•નાપાસ જાહેર વિદ્યાર્થીઓને રિવીઝન બાદ પાસ કરાયા પણ હવે ફિઝિકલ માટે સમય નથી
• માત્ર બે-ત્રણ દિવસમાં કોઇ તૈયારી નથી સરકાર એકાદ મહિનાનો સમય આપે
•જો સમય નહીં અપાય તો ૫૦ થીવધુ પરીક્ષાર્થીઓનું ભાવિ ડામાડોળ થઇ શકે છે
સંજય જાની (અપના મિજાજ)
રાજ્યમાં વર્ષ 2018- 19ના મહિનામાં જાહેર કરવામાં આવેલી વનવિભાગના બીટ ગાર્ડની પરીક્ષા જે તે વખતે મોકૂફ રાખવામાં આવી હતી. જે પછી 27 માર્ચ 2022ના પુનઃ વનવિભાગ દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી. જેનું પ્રથમ પરિણામ ૧૯ એપ્રિલે જાહેર કરવામાં આવ્યું હતું. પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા તેઓએ રિવાઇઝ અરજી આપી હતી જે અરજી બાદ તંત્રએ પેપરની ચકાસણી કરતા અંદાજે ૫૦થી વધુ અગાઉ નાપાસ થયેલા લોકોને પાસ જાહેર કરવામાં આવ્યા હતા.
વન વિભાગમાં બીટ ગાર્ડની પરીક્ષા આપેલા વિદ્યાર્થીઓ રિવાઇઝ અરજી બાદ પાસ જાહેર કરવામાં આવ્યા હોવાને એક અઠવાડિયું થયું છે. હવે તંત્ર દ્વારા તેમને આગામી તા. ૦૧થી ૦૩ જૂન સુધી શારીરિક કસોટી આપવા જણાવવામાં આવ્યું છે. પરંતુ આમાંથી કેટલાય વિદ્યાર્થીઓ વેકેશન ગાળવા ગયા છે. તો અમુક વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ પ્રેક્ટિસ દરમિયાન ફેક્ચર અને અન્ય પ્રકારની શારીરિક ઈજાનો ભોગ બની સારવાર લઇ રહ્યા છે. જેથી તેઓ માટે બીટ ગાર્ડની પરીક્ષામાં શારીરિક કસોટી આપવી અત્યારે મુશ્કેલ ભર્યું છે. જાણકાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે શારીરિક કસોટીમાં દોડ, ઉંચી અને લાંબી કુદ મહત્વની છે. જે કસોટી ઇજાગ્રસ્ત વિદ્યાર્થી કે વિદ્યાર્થીની હાલના સંજોગોમાં આપી શકે તેવી પરિસ્થિતિમાં નથી. જેથી તંત્ર દ્વારા આવા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને એકાદ મહિનાનો વધુ સમય આપવામાં આવે તેવી માંગણી ઉઠી રહી છે.
• જો તંત્ર ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓની વેદના નહીં સમજે તો તેમનું ભવિષ્ય ડામાડોળ થઇ શકે છે
રાજ્યના વન વિભાગમાં બીટ ગાર્ડ ની પરીક્ષા આપી પ્રથમ રીઝલ્ટમાં નાપાસ જાહેર થયા બાદ રિવિઝનમાં ૫૦થી વધુ વિદ્યાર્થીઓને પાસ જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ તેમની શારીરિક કસોટી માટે આપવામાં આવેલો સમય બહુ જ ઓછો છે. જેથી રિવિઝનમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની પ્રથમ રીઝલ્ટમાં જ પાસ થયેલા વિદ્યાર્થીઓની સાથે શારીરિક કસોટી ન રાખવામાં આવે તેવી અપીલ રીવીઝન બાદ પાસ થયેલા વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓના મતે તેમની પાસે સારી રીતે કસોટીની તૈયારી માટે પૂરતો સમય નથી એટલે એકાદ મહિના બાદ તેમની શારીરિક કસોટી લેવાય જેથી તેઓ પોતાને ભરતી માટે કાબેલ સાબિત કરી શકે. જો તંત્ર દ્વારા તેમની રજૂઆત ન માનવામાં આવે તો તેમનું ભવિષ્ય ડામાડોળ થઇ શકે તેવી પરિસ્થિતિ આવીને ઊભી છે.
Sanjay jani…8200190068