીસ સ્ટેશન તાબામાં આવતા વહેલાલ ગામની જનક જીઆઇડીસીના પ્લોટ નંબર 4માં આવેલી વાઇબ્રન્ટ એસ્ટેટ-૩ એકમમાં સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયની સૂચનાથી ડીવાયએસપી કેટી કામરીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એમ.બી.રાણા સહિતના સ્ટાફે દરોડો પાડી 4,498 નંગ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો કિંમત રૂ.10.80 લાખ, મોબાઈલ ફોન સહિત રૂ.10,15,930નો કુલ મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડામાં પોલીસે શાંતિલાલ નારાયણલાલ મીના, સુરેશ નારાયણલાલ કલાસવા અને સોમા જગદીશ મીનાની ધરપકડ કરી છે જ્યારે સોનુ લક્ષ્મણસિંહ રાજપુત, રહે. સીધમ ટેનામેન્ટ વસ્ત્રાલ, રાજેન્દ્રસિંહ પારસનાથ રાજપુત, રહે. ભવાનીનગર અમરાઈવાડી, પચની એમડી, પવન, અજય, રવિન્દ્ર અને મુત્ઝાર હુશેન રહે. અમરાઈવાડીને વોન્ટેડ જાહેર કર્યા છે.