• ભારત દેશના બિનસાંપ્રદાયિક બંધારણના ધજીયા ઊડતા દેખાયા, ભારે ચર્ચા
•હોસ્પિટલ આવેલા આધેડની નો પાર્કિંગમાં ઉભેલી કારને લોક લગાવતાં મામલો બિચક્યો
•વાહનચાલક સામે કાર્યવાહીથી પોલીસ કોન્સ્ટેબલનું તેની જાતિ વિરૂદ્ધ અપમાન કરાયું
સંજય જાની (અપના મિજાજ)
દેશમાં છેલ્લા કેટલાક સમયથી જાતિવાદી ઝેર લોકમાનસમાં ઘોળવામાં આવી રહ્યું છે. જેને લઇને દેશમાં અરાજકતા જેવો માહોલ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે અને તેનો પુરાવો સમાચાર માધ્યમો રોજ સવાર પડે ને આપી રહ્યા છે. આવા જ એક જાતિવાદી ઝેરે મહેસાણાના જાહેર માર્ગ ઉપર પોતાનો અસલી રંગ દેખાડ્યો હતો. જેને લઇને ભારતીય બંધારણની બિનસાંપ્રદાયિક્તાની બાબતના સરેઆમ ધજીયા ઉડતા જોવા મળ્યા હતા. શહેરમાં એક વાહન ચાલકે પોતાની કાર નો પાર્કિંગ વિસ્તારમાં ટ્રાફિકને અડચણ થાય તે રીતે ઉભી કરી હતી. જેને લઇને અહીંના ટ્રાફિક પોલીસના કર્મચારીઓએ તેની સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરતાં ઉશ્કેરાયેલા આધેડ વાહનચાલકે એક ચોક્કસ જાતિના પોલીસ કોન્સ્ટેબલને તેની જાત વિરુદ્ધ અપમાન થાય તે રીતના શબ્દોના ઉચ્ચારણ કરી ગાળો ભાંડી હતી. જે સમગ્ર બાબતનો પોલીસ કોન્સ્ટેબલે વિડિયો બનાવી લેતા તે વીડિયો સોશિયલ મીડિયામાં જોરશોરથી વાઇરલ થઇ રહ્યો છે. જેને લઇને બે સંપ્રદાય વચ્ચે વૈમનસ્ય ના ફેલાય તેવી ચિંતા બિનસાંપ્રદાયિક અને સર્વધર્મ સમભાવમાં માનતા લોકો કરી રહ્યા છે.
મહેસાણા શહેરની કોઈ એક હોસ્પિટલમાં દર્દીને લઈને આવેલા એક ચોક્કસ સંપ્રદાયના ભાલે તિલક કરેલા આધેડ શખ્સે પોતાની કાર ટ્રાફિકને અડચણરૂપ ઉભી રાખી હોવાથી અહીં ફરજ પર હાજર ટ્રાફિક પોલીસના કર્મચારીઓએ તેની સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની કાર્યવાહી વખતે આધેડે પોલીસવાનમાં સવાર એક ચોક્કસ જાતિના પોલીસ કોન્સ્ટેબલને અપમાન ભર્યા શબ્દો બોલી બિભત્સ ગાળો ભાંડી હતી. એટલું જ નહીં આધેડ શખ્સે પોતે હોસ્પિટલ આવ્યા છે અને થોડીવાર માટે અહીં કાર મૂકી હતી તેવી દલીલો પણ કરી હતી. પરંતુ ટ્રાફિકને અડચણરૂપ પડેલી કારના વ્હિલમાં લોક લગાવી પોલીસે દંડાત્મક કાર્યવાહી કરતા આધેડ ઉશ્કેરાયા હતા. મગજ પરનો કાબૂ ગુમાવી ચૂકેલા આધેડે પોલીસ કોન્સ્ટેબલને અપશબ્દો બોલતા આ અંગેનો વિડીયો બનાવી લેવામાં આવ્યો હતો. જોકે વીડિયોમાં બતાવ્યા પ્રમાણે તકરાર ખૂબ જ ઉગ્ર બની હતી. જાતિવાદી શબ્દોના ઉચ્ચારણ કરવામાં આવતા પોલીસ કોન્સ્ટેબલો પણ પોલીસ ફરિયાદ કરવા માટે તત્પર હોવાનું વાઇરલl વીડિયો જોવાથી જાણી શકાય છે. જો કે વીડીયો શહેરના કયા વિસ્તારનો છે અને આ અંગે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ છે કે કેમ તે જાણી શકાયું નથી. ઉપરાંત વિડિયો અંગે ‘અપના મિજાજ ‘ન્યુઝ કોઈ પુષ્ટિ કરતું નથી.
શહેરના ભરબજારમાં વાહન ચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે થયેલી તકરારમાં જાતિવાદી ઝેર ઓકાતું નજરે પડયું હતું. જાતિવાદી જેના કારણે દેશ અને રાજ્યનો માહોલ આમેય અતિશય બગડેલો જોવા મળી રહ્યો છે ત્યારે મહેસાણા શહેરમાં જે ઘટના પ્રકાશમાં આવી છે તેનાથી ચોક્કસપણે એવું માની લેવું પડે કે હવે આ જાતિવાદી ઝેર આવનારા દિવસોમાં કઈ કેટલાય ઘરોમાં બરબાદી લાવી દેશે. બિનસાંપ્રદાયિકની ભારતીય બંધારણની વાતો માત્ર એક પુસ્તકમાં કેદ થઈ ગઈ હોય તેવો માહોલ લોકો જોઈ રહ્યા છે. જો હજુ પણ લોકજાગૃતિ દાખવવામાં નહીં આવે અને જાતિવાદી ઝેરનું મારણ નહીં કરવામાં આવે તો મહેસાણા શહેરમાં બહાર આવેલી ઘટના તો માત્ર “એક ઝાંકી છે, ઘણું બધું ભોગવવાનું બાકી છે”, તેવો માહોલ ઊભો થઈ શકે અને ભયના ઓથાર તળે જીવન વિતાવવું પડે તે દિવસો કદાચ હવે દૂર નથી. સરકારી કે બિનસરકારી એકમોમાં કામ કરતા કર્મચારીઓ સામે હવે જો જાતિ આધારિત નજરીયો વધી જશે તો ભવિષ્ય ખતરાની ઘંટડી સમાન હોવાનું મહેસાણાની ઘટના ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે.
• બિનસાંપ્રદાયિક દેશ એટલે શું? એક વિચારકની વાત અહીં વર્ણન કરવામાં આવી છે.
બિનસાંપ્રદાયિક દેશ એટ્લે એવો દેશ જ્યાં સરકાર કે રાજ્ય દ્વારા કોઈ ધર્મ કે સંપ્રદાય ને પસંદગી આપવામાં આવતી નથી. બીજા શબ્દોમાં બિન સાંપ્રદાયિક કે ધર્મ નિરપેક્ષ દેશ (હવે બિન સાંપ્રદાયિક શબ્દ બહુ વપરાતો નથી પરંતુ ધર્મ નિરપેક્ષ શબ્દ વધુ પ્રચલિત છે) માં રાજ્યનો કોઈ ધર્મ નથી. એટ્લે કે સરકાર કોઈ ધાર્મિક કાર્યક્રમનો આયોજન કરી શકે નહીં, કોઈ સરકારી પદ કે નોકરી માટે માટે ધાર્મિક આધાર ઉપર ભેદભાવ રાખી શકે નહીં. તેથી વિપરીત અમુક દેશોમાં અમુક ધર્મ રાજ્ય ધર્મ તરીકે પાળવામાં આવે છે, જેમ કે શ્રીલંકા જ્યાં બૌદ્ધ ધર્મ રાજ્યનો ધર્મ છે. તેજ રીતે પાકિસ્તાનમાં ઇસ્લામ રાજ્ય ધર્મ છે. તેથી વિપરીત તુર્કી ધર્મ નિરપેક્ષ છે અને તે વાત તે દેશના સંવિધાનમા સ્પષ્ટકરવામાં આવી છે. યુએસએ ધર્મનિરપેક્ષ દેશ છે, પરંતુ તેના રાષ્ટ્રીય mottoમાં લખેલું છે કે In God We Trust એટ્લે કે તેઓ ઈશ્વરમાં શ્રદ્ધા રાખે છે અને તેના અસ્તિત્વને નકારતા નથી. પરંતુ ધાર્મિક આધાર ઉપર ભેદભાવ યુએસએમાં પ્રતિબંધિત છે.