Apna Mijaj News
અંતરની વ્યથા

કથિત પત્રકારો લોકશાહીના ચોથા સ્તંભને ધ્વંસ કરી દેશે!

જિલ્લા પોલીસ અધિક્ષક છેવાડાના તાલુકા પોલીસ મથકને એલર્ટ કરે તેવી માગણી

વેપારીઓ, ફેક્ટરી માલિકો, કથિત તબીબો સહિતના લોકોને મીડિયાના નામે અપાય છે ધમકી

પોલીસ બૂટલેગરોને પકડવામાં પોતાના બાતમીદારો કામે લગાડે છે તેમ અહીં પણ કામગીરી કરવી જરૂરી

તોડબાજ કથિત મીડિયા કર્મીઓના કારણે નિષ્ઠાવાન પત્રકારોની ખરડાઈ રહી છે છબી

સંજય જાની (અપના મિજાજ)

     પ્રવર્તમાન સમયમાં મીડિયા કર્મચારી બનવાની જાણે હોડ લાગી હોય તેમ જે લોકોને પત્રકારની વ્યાખ્યા ખબર નથી તેવા લોકો પોતાને મીડિયા કર્મચારી ગણાવીને વેપારીઓ, ફેક્ટરી સંચાલકો, કહેવાતા તબીબોને ડરાવી ધમકાવીને તોડપાણી કરતા હોવાની બાબતો ઉજાગર થઇ રહી છે. રાજ્યના અનેક જિલ્લામાં આવા બનાવોમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. જો કે ક્યાંક પોલીસ સહિતના પ્રશાસન અને રાજકીય આગેવાનોને સ્પર્શતા અહેવાલ કથિત સમાચાર માધ્યમોમાં પ્રસિદ્ધ કરી સંબંધ કેળવી લીધા બાદ સીધાસાદા વેપારીઓ, ફેક્ટરી સંચાલકો અને કહેવાતા તબીબો પાસે તોડબાજીમાં પોલીસના હાથે પકડાતાં કહેવાતા મીડિયા કર્મચારીઓ સામે ક્યાંક કોઇ કાર્યવાહી થતી નથી. અથવા તો કોઈ પોલીસ અધિકારી દાનત સાફ રાખીને આવા કથિત મીડિયા કર્મચારીઓ સામે કાનૂની કાર્યવાહી કરતા હોવાની બાબત પણ સામે આવતી રહી છે. તાજેતરમાં મહેસાણા જિલ્લામાં તોડબાજ કથિત મીડિયા કર્મચારીઓની ટોળકીના આંટા ફેરા વધી ગયા હોવાની બાબત પ્રકાશમાં આવી છે. જિલ્લાના મહેસાણા, ઊંઝા, વિસનગર, ખેરાલુ અને સતલાસણા વિસ્તારમાં મીડિયા ટોળકીએ રીતસરનો આતંક મચાવ્યો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. જેથી જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી પોતાની પોલીસ સેનાને સાબદી કરી આવી ટોળકીને પકડી પાડી કાનૂની કાર્યવાહી હાથ ધરે તેવી માગણી પણ બુલંદ બની છે.

      મહેસાણા જિલ્લામાં ક્ષમતાથી વધુ રૂપિયા કમાવા માટે વેપારીઓ, ફેક્ટરી સંચાલકો, તબીબો, મેડિકલ સ્ટોર ધારકો, બિલ્ડરો સહિતના એકમો ધરાવતા લોકોના આંગણે જઈ મીડિયા કર્મચારી, હ્યુમન રાઇટ્સ, ભ્રષ્ટાચાર નિવારણ સંઘ અને ક્રાઈમ કંટ્રોલ કમિટી જેવા અનેક પ્રભાવિત કથિત સંસ્થાઓના હોદ્દેદાર (સભ્ય) હોવાના ઓળખ પત્ર બતાવી તોડબાજ ટોળકી ડારા ડફારા કરી સંબંધિત સંચાલકોને તમે જે કામગીરી કરો છો તેમાં આ ક્ષતિ છે, ફલાણી વસ્તુ ગેરકાયદે છે, તમારા વિરૂદ્ધ અમે અહેવાલ છાપી કાઢીશું, તમારા પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, પોલીસ સ્ટેશન અને કોર્ટ કચેરીના ધક્કા ખાઇને તૂટી જશો, તમે જે વસ્તુઓનું ઉત્પાદન કરો છો તેના સેમ્પલ લેબોરેટરીમાં ચેક કરવા મોકલવા પડશે આવા કંઇ કેટલાય ડાયલોગ બોલી પેઢી સંચાલકોને ડરાવી ધમકાવી અંતમાં તેમની પાસેથી મામલો રફેદફે કરવા માટે અમુક રકમની માગણી કરી રકઝકના અંતે પેઢી સંચાલક જે કંઈ રકમ આપે તે રકમ લઈને ટોળકી આજનો દિવસ ભરાઈ ગયો તેવો સંતોષ માની ચાલતી પકડી દેતી હોવાની વાત સપાટી ઉપર આવી છે.

કથિત મીડિયા કર્મચારીઓ સ્વઘોષિત નિરીક્ષકો-લેબ ટેકનીશીયન પણ બની જાય છે

      જે તે પેઢી સંચાલકો પોતે જે ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરતા હોય, વેચાણ કરતા હોય તે ચીજવસ્તુ ખાદ્ય છે કે અખાદ્ય, કોઈ તબીબ જે તેની ડિગ્રી ધરાવે છે તેનાથી સમકક્ષ કે વિપરીત પ્રકારની દવા દર્દીઓને આપી શકે કે નહીં?, મેડીકલ સ્ટોરના સંચાલક આ પ્રકારની દવા વેચી શકે કે નહીં?, બિલ્ડરોએ કેવા પ્રકારનું મટીરીયલ બાંધકામમાં વાપર્યું છે અને તેમણે કેવા પ્રકારનું મટીરીયલ વાપરવું જોઈએ આવી તમામ બાબત આ કહેવાતા મીડિયા કર્મચારીઓ પોતાને સ્વઘોષિત નિરીક્ષક- લેબ ટેક્નિશિયન સાબિત કરીને પેઢી સંચાલકો સામે ડારા ડફારા કરી તેમને ડરાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ પેઢી સંચાલકો પણ સમયના અભાવે અને કોણ માથાકૂટમાં ઉતરે તેમ માનીને આવા તત્વોથી ડરી જઈ થોડી ઘણી રકમ એ બોગસીયા મીડિયા કર્મચારીઓના ખિસ્સામાં સેરવી ‘બલા’ ટળી હોવાનો સંતોષ માની કાનૂની કાર્યવાહી કરવા આગળ પણ આવતા નથી.

બોગસીયા મીડિયા કર્મીના કારણે અધિકૃત અને નિષ્ઠાવાન પત્રકારોની છબી બગડી રહી છે

     બોગસીયા મીડિયાકર્મીઓ તોડ કરતા હોવાની બાબત માત્ર મહેસાણા જિલ્લા પૂરતી સીમિત નથી. રાજ્યના મેગાસિટી અમદાવાદ સહિતના જિલ્લામાં અનેક તોડબાજ ટોળકી મીડિયા કર્મીઓ હોવાના ઓળખપત્રો લઈ વિવિધ પ્રકારની પેઢી ધરાવતા સંચાલકોને પોતાની કમાણીનું સાધન સમજી તેમની પાસે પહોંચી જઈને ધાક ધમકીથી રૂપિયા પડાવવતી હોવાના બનાવો પ્રતિષ્ઠિત સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થયા છે. બોગસીયા મીડિયાકર્મીઓના કારણે અધિકૃત અને નિષ્ઠાવાન પત્રકારોની પણ છબી ખરડાઇ રહી હોવાથી પોલીસ પ્રશાસને તેઓ જેમ બુટલેગર સહિતના ગેરકાયદે વેપલો કરતા લોકોને પકડવા બાતમીદારો સક્રિય કરે છે તેમ બોગસ મીડિયા કર્મચારી અને પ્રભાવિત સંગઠનના ઓળખ પત્ર લઈને તોડ કરતા લોકોને પકડી પાડવા કાર્યવાહી કરવી જોઇએ તેવી માગણી પણ બુલંદ બની છે.

•માઇકના ભુંગળા લઇ પોલીસ સ્ટેશનોમાં ‘પ્રભાવ’ અને બુટલેગરોના આંગણે ‘હાઉ’ ઉભો કરાય છે

      કહેવાતા મીડિયા કર્મચારીઓ હાથમાં માઈકના ભુંગળા લઇ પોલીસ સ્ટેશનમાં પહોંચી જઈ પોતે કોઈ કાબેલ પત્રકાર હોય તેવો રોલો પાડી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે પોતાનો ‘પ્રભાવ’ ઉભો કરવા પ્રયાસ કરતા હોય છે. બીજી તરફ ભૂંગળા સાથે દેશી- વિદેશી દારૂના ધંધાર્થીઓ તેમજ અન્ય પ્રકારના ગેરકાયદે વેપલો કરતા અસામાજિક તત્વોના આંગણે પહોંચી પોતાનો ‘હાઉ’ ઉભો કરી જે ખર્ચા પાણી નીકળ્યા તે પ્રમાણે રૂપિયાનું ઉઘરાણું કરી લેતા હોવાની ચર્ચાના પ્રકાશમાં આવી છે.

લોકશાહીના ચોથા સ્તંભમાં ઘૂસી ગયેલો સડો કાઢવા માટે માહિતી વિભાગે પણ આગળ આવવું જોઈએ

     લોકશાહીના ચોથા તરીકે જેની ગણના થાય છે તેવા પત્રકારત્વ-મીડિયા ક્ષેત્રમાં બ્લેકમેઈલર, તોડબાજ કહેવાતા પત્રકારો નામનો જે સડો ઘુસી ગયો છે તેને સાફ કરવા માટે રાજ્ય અને જે તે જિલ્લાના માહિતી અને પ્રસારણ વિભાગે આગળ આવવું જોઇએ, તેવી પણ માગણી અમુક જાગૃત અને અધિકૃત પત્રકારો કરી રહ્યા છે. બોગસીયા પત્રકારોના કારણે નિષ્ઠાવાન પત્રકારોની છબી ખરડાતી બચાવવા માટે જો જાગૃત કદમ નહીં ઊઠાવવામાં આવે તો ભવિષ્યમાં લોકશાહીના ચોથા સ્તંભની વિશ્વસનીયતા ધ્વંશ થઈ જાય તેવી શક્યતાઓ અધિકૃત પત્રકારો દ્વારા જોવામાં આવી રહી છે.

Related posts

કચ્છ કોંગ્રેસના લડાયક નેતાએ રાજીનામું કેમ આપ્યું?

ApnaMijaj

મહેસાણામાં ઢોર ‘રેઢિયાળ’ છે કે તંત્ર?

ApnaMijaj

માઉન્ટ આબુમાં એવું તે શું બન્યું કે ડ્રાઈવરોએ બદદુઆ આપી કે હોટલ સંચાલકના મૃત્યુ રોડ એક્સિડન્ટમાં થવા જોઈએ….

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!