• ૩ ગામમાં નવા પોસ્ટર લગાવ્યા,GRD જવાનોને ચોકીદારી કરવા રખાયા
સંજય જાની (અપના મિજાજ)
સત્તાધારી હોવાનો નશો જ કંઈક અલગ હોય છે. લોકહૃદયમાં કેવું સ્થાન છે?, પ્રજા મારા કામથી સંતુષ્ટ છે કે નારાજ છે?, પ્રજાને કોઈ દુઃખ કે સમસ્યા તો નથી ને?, મારી રૈયત મારા માટે શું વિચારે છે? આ તમામ બાબતો જાણવા માટે રજવાડાના સમયમાં રાજા-મહારાજાઓ રાત્રે વેશ પલટો કરીને પોતાના નગરમાં વિહાર કરતા હતા. નગરચર્યા દરમિયાન રૈયતના મુખેથી જાણવા મળેલી માહિતી એકત્રિત કરી રાજા-મહારાજા બીજા દિવસે સવારે મળેલી વિગતો અનુસાર રાજ દરબારમાં તેની અમલવારી કરાવતા હતા. બાળપણમાં સાંભળેલી આ વાર્તા અહીં એટલા માટે રજુ કરી છે કે, એક વાર્તા મુજબ રાજા પ્રજાવત્સલ હોય તો સારા કામ કરાવતો અને જે પ્રજાજન પાસેથી માહિતી મળી હોય તે યોગ્ય અને ઉમદા હોય તો તે નાગરિકને રાજ દરબારમાં કે પછી રાજના કોઇ પણ સ્થાનમાં સારી નોકરી કે ઇનામ આપવામાં આવતું હતું. આમ, સત્તાધારી પોતાનો રુઆબ અને રૂતબો જળવાઈ રહે તેવા સતત પ્રયાસ કરતા રહેતા હોય છે. પરંતુ ક્યારેક રૈયતને પોતાના રાજાની કામગીરી પસંદ ન આવતી હોય ત્યારે ભલે તેમના સન્મુખ ન બોલી શકે પરંતુ રાજાનું ધ્યાન કેન્દ્રિત થાય તેવા પ્રકારનો વિરોધ કરી અમે તમારી કામગીરીથી સંતુષ્ટ નથી તેની પ્રતીતિ કરાવતા હોય છે. પોતાનો વિરોધ જોઇ રાજા પોતાની શાખ બચાવવા વિરોધીઓ સામે પડવામાં સંભવત પોતાની નાનપ સમજે, પરંતુ પોતાના મળતીયા અને પ્રશાસનને વિરોધીઓને ડામી દેવાનો આદેશ આપી પોતાને તીસમારખાં સમજતા હોય છે. હવે, આવી જ એક ઘટના વિસનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી છે. જ્યાં અહીંના રાજા એટલે કે ધારાસભ્ય તેમજ રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે વિકાસ કામોના લોકાર્પણ પ્રસંગનો પ્રચાર પ્રસાર કરતા પોસ્ટરો કોઈ અસંતુષ્ટ પ્રજાજનોએ ફાડી પોસ્ટરમાં લાગેલા મંત્રીના ચહેરા ઉપર કાળા કલરનો પીછો મારી સંભવત તેમની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી પોતાનો વિરોધ દર્શાવ્યો છે.
વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે પાણી પુરવઠા વિભાગ હસ્તકની રૂ.૧૭૯ કરોડની વિસનગર જૂથ પાણી પુરવઠા યોજના અને બે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ આગામી તા. ૦૬/૦૬/૨૦૨૨ના એપીએમસી ખાતે કરવામાં આવનાર છે. જે કાર્યક્રમમાં રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. પ્રજા ઉપયોગી કાર્ય કરોડો રૂપિયાના ખર્ચે થવા જઈ રહ્યું છે. જેનો પ્રચાર પ્રસાર કરવા માટે વિસનગરના ગ્રામ્ય વિસ્તારોમાં લાખો રૂપિયાના ખર્ચે બેનરો છપાવીને મુકવામાં આવ્યા છે. જોકે અમુક તત્વોને મંત્રી ઋષિકેશ પટેલ સામે કોઈ વિરોધ હોય તેવું કૃત્ય કરવામાં આવ્યું છે. તત્વોએ બેનરો ફાડી બેનરોમાં અંકિત કરવામાં આવેલા ઋષિકેશ પટેલના ચહેરા પર કાળા કલરનો પીછો મારી પોતાની અસંતુષ્ટ લાગણી છતી કરવા પ્રયાસ કર્યો છે. જોકે આ બાબતની જાણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને થતા વિસનગર તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે બે દિવસ સુધી મંત્રીની ‘આબરૂ’ સચવાઈ રહે તે માટે તાલુકાના દઢિયાળ, બાકરપુર અને બાસણા ગામમાં હોમગાર્ડના જવાનો તૈનાત કરી બેનરોને હવે કોઈ નુકસાન ન પહોંચાડે તે માટે ચોકીદારીની વ્યવસ્થા ઊભી કરી ઉજાગરા માથે લીધા છે.
જોકે, આ તમામ બાબતની જાણ મંત્રીને થતાં તેઓએ એપીએમસીમાં મળી ગયેલા તાલુકા ભાજપના પ્રમુખ સતીશ પટેલનો પણ ઉધડો લઇને ‘આમ કેમ કોઈ બેનર ફાડી નાખે? તમે શું ધ્યાન રાખો છો? એમ કહી તતડાવી નાખ્યા હોવાની જાણકારોએ વિગતો આપતા ઉમેર્યું હતું કે તાલુકાના ત્રણ ગામોમાં જ્યાં બેનરો ફાડી નાખવામાં આવ્યા છે ત્યાં નવા બેનરો લગાવીને શાસનકર્તાના રુઆબ અને રુત્બાને બે દિવસ પૂરતો કાયમ રાખવા પ્રશાસનના માથે જવાબદારી ઠોકી બેસાડવામાં આવી છે.