દેશમાં પત્નીથી પિડીત પતિઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જોવા મળી રહી છે. દેશના ઘણા રાજ્યોમાં પત્નીઓના અત્યાચાર સામે જંગે ચઢેલા પતિદેવો આજે પણ કોર્ટ કચેરીના ધક્કા ખાઇ રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં પણ પત્ની પીડિત પતિ દેવોનું એક સંગઠન મજબૂતાઈથી માથાભારે પત્ની સામે કાનૂની જંગમાં જીત મેળવવા મરણિયા પ્રયાસ કરી રહ્યું છે. એટલું જ નહીં પત્ની પીડિત પતિ દેવોનું સંગઠન અમદાવાદમાં ધરણા, આંદોલન અને પ્રદર્શનો કરી માથા ફરેલ પત્નીઓથી રક્ષણ આપવા માગણી કરતું આવ્યું છે. ઉપરાંત પત્નીઓ દ્વારા કાયદાનો દુરૂપયોગ કરી પતિ તેમજ સાસરી પક્ષના સભ્યોને પરેશાન કરવામાં આવતા હોવાની અનેક રજૂઆતો કરવામાં આવી છે. તાજેતરમાં પણ દેશના એક રાજ્યમાં સિર જોર પત્ની તેના પતિને બેટથી ફટકારતી હોવાના પુરાવા સીસીટીવી કૅમેરા મારફતે પતિએ કોર્ટમાં રજુ કર્યા હતા એટલું જ નહીં પરંતુ આ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં પણ જોરશોરથી વાઇરલ થયા હતા. બીજા અર્થમાં કહીએ તો પુરુષના વિચારો અને અહંકાર સામે મૌન રહેતી સ્ત્રી હવે અબળા નહીં પરંતુ સબળા સાબિત થઇ રહી છે. પુરુષની સાથે ખભેખભો મિલાવી તેની આંખમાં આંખ પરોવી અન્યાય સામે અવાજ અને અત્યાચાર સામે હથિયાર ઉપાડતી જોવા મળી રહી છે.
વાત રહી પત્નીના કથિત અત્યાચારની તો અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં રહેતો એક યુવક થોડા દિવસ પૂર્વે પત્નીને ઘરે મૂકીને ગોવાની સહેલગાહે ગયો હતો. ગોવામાં સમંદરની લહેરો, નયનરમ્ય દ્રશ્યો નિહાળીને દિલોદિમાગને હલકો ફૂલ મહેસૂસ કરી ગોવાની મોજ મજાની જીવનભરની સ્મૃતિ હૃદય અને નયનમાં ભરી તૃષા તૃપ્તિ કરી હર્ષો ઉલ્લાસભેર પોતાના ઘરે પરત ફર્યો હતો. પરંતુ તેને ક્યાં ખબર હતી કે ઘરે પહોંચશે ત્યારે જે મજા ગોવામાં માણીને આવ્યો છે તે તેના માટે સજા બની જશે. (કોઈ દિલ પે અગર છા જાયે તો ક્યા હોતા હૈ વહી હોતા હૈ જો મંજુરે ખુદા હોતા હૈ) વાત જાણે એમ બની હતી કે ગોવાથી પરત અમદાવાદ અદાણી પ્રથમ સ્થિત પોતાના ઘરે પહોંચેલા પતિ તુષાર પટેલને તેની પત્ની આશાએ તું ગોવા અન્ય છોકરીઓ સાથે ગયો હતો અને તેની સાથે ત્યાં શારીરિક સંબંધ બાંધ્યા છે તેમ કહી ઝઘડો કરી બેટ વડે ફટકાર્યો હતો. એટલું જ નહીં યુવકના ઘરે હાજર તેના સાસુ હંસાબેને પણ દીકરીની સાથોસાથ પોતાનો હાથ પણ જમાઈ ઉપર સાફ કર્યો હતો.
• પત્નીને જાણ કરીને હું ચાર દિવસ માટે ગોવા મિત્રો સાથે ફરવા ગયો હતો: તુષાર પટેલ
સમગ્ર બાબત અંગે તુષાર પટેલે પોલીસને કહ્યું હતું કે પોતે 22 મેના પોતાના મિત્રો સાથે ચાર દિવસ માટે ગોવા ફરવા જઈ રહ્યો હોવાનું તેની પત્ની આશા પટેલને કહ્યું હતું. ચાર દિવસ બાદ રાત્રે 9:30ના અરસામાં તે ગોવાથી પરત અમદાવાદ આવ્યો અને પોતાના ઘરે પહોંચ્યો હતો. જ્યાં તેની પત્ની આશા પટેલે તું કેટલીક છોકરીઓ સાથે ગોવા ગયો હતો અને ત્યાં તેમની સાથે તે શારીરિક સંબંધ બાંધ્યા છે. તેવા આરોપ લગાવ્યા હતા. પરંતુ પોતે તેના મિત્રો સાથે ગોવા ગયો હતો અને ત્યાં કોઈ છોકરી હતી નહીં તેમ કહ્યું હતું છતાં પત્ની માની ન હતી અને તેની સાથે ઝઘડો કરી તેને માર મારી અપશબ્દો બોલી બેટ વડે ફટકાર્યો છે. એટલું જ નહીં ઘરમાં હાજર પત્નીના મમ્મી હંસાબેન એ પણ અપશબ્દો બોલી માર માર્યો હતો.
જમીન દલાલીનો વ્યવસાય કરતો તુષાર પટેલને ગોવાથી આવ્યા બાદ તેની પત્ની અને સાસુએ એટલી હદે ફટકાર્યો હતો કે તે પીડા સહન કરી શક્યો ન હતો. એટલું જ નહીં મારની પીડાથી તે આખી રાત ઊંઘી પણ શકયો ન હોવાનું પોલીસને કહી ઉમેર્યું હતું કે બીજા દિવસે તે સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા ગયો હતો અને મેડીકો- લીગલ કેસ નોંધાવ્યો હતો. ફરિયાદમાં તેણે એમ પણ જણાવ્યું છે કે ૧૨ વર્ષના લગ્નગાળા દરમિયાન તેની પત્ની તેના પર શંકા રાખી તેના અન્ય મહિલા સાથે અનૈતિક સંબંધો છે તેમ કહી અવાર નવાર ઝઘડા કરતી રહી છે.